મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાંથી અગાઉ બે ‘વંદે ભારત એક્સપ્રેસ’ દોડાવાતી હતી પરંતુ આવતીકાલથી વધુ બે ટ્રેન દોડાવાશે અને એને ગ્રીન સિગ્નલ આપશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. આ બે ટ્રેન પૈકી એક (એટલે દેશની નવમી વંદે ભારત એક્સપ્રેસ) ટ્રેન CSMT અને સોલાપુર (પાવરલુમ નગરી) અને બીજી પવિત્ર યાત્રાધામ સાઈનગર શિરડી (દેશની દસમી ટ્રેન) વચ્ચે ચાલુ કરવામાં આવશે. અલબત્ત, આ બંને શહેરને મુંબઈ સાથે એ પણ સેમી હાઈ સ્પીડથી જોડવામાં આવશે, તેનાથી પ્રવાસીઓની મુસાફરી ઝડપી અને સુરક્ષિત બનશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આવતીકાલે એટલે ૧૦મી ફેબ્રુઆરીના મુંબઈ CSMT ખાતેના ૧૮ નંબરનાં પ્લેટફોર્મ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બંને આધુનિક વંદે ભારત એક્સપ્રેસ (Version 2) ને લીલી ઝંડી આપશે.
આ આધુનિક સેમી હાઈ સ્પીડ ટ્રેનમાં 16 કોચ છે, જ્યારે 1,128 પ્રવાસીની કેપેસિટી છે. આ ઉપરાંત, સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ કલાકના 200 કિલોમીટરની ક્ષમતા ધરાવે છે, પરંતુ રેલવે બોર્ડે કલાકના 160 કિલોમીટરની ઝડપથી દોડાવવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં અગાઉથી બે વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, જેમાં એક ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર અને બીજી નાગપુરથી વિલાસપુર. જોકે પ્રત્યેક એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ખર્ચ 110 કરોડનો છે. હાલમાં સીટિંગવાળી વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, જેમાં બે શહેર વચ્ચેનું અંતર સાતથી આઠ કલાકનું હોય, પરંતુ આગામી દિવસોમાં સ્લીપિંગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે તથા તેના કોચ પણ એસી હશે. હાલના તબક્કે આઈસીએફમાં વંદે ભારત એક્સપ્રેસમાં સ્લીપર કોચના વર્ઝનવાળી ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, જે ખાસ કરીને મુંબઈ દિલ્હી, મુંબઈ નાગપુર, મુંબઈ-હૈદરાબાદ વગેરે રુટમાં દોડાવી શકાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી આ બંને ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવ્યા પછી અઠવાડિયાના છ દિવસ દોડાવાશે. ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જેટલી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવતી હતી તેના 16 કોચ હતા. હવે આઠ કોચની ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, જેથી પ્રોડક્શન વધે અને ઓછા અંતરવાળા મોટો શહેરોને એકબીજા વચ્ચે કનેક્ટ કરી શકાય.
વિશેષતા
CSMT અને સોલાપુર વચ્ચેની સામાન્ય એક્સપ્રેસ હાલમાં ૭.૫૫ કલાકનો ટાઈમ લે છે પણ વંદે ભારત એક્સપ્રેસ છ કલાક લેશે.આ બંને શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાને કારણે પ્રવાસીઓનો દોઢ કલાક બચશે અને સૌ પ્રથમ વખત બેન્કર (ખંડાલા ઘાટમાં)ની મદદ વિના દોડાવી શકાશે, જે નવા ઇતિહાસનું નિર્માણ કરશે.
એ જ રીતે મુંબઈ અને શિર્ડી વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ પણ નાશિક, ત્ર્યંબકેશ્વર સહિત અન્ય પવિત્ર યાત્રાધામને જોડવાની સાથે પહેલી વખત બેન્કર એન્જિન (કસારા ઘાટ સેકશનમાં)ની મદદ વિના દોડાવાશે. સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડવાવને કારણે બંને શહેરની કનેક્ટિવિટી સુધરશે.