ઉત્તર પ્રદેશના હરદોઈ ખાતે પચદેવરા પોલીસ સ્ટેશનની હદમાં દરિયાબાદ ગામ નજીક થયેલાં એક ભીષણ અકસ્માતમાં પાંચ જણના મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય છ જણને ઈજા પહોંચી હતી. વરરાજાને લઈ જઈ રહેલી બોલેરો અને સામેથી આવી રહેલાં શેરડીના ટ્રેકટર ટ્રોલીની ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં 21 વર્ષીય વરરાજા સહિત પાંચ જણના મૃત્યુ થયા હતા. પાંચમાંથી બે જણના મૃત્યુ તો ઘટનાસ્થળે જ થઈ ગયા હતા, જ્યારે ત્રણ જણને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ આ અકસ્માતની નોંધ લીધી હતી અને તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને અધિકારીઓને હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહી છે કે નહીં તેની તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે.
મૃત્યુ પામેલા 21 વર્ષીય વરરાજાનું નામ દેવેશ હોવાનું કહેવાઈ રહ્યું છે. જાનૈયાઓ ગાડીમાં જઈ રહ્યા હતા એ સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે ગાડીમાં સવાર વરરાજાના બનેવી બિપનેશ (45) અને 12 વર્ષીય બાળક રૂદ્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત વરરાજા દેવેશ, તેના પિતા ઓમબીર અને બોલેરાના ડ્રાઈવર સુમિતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અન્ય છ જણને ઈજા થઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.