નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં ગુનાઓનું પ્રમાણ નિરંતર વધી રહ્યું છે, જેમાં તાજેતરમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવું પાટનગર દિલ્હીમાં પુનરાવર્તન થયું છે. મંગળવારે બાબા હરિદાસનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં છોકરીના હત્યા કરીને મૃતદેહને ઢાબાના ફ્રિજમાં રાખવામાં આવ્યો હતો. આ કેસની જાણ થયા પછી પોલીસે છોકરીના મૃતદેહનો કબજો લીધો હતો ત્યારબાદ પોલીસે આરોપી યુવકની પણ ધરપકડ કરી છે. આરોપી યુવકની ઓળખ સાહિલ ગહલોત તરીકે કરવામાં આવી છે.
વેલેન્ટાઈન ડે એટલે 14મી ફેબ્રુઆરીના પોલીસને મળેલી માહિતીના આધારે મિત્રાંવ ગાંવના બહારના એક વિસ્તારમાંના ઢાબામાં એક યુવતીની હત્યા કરીને મૃતદેહને ફ્રિજમાં છુપાવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો. મિત્રાંવ ગામના રહેવાસી સોહિલ ગહલોત નામના યુવકને પોલીસે પકડયો હતો તથા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસને મળેલી માહિતી અનુસાર કાશ્મીરી ગેટ આઈએસબીટી નજીકની કારમાં છોકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ આરોપીએ યુવતીના મૃતદેહને મિત્રાંવ ગામ નજીકના ઢાબાના ફ્રિજરમાં મૂકી દીધો હતો. આરોપીની ઉંમર 26 વર્ષ છે તથા હાલમાં આ કેસમાં વધારે પૂછપરછ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે પાટનગર દિલ્હીમાં 18મી મે, 2022ના આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વોકરનું ગળું દબાવીને હત્યા કરી હતી પછી તેના 35 ટુકડા કરીને ફ્રિજમાં મૂકી દીધા હતા ત્યારબાદ ટુકડાને અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. હાલમાં આ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે.