Homeટોપ ન્યૂઝ...તો 2027 સુધીમાં ભક્તો 6 મિનિટમાં પહોંચી જશે વૈષ્ણો દેવીના દરબારમાં!

…તો 2027 સુધીમાં ભક્તો 6 મિનિટમાં પહોંચી જશે વૈષ્ણો દેવીના દરબારમાં!

જમ્મુ કાશ્મીર ખાતે આવેલા હિન્દુઓના આસ્થા સ્થાન સમાન વૈષ્ણોદેવીના ભક્તો માટે મહત્ત્વનાં સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર અનુસાર હવે ભક્તોને માતાના દર્શન કરવા માટે કલાકો નહીં પણ મિનિટોનો સમય લાગશે. માતા વૈષ્ણો દેવીનું મંદિર હિન્દુઓ માટે પવિત્ર સ્થળ છે. દર વર્ષે લાખો ભક્તો માતાના દર્શન કરવા આવે છે. આ મંદિર ઉંચાઈ પર આવેલું હોવાથી વૃદ્ધો કે અશક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા સમયથી અહીં રોપ-વે બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે અને હવે આખરે સરકારે રૂપિયા 250 કરોડના ખર્ચે રોપ-વે બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. વર્ષ 2022માં લગભગ 91 લાખ ભક્તો માતાના દર્શન કરવા આવ્યા હતા. આમાંથી મોટાભાગના લોકો ત્રિકુટા પર્વત પર સ્થિત મંદિર સુધી પહોંચવા માટે 12 કિલોમીટર લાંબો ટ્રેક કર્યો હતો.
જે ભક્તો પગપાળા નથી પહોંચી શકતા તેઓ ખચ્ચર અથવા પિઠ્ઠુઓનો સહારો લે છે. આ બંને વિકલ્પ ખર્ચાળ છે, તેથી દરેક જણ તેની પસંદગી કરી શકતા નથી. પગપાળા 12 કિમીનું અંતર કાપવામાં 1 દિવસનો સમય લાગે છે. પરંતુ હવે નવા પ્રસ્તાવિત રોપ-વેના કારણે આ જાત્રા સરળ બનવા જઈ રહી છે. આ રોપવે 2.4 કિલોમીટર લાંબો હશે અને આ માટે RITES એટલે કે રેલ્વે ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસે બિડ મંગાવ્યા છે.
આ રોપ-વે તૈયાર થશે ત્યારે માતાના દરબારમાં પહોંચવા માટે ભક્તોને માત્ર 6 મિનિટનો સમય લાગશે. આ પ્રોજેક્ટ પૂરો થતાં 3 વર્ષનો સમગાળો લાગશે. રોપવે કટરાના તારાકોટ બેઝ કેમ્પથી મંદિરની નજીક સાંઝી સુધી જશે. આ રોપ-વે ગોંડોલા કેબલ કાર સિસ્ટમથી સજ્જ હશે. જેને એરિયલ રોપ-વે તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં, તારની મદદથી કેબિન પર્વતોની વચ્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ગોંડોલા કેબલ કારમાં ડબલ તારની વ્યવસ્થા હોય છે.
આ રોપ-વે બન્યા બાદ શ્રદ્ધાળુઓનો સમય તો બચશે જ, પરંતુ તેને કારણે તેમને આર્થિક ફાયદો પણ થશે. આ વિકલ્પ ખચ્ચર કે હેલિકોપ્ટરની સરખામણીએ ઘણો સસ્તો હશે. વર્ષ 2018માં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મંદિર સુધી પહોંચવાના નવા રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2020માં વંદે ભારત એક્સપ્રેસ પણ દિલ્હીથી કટરા સુધી શરૂ કરવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન બાદ આ નવો રોપ વે ભક્તોની સુવિધામાં વધારો કરશે, એવો વિશ્વાસ વ્યકત કરાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular