લગ્ન એ અતૂટ વિશ્વાસ અને પ્રેમના પાયા પર ઊભો રહેતો સંબંધ છે, પણ શું થાય જ્યારે તેના આ બે પાયામાંથી એક પાયો હચમચી જાય? આવો જ એક કિસ્સો ઉત્તરાખંડના લક્સરમાં જોવા મળી રહ્યો છે. જેમાં એક યુવકે હરિયાણાના હિસ્સારમાં રહેતી એક છોકરી સાથે લવ મેરેજ કર્યા હતા, પણ લગ્નની પહેલી જ રાતે તેની સામે પત્નીનું એવું સત્ય સામે આવ્યું કે તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. વાત જાણે એમ છે કે પહેલી રાતે જ યુવકને ખબર પડી કે તેની પત્ની એક ટ્રાન્સજેન્ડર છે. યુવક હવે તેની પત્ની પર છેતરપિંડીનો આરોપ મૂકી રહ્યો છે અને આ મામલે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પીડિતા તેની પત્નીને સોશિયલ મીડિયા પર મળ્યો હતો અને બંને વચ્ચે મનમેળ થતાં આખરે બંને જણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ લગ્ન બાદ પત્નીની હકીકત સામે આવતા તે ચોંકી ગયો છે. પોતાનો રાઝ ખૂલી જતાં પત્ની પિયર જતી રહી છે અને હવે છુટાછેડા આપવા માટે પત્ની દ્વારા મોટી રકમ વળતરપેટે માગવામાં આવી રહી છે. પોલીસ ફરિયાદ બાદ પોલીસે આ આખા મામલે તપાસ હાથ ધરી છે અને દોષી સામે કાર્યવાહી કરવામાં આવશે, એવું આશ્વાસન આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવકની પત્ની પહેલાં એક છોકરો હતી અને ત્યાર બાદ તેણે સેક્સચેન્જનું ઓપરેશન કરીને છોકરી બની ગઈ હતી.