ફોકસ -સોનલ કારિયા
ટેલિફોન પર એક યા બીજા બહાને બૅન્કની વિગતો મેળવી લઈ વ્યક્તિના ખાતાંમાંથી પૈસા ઉપાડી ચાઉં કરી જનારાઓ માટે ઝારખંડનું જમતારા કુખ્યાત બન્યું છે એ જ રીતે હવે ઉત્તર પ્રદેશનું અલીગઢ નોકરી કૌભાંડનું કેન્દ્ર બન્યું છે.
આ આખો કેસ ઓડિશા પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિન્ગે ઉકેલ્યો છે. ટેકનોલોજીમાં એક્સપર્ટ એક જૂથે ભેગા મળીને લગભગ પચાસ હજાર નોકરી ઇચ્છુકોને બેવકૂફ બનાવીને કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું આ ભયાનક કૌભાંડ બહાર આવ્યું છે.
ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી ઓપરેટ કરતી આ મંડળીએ બેરોજગાર કે નોકરી માટે મરણિયા થયેલા કેટલાય નોકરી વાંચ્છુકોને બેવકૂફ બનાવ્યા છે જેમાં ખાસ કરીને ગુજરાત, કર્નાટક, આંધ્રપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ અને ઓડિસાના નોકરી ઇચ્છુકો સપડાયા છે. આ મંડળીએ નિર્દયતાથી આ બિચારાઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. આ માહિતી ઉત્તર પ્રદેશ પોલીસના ઇકોનોમિક વિંગના ઇન્સ્પેક્ટર જનરલે આપી હતી.
આ આખું કૌભાંડ ટેક્નોલોજી જાણનાર ઉત્તર પ્રદેશના એન્જિનિયરોના ગ્રુપે આચર્યું છે. આ કૌભાંડ કરવા માટે તેમણે વેબસાઇટ ડેવલપર્સની મદદ પણ લીધી હતી. એન્જિનિયરોના આ ગ્રુપને લગભગ પચાસ કોલ સેન્ટરમાં કામ કરનારાઓએ પણ કૌભાંડ આચરવામાં મદદ કરી હતી. આ મદદ કરવા માટે એન્જિનિયરોના ગ્રુપ તેમને દર મહિને ૧૫.૦૦૦ રૂપિયા ચૂકવતું હતું. કોલ સેન્ટરમાં કામ કરનારાઓ મોટાભાગે જમાલપુર અને અલીગઢ વિસ્તારના જ હતા.
એન્જિનિયરોના આ ગ્રુપની મોડસ ઓપરેન્ડી અને આખું કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે અલીગઢથી ૨૫ વર્ષીય ઝફર અહમદની ધરપકડ થઈ. આ ઝફર અહમદ આ આખા કૌભાંડ પાછળનું મુખ્ય ભેજું છે અને તે પોતે વ્યવસાયે એક એન્જિનિયર છે. કરોડો રૂપિયાનું આ કૌભાંડ આચરવામાં તેની સાથે જે ચાર વ્યક્તિઓ હતી એમાંના ત્રણ તો તેના પિતરાઈ ભાઈઓ છે. ઝફરના આ પિતરાઈ ભાઈઓ પણ એન્જિનિયર થયેલા છે. આ ટોળકીએ એક વેબસાઈટ ડેવલપરને પણ કામે રાખ્યો હતો અને તેને પણ પગાર ચૂકવતા હતા. આ આખું કૌભાંડ વ્યવસ્થિત રીતે ગોઠવીને આચરવામાં આવ્યું હતું જેમાં કોલ સેન્ટરમાં કામ કરનારાઓ અને વેબસાઇટ ડેવલપરની સેવા પૈસા આપીને લેવામાં આવી હતી.
આ કૌભાંડકારોએ સરકારી પોર્ટલ જેવી જ દેખાતી એક બનાવટી વેબસાઈટ તૈયાર કરી હતી. આ વેબસાઈટ પર તેમણે હેલ્થ અને વિવિધ કુશળતાઓ ધરાવતી વ્યક્તિઓની જરૂર છે એવા પ્રકારની એડ્વર્ટાઇઝમેન્ટ મૂકી હતી. કેટલીક જાહેરાતો તો એવી મૂકી હતી જેના પર પ્રધાનમંત્રી-યોજના પણ લખેલું હોય. આ વેબસાઇટ એટલી કુશળતાથી બનાવવામાં આવી હતી કે જોનારાઓને એવું જ લાગે કે જાણે આ સરકારી વેબસાઇટ છે. આ વેબસાઇટ તેમણે ઇન્ટરનેટ પર વહેતી મૂકી એટલું જ નહીં એ નોકરી શોધનારાઓ સુધી પહોંચે એવી વ્યવસ્થા પણ કરી હતી. આવી બધી જાહેરાતો જોઈને નોકરીની સખત જરૂરિયાત હોય એવા લોકો ભરમાઈ જતા હતા.
