મુંબઈ-અમદાવાદ વચ્ચે ‘વંદે ભારત’ એક્સપ્રેસ દોડાવવાનો તખતો તૈયાર

આમચી મુંબઈ

ક્ષિતિજ નાયક

મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે રેલવે મંત્રાલય કમર કસી રહ્યું છે ત્યારે આ જ કોરિડોરમાં ‘વંદે ભારત’ એક્સપ્રેસ દોડાવવાનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પશ્ર્ચિમ રેલવેને ટૂંક સમયમાં એક રેક મળશે એ વાતને પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ તાજેતરમાં સમર્થન આપ્યું હતું. તેજસ એક્સપ્રેસના માફક અઠવાડિયામાં છ દિવસ દોડાવાતા શિડ્યુલના માફક આ જ પ્રકારે વંદે ભારતનું શિડ્યુલ હશે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ દોડાવવામાં આવશે, જ્યારે ટ્રેનની સ્પીડ કલાકના ૧૬૦ કિલોમીટર ઝડપની રહેશે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચેના ત્રણ હોલ્ટ સ્ટેશન
(સુરત, વડોદરા અને ગેરતપુર) રહેશે. હંગામી ધોરણે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત બંને સ્ટેશન વચ્ચે ત્રણ હોલ્ટ સ્ટેશન તથા અઠવાડિયામાં શનિવાર સિવાય છ દિવસ દોડાવવામાં આવશે. હાલમાં હંગામી યોજના છે, પરંતુ આ જ રૂટમાં દોડાવાતી શતાબ્દી અને તેજસ એક્સપ્રેસને પણ કદાચ રિપ્લેસ કરી શકાય છે, એમ પશ્ર્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
હંગામી ધોરણે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરના ૨.૪૦ વાગ્યે ઉપાડવામાં આવશે, જ્યારે રાતના નવ વાગ્યે અમદાવાદ પહોંચશે. એ જ પ્રકારે અમદાવાદથી બપોરના ૧.૩૦ વાગ્યાના સુમારે ઉપાડવામાં આવશે, જ્યારે રાતના ૭.૪૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. હાલના તબક્કે મુંબઈથી અમદાવાદ વચ્ચે શતાબ્દી, દૂરંતો, રાજધાની સહિત તેજસ એક્સપ્રેસ વગેરે પ્રીમિયમ અને સેમી હાઈ સ્પીડની ટ્રેનો દોડાવવામાં આવે છે, જે કલાકના ૧૩૦ કિલોમીટરની સ્પીડથી દોડાવાય છે, જેમાં આ જ રૂટની ટ્રેનના બદલામાં વંદે ભારત ટ્રેન દોડાવાય કે અલગ રૂટમાં દોડાવાય તે અંગે અધિકારીએ સ્પષ્ટતા કરી નહોતી, પરંતુ તેના અંગે ટૂંક સમયમાં જાહેરાત થશે, એવું તેમણે જણાવ્યું હતું.
મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત અથવા ટ્રેન-૧૮ દોડાવવા માટે એક રેકની ફાળવણી કરવામાં આવશે, જ્યારે તેના માટે જોગેશ્ર્વરીમાં નિર્માણ થનારા ટર્મિનસનો ઉપયોગ કરવામાં આવશે, એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.

વંદે ભારત ટ્રેનની વિશેષતા
હાલના તબક્કે વંદે ભારતના કોચનું આઈસીએફ (ચેન્નઈ)માં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ મૂળ તો એન્જિન વિનાની ટ્રેન અને તેનો આગળનો ભાગ બુલેટ ટ્રેનના જેવો છે. ટ્રેનના કોચ એલએચબીથી સજ્જ તથા પ્રત્યેક કોચની અંદાજે ૬ કરોડ રૂપિયાની તથા ૧૬ કોચની ટ્રેનમાં પ્રવાસીઓની બેઠક ક્ષમતા અંદાજે ૧,૧૨૮ છે. ટ્રેનની બેઠક વ્યવસ્થા ફ્લાઈટના માફક તથા ઈમર્જન્સીમાં સરળતાથી બહાર નીકળી શકાય એવી વ્યવસ્થા હશે. ટ્રેનમાં ઓટોમેટિક પ્રોટેક્ટિવ સિસ્ટમ (કવચ)થી લઈને સિગ્નલ પાસિંગ (સિગ્નલ પાસિંગ ઓન ડેન્જર ઝોન) સહિત અન્ય પ્રકારના અકસ્માતને રોકી શકાય એવી સિસ્ટમથી આ ટ્રેન સજ્જ હશે. ટ્રેન કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમથી લઈને સીસીટીવી કેમેરાની સાથે સાથે ફાયર ડિટેક્શન, સ્મોક ડિટેક્શન પણ હશે. આગામી ત્રણ વર્ષમાં ૪૦૦ જેટલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન-૧૮ અથવા સેમી હાઈ સ્પીડ) દોડાવવાની રેલવે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૧૯ વારાણસી-નવી દિલ્હી (અઠવાડિયામાં પાંચ દિવસ) અને નવી દિલ્હી-માતા વૈષ્ણોદેવી (અઠવાડિયામાં છ દિવસ) વચ્ચે દોડાવવામાં આવી રહી છે, જેની સ્પીડ કલાકના ૧૩૦ કિલોમીટરની છે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું.
———-
જોગેશ્ર્વરીમાં નિર્માણ થનારા ‘ટર્મિનસ’નો થશે ઉપયોગ

પશ્ર્ચિમ રેલવેમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદ્રા ટર્મિનસથી દોડાવાય છે, પરંતુ વધતા ટ્રાફિકને કારણે વધુ બે ટર્મિનસ બનાવવાની યોજના છે. જોગેશ્ર્વરીમાં ટર્મિનસ માટે રેલવે બોર્ડે મંજૂરી આપી છે. શરૂઆતના તબક્કે જોગેશ્ર્વરીમાં નિર્માણ થનારા ટર્મિનસમાં વંદે ભારત (ટ્રેન-૧૮), તેજસ એક્સપ્રેસ સહિત ૧૨ જેટલી મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ઉપાડવાની સાથે ટર્મિનેટ કરાશે. આ નવું ટર્મિનસ પૂર્વમાં જોગેશ્ર્વરી અને રામમંદિર વચ્ચે બનાવવામાં આવશે, જ્યારે મે મહિનામાં રેલવે બોર્ડે પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે ૭૦ કરોડની મંજૂરી આપી હતી, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.