વડોદરાવાસીઓ સહિત શહેરની મુલાકાત લેતા તમામ લોકો જેની રાહ જોઈને થાકી ગયા તે સુખસાગર તળાવમાં બનેલી શિવજીની પ્રતિમાનું શિવરાત્રીના દિવસે અનાવરણ થશે. આ અનાવરણ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં થશે.
આ પ્રતિમા 111 ફૂટની છે અને રૂ. 12 કરોડ રૂપિયાના ખર્ચે બની છે અને સોનાજડિત છે. મહા શિવરાત્રિ પર્વ પહેલા જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. જોકે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું.
દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહા શિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સાથે શહેરના મધ્યબિંદુ સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં આજે પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નિકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ શિવજી કી સવારી કાઢવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વર્ષ-2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે. અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.