વૈદ્યોના નાથ: વૈદ્યનાથ

દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી – મુકેશ પંડ્યા

શિવજીના ૧૨ જ્યોતિર્લિંગમાંથી ઝારખંડમાં આવેલા જ્યોર્તિલિંગને વૈદ્યનાથ નામ આપવામાં આવ્યું છે. દેવ હોય કે દાનવ શિવજી બધાના ડૉક્ટર. ચંદ્રનું તેજ તેમના સસરાના શાપથી હણાવા લાગ્યું ત્યારે ભગવાન શિવે તેમને સોમ નામની વનસ્પતિનો રસ ઔષધરૂપે આપી તેમનું તેજ પાછું આપ્યું હતું. આપણી પુરાણ અને વ્રતકથાઓમાં પણ ઘણા ભક્તોને તંદુરસ્તી માટે શિવના વ્રત કરતા વર્ણવ્યા છે.
જ્યોતિર્લિંગ વૈદ્યનાથની કહાણી પણ જાણવા જેવી છે. રાવણે કૈલાસ આવીને શિવજીને પ્રસન્ન કરવા અઘોર તપ કર્યું. શિવજી પ્રસન્ન ન થયા તો તેણે દસ માથાઓમાંથી એક એક માથું ઊતારી ભગવાનને ભેટ આપવા માંડ્યું. નવ માથા ધરી દીધા બાદ જ્યારે રાવણ છેલ્લું માથું કાપવાની તૈયારીમાં હતો ત્યારે શિવજી પ્રસન્ન થયા અને બધા માથા પાછા જોડી આપ્યા. પછી ખુશ થઇને વરદાન માગવાનું કહ્યું. રાવણે કહ્યું તમે મારી લંકામાં આવીને વસો. શિવજી તો ભોળા. વરદાન આપી દીધું. પોતાની જ્યોતપુંજ સમું શિવલિંગ રાવણને આપી દીધું અને એક શરત રાખી કે વચ્ચે રસ્તામાં ક્યાંય શિવલિંગ મૂકવું નહીં જો મૂકીશ તો એ ત્યાં જ સ્થાયી થઇ જશે. આજનો જે ઝારખંડ વિસ્તાર છે ત્યાં સુધી રાવણ આવ્યો પણ પછી તેને લઘુશંકાની પ્રેરણા થતાં ત્યાંથી પસાર થતા ભરવાડના હાથમાં શિવલિંગ સોંપીને ગયો. ભરવાડને લિંગનો ભાર લાગતા તેણે લિંગ જમીન પર મૂકી દીધું. આ લિંગ સાથે શિવ દ્વારા રાવણના મસ્તક પાછા સજીવન કરવાની ઘટના સંકળાયેલી છે એટલે તેને વૈદ્યનાથ કહેવાય છે. વૈદ્યનાથ પરથી જ અપભ્રંશ થઇને વૈજનાથ શબ્દ બન્યો. ભારતમાં વૈજનાથને નામે ઘણા શિવાલયો તમને જોવા મળશે.
શ્રાવણ મહિનામાં વરસાદની ઋતુમાં બીમારી સામે લડવા શંકરની ભક્તિ કામ લાગે છે. શરીર- મનનો કોઇ રોગ હોય કે મૃત્યુ સમીપે હોય માણસ શંકર ભગવાનની દિલથી પ્રાર્થના કરે તો તેને અવશ્ય રાહત મળે છે એવો શિવભક્તોને વિશ્ર્વાસ છે.
શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજયના જાપ જપાય છે એ પણ લોકોના શરીરની સુખાકારી માટે જ છે.
શિવજી જ્યાં વસે છે એ હિમાલયની હારમાળાઓમાં અસંખ્ય જડીબુટ્ટી ઊગે છે. લક્ષ્મણ જ્યારે લંકાના યુદ્ધમાં મૂર્છા પામ્યા હતા ત્યારે વૈદ્યની સૂચના અનુસાર હનુમાન હિમાલયની કંદરાઓમાં આવીને જ સંજીવની લઇ ગયા હતા જેને પ્રતાપે લક્ષ્મણને હોશ આવે છે. હનુમાનજી પણ શિવનો જ અવતાર ગણાય છે. આજે જ્યારે મોંઘવારી વધી છે. દવાઓ અને શસ્ત્રક્રિયાઓના ખર્ચ વધ્યા છે. વિલાયતી ખાણીપીણી અને દવાઓની આડઅસર વધી છે ત્યારે સરકારે શિવના પ્રદેશમાં ઊગી નીકળતી સ્થાનિક વનસ્પતિઓના સંશોધનમાં ખાસ રસ લેવો જોઇએ. આવી ઔષધિઓ દ્વારા વૈદ્યનાથ શિવજીના આશીર્વાદ છેવાડેની વ્યક્તિ સુધી પહોંચે એવી જ પ્રાર્થના આપણે શ્રાવણ મહિનામાં કરીએ.
દાનવ હોય, માનવ હોય કે દેવ દરેકના વૈદ્ય અને વૈદ્યના પણ વૈદ્ય એવા વૈદ્યનાથ શિવજીને નમસ્કાર હજો! ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.