વડોદરા: ગણપતી આગમન દરમિયાન જૂથ અથડામણ, પથ્થરમારો અને તોડ ફોડ થતા માહોલ તંગ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Vadodara: વડોદરા શહેરમાં ફરી સામાજિક સૌહાર્દ ડહોળવાનો પ્રયાસ થયો છે. ગઈકાલે સોમવારે મોડી રાત્રે વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં ગણપતિની આગમન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. ત્યાર બાદ બંને સમુદાયો વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોને ટાળવા પોલીસ તંત્ર સતર્ક થઇ ગયું છે. પોલીસે 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી..
આવતી કાલથી ગણેશ ઉત્સવ શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે સોમવારે રાત્રે લગભગ 11.15 કલાકે પાણીગેટ દરવાજાથી ગણેશજીની મૂર્તિ લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત લારીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. એક મસ્જિદના કાચના દરવાજાને નુકસાન થયું હતું. જેના કારણે આ વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ હતી. માંડવી વિસ્તારને અત્યંત સંવેદનશીલ ગણવામાં આવે છે.
પોલીસે જણાવ્યું કે શહેરના વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આરોપીઓ પર રમખાણો ભડકાવવા અને ગેરકાયદેસર એસેમ્બલી કરવાનો આરોપ છે.
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે કે આઈપીસીની કલમ 143, 147, 336 અને 295 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ ઘટના બાદ આ વિસ્તારમાં પોલીસ ફોર્સની હાજરી વધારી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.