રાતના લગભગ 12 વાગ્યા હતા. મોટાભાગના મુસાફરોએ ટ્રેનમાં ભોજન લીધા બાદ નિંદ્રાદેવીને આધિન થયા હતા. પણ કેટલાક મુસાફરોમાં કોઈ ચમત્કારની રાહ જોતા જાગી રહ્યા હતા અને અચાનક કોચમાં વંદે ભારતનો નારો શરૂ થઇ ગયો. થોડી વાર સુધી તો કોઇ સમજી શક્યું નહીં કે શું થયું, પરંતુ પછીથી લોકોની સમજમાં આવી ગયું કે આ બદલાતા ભારતની તસવીર છે – જેના તેઓ સાક્ષી બન્યા છે.
વંદે ભારત શ્રેણીની 11મી ટ્રેન થોડા સમય માટે ભોપાલથી નવી દિલ્હી વચ્ચે તેની સૌથી ઝડપી ગતિએ એટલે કે આગ્રા અને નવી દિલ્હી વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી.
સામાન્ય રીતે વંદે ભારત ટ્રેન 120 થી 140 kmphની મહત્તમ ઝડપે દોડે છે. જ્યાં સુધી વંદે ભારતનો સવાલ છે, તે 180 કિમીની ઝડપે દોડી શકે છે, પરંતુ ટ્રેકની રચના અને ટેકનિકલ કારણોસર તે આ ઝડપે દોડી શકતી નથી. પ્રથમ વખત ભોપાલ સેક્શન પર ટ્રેને 160 કિમી પ્રતિ કલાકની ઝડપને સ્પર્શી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વિટર પર ટ્રેનનો એક વીડિયો શેર કર્યો છે.
First route to give 160 kmph run to Vande Bharat in some sections.
PM @narendramodi Ji to flag off 🚅Bhopal – New Delhi Vande Bharat today. pic.twitter.com/ozcAcbSUJb
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 1, 2023
ટ્રેનમાં એલસીડી સ્ક્રીન પર સ્પીડ બતાવવામાં આવી રહી હતી. આમ છતાં કેટલાક મુસાફરો એવા હતા જેમણે મોબાઈલમાં સ્પીડ ટ્રેકર લગાવ્યું હતું, જેથી જાણી શકાય કે ટ્રેનની અસલી સ્પીડ કેટલી છે, પરંતુ જેવી ટ્રેન સ્પીડ ટ્રેકર પર 160ના આંકડાને સ્પર્શી ગઈ, ત્યારે બધાના ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો.
ટ્રેનની સ્પીડ 160 કિમી સુધી પહોંચી જતા મુસાફરોમાં ખુશીનો પાર રહ્યો ન હતો. લોકો ઝૂમી ઉઠ્યા હતા. કેટલાક ગાતા હતા અને કેટલાક ભાવુક થઈ ગયા હતા. ટ્રેનમાં બેઠેલી એક મહિલા મુસાફરે કહ્યું હતું કે તેને એવું લાગે છે કે તે અડધી રાત્રે સપનું જોઈ રહી છે, પણ આ બદલાતા ભારતની વાસ્તવિકતા છે.
ગ્વાલિયરથી વંદે ભારત ટ્રેનમાં ચડેલા એક યાત્રીએ કહ્યું હતું કે 160 કિમીની ઝડપે દોડતી ટ્રેનને જોયા પછી ખાતરી છે કે ટૂંક સમયમાં દેશમાં બુલેટ ટ્રેન પણ દોડશે. તેમણે કહ્યું કે આ તો માત્ર ટ્રેલર છે. બુલંદ ભારતની બુલંદ તસવીર હજી આવવાની બાકી છે.
જોકે, ગતિમાન એક્સપ્રેસ પણ દેશમાં 160 કિલોમીટરની ઝડપે દોડી છે, પરંતુ ગતિમાન એક્સપ્રેસ 10 કોચ સાથે 160 કિલોમીટરની ઝડપે દોડી હતી, જ્યારે વંદે ભારત ટ્રેન 16 કોચ સાથે 160 કિલોમીટરની ઝડપે દોડી હતી. તેથી એમ લાગે છે કે ભવિષ્યમાં વંદે ભારત ટ્રેન ગતિમાન એક્સપ્રેસને પણ પાછળ છોડી દેશે.