(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના હેડ ક્વાર્ટર CSMT ખાતેથી આજે મુંબઈથી શિરડી અને મુંબઈથી સોલાપુર વચ્ચે એકસાથે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી હતી. અહીંનાં કાર્યક્રમમાં મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવ હાજર રહ્યા હતા. અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્રને કેન્દ્રીય બજેટમાંથી નોંધપાત્ર ફંડની ફાળવણી કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો, જ્યારે રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવે મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સરકારની પ્રશંસા કરી હતી. તત્કાલીન સરકારે વિવધ પ્રોજેક્ટને અટકાવ્યા હતા પણ શિંદે સરકારે તમામ અવરોધો દૂર કર્યા હતા, તેથી તેમની કામગીરીની રેલવે પ્રધાને પ્રશંસા કરી હતી.
સૌથી પહેલા પ્લેટફોર્મ નંબર ૧૭ પરથી બપોરે ૩.૫૫ વાગ્યે મુંબઈ સોલાપુર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપવમાં આવી હતી, ત્યાર બાદ ચાર વાગ્યે મુંબઈ શિરડી ટ્રેનને લીલીઝંડી આપી હતી.