વિધાનસભ્ય કુડાળકરની ઑફિસ બહાર શિવસૈનિકોની તોડફોડ

આમચી મુંબઈ

ભાંગફોડ: શિવસેનાએ શુક્રવારે વિધાનસભ્ય મંગેશ કુંડાળકરની કુર્લાની કચેરીમાંતોડફોડ કરી હતી. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર સામે બળવો કરનારા વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના જૂથમાં જોડાયેલા વિધાનસભ્ય મંગેશ કુડાળકરની પાર્ટી ઑફિસ બહારના બોર્ડની શિવસૈનિકો દ્વારા શુક્રવારે તોડફોડ કરવામાં આવી હતી.
કુર્લાના વિધાનસભ્ય કુડાળકર અત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનારા શિંદે અને સેનાના અન્ય વિધાનસભ્યો સાથે ગુવાહાટીમાં છે.
પોલીસના જણાવ્યા મુજબ શિવસેનાના સમર્થકોનું એક જૂથ શુક્રવારે કુર્લાના નેહરુ નગર સ્થિત કુડાળકરની ઑફિસ બહાર એકઠું થયું હતું અને કુડાળકરના નામ-તસવીરવાળા બોર્ડની તોડફોડ કરી હતી. શિવસૈનિકો ઑફિસમાં તોડફોડ કરે તે પહેલાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટોળાને વિખેરી નાખ્યું હતું.
દરમિયાન શિંદેના બળવાને પગલે પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શિવસેનાની શાખાઓ સહિત અનેક ઠેકાણેની સુરક્ષા વધારી દીધી હતી. એ સિવાય ઉશ્કેરાયેલા શિવસૈનિકો રસ્તા પર ઊતરી હંગામો મચાવે એવી શક્યતાને પગલે પોલીસે ઍલર્ટ જારી કર્યું હતું.
કોલ્હાપુરમાં મોટી સંખ્યામાં શિવસૈનિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને બળવો કરનારા નેતાઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નાશિકના આંબેડકર નગરમાં શિંદેના સમર્થનમાં લાગેલા હોર્ડિંગ પર કાળું ચોપડ્યું હતું.
(પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.