આ બનાવટી વેબસાઇટનું નામ- જીવનસ્વાસ્થ્ય સુરક્ષા યોજના એટલે કે ૂૂૂ.ષતતુ.શક્ષ અને ૂૂૂ.બષતિુ.શક્ષ (ભારતીય જન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) તેમ જ ૂૂૂ.લતળતતત.શક્ષ (ગ્રામીણ સમાજ મહાસ્વાસ્થ્ય સેવા) એવા નામ આપવામાં આવ્યા હતા. નામ પણ એવી રીતે પસંદ કરવામાં આવ્યા હતા કે નોકરી ઇચ્છુકોને એના પર સંશય ન આવે.
આ એન્જિનિયર કૌભાંડકારીઓ સૌથી પહેલાં તો નોકરી ઇચ્છુકોને રજિસ્ટર કરવા કહેતા હતા. આ વેબસાઇટો પર રજિસ્ટ્રેશન ફી તરીકે ૩૦૦૦ રૂપિયા માગવામાં આવતા હતા. એક વાર ૩૦૦૦ રૂપિયા ભરીને વ્યક્તિ એના પર રજિસ્ટર થઈ જાય પછી વેબસાઇટ દ્વારા જ તેને બીજા પેજ પર ડાયરેક્ટ કરવામાં આવતા જ્યાં તેમને ઇન્ટરવ્યૂ, ટ્રેનિંગ અને ઓરિએન્ટેશન પ્રોગ્રામ માટે એમ જુદા-જુદા નામ હેઠળ ૭૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ ભરાવવામાં આવતી. અમુક વ્યક્તિઓ ત્રણ હજાર કે ઇન્ટરવ્યૂ માટે પૈસા ભરે પછી તેને સંશય આવે તો ત્યાં જ અટકી જતી પણ ત્યાં સુધી કૌભાંડકારોને અમુક હજાર રૂપિયા તો મળી જ રહેતા.
નોકરી માટે ટળવળતા આવા લોકોને પોતાનો શિકાર બનાવવા આ ટોળકીએ સ્થાનિક અખબારોમાં જાહેરાત પણ આપી હતી. એ સિવાય બનાવટી ઓળખ સાથે જુદી-જુદી વ્યક્તિઓને વ્હોટ્સ અપ મેસેજ કે કોલ પણ કરતા હતા. નિર્દોષ અને જરૂરિયાતમંદ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે આ કૌભાંડકારીઓએ બેનામી બૅન્ક અકાઉન્ટ પણ ખોલ્યાં હતાં. આવા લગભગ ૧૦૦ જેટલા બેનામી બૅન્ક અકાઉન્ટમાં પૈસા ભરાવીને તેઓ બેફામપણે લૂંટ ચલાવતા હતા. આ ગઠિયાઓ જન સેવા કેન્દ્રના ક્યુઆર કોડનો ઉપયોગ કરીને પોતાના બૅન્ક અકાઉન્ટમાં રકમ ટ્રાન્સ્ફર કરાવી હતી. ઉત્તર પ્રદેશમાં આવા અઢળક જન સેવા કેન્દ્રો છે જે દસ ટકાના કમિશન પર રોકડ રકમ આપે છે. આ રીતે બહુ જ હોંશિયારીપૂર્વક આખા કૌભાંડનું આયોજન અને એનો અમલ કરવામાં આવ્યો હતો જેને કારણે કોઈ પુરાવા રહી ન જાય.
આ રીતે ઉચાપત કરનારાઓએ રાજસ્થાનના મ્યુલ બૅન્ક અકાઉન્ટ ભેગા કર્યા હતા અને નિર્દોષ લોકોના સીમ કાર્ડ વાપરીને આ આખું કૌભાંડ ચલાવ્યું હતું. એક વાર નોકરીની અરજી કરનાર ઉમેદવાર પૈસા ભરે પછી અચાનક આ વેબસાઇટ અને કોલ સેન્ટર પરથી તેમને કોઈ જવાબ નહોતો મળતો અથવા ટેકનોલોજીની મદદથી તેઓ એવી કારીગરી કરતા કે આખી વેબસાઇટ જ જાદુઈ રીતે છૂમંતર થઈ જતી અને કોલ સેન્ટર પર કોઈ જવાબ જ મળતો નહીં. બીજા શબ્દોમાં કહીએ તો નોકરી માટે અરજી કરનાર ઉમેદવારે પોતે ભરેલા પૈસાના નામનું નાહી જ નાખવું પડતું હતું. અમુક બકરાઓ આ રીતે ફસાઈ જાય અને તેમના પૈસા હાથમાં આવી જાય એટલે કૌભાંડકારોની આ ગેન્ગ કોઈ નવી જ વેબસાઇટ ડિઝાઈન કરીને બીજા લોકોને ફસાવવા માટેના પેંતરાં કરતી હતી. ઉત્તર પ્રદેશ પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિભાગે આ કૌભાંડકારીઓ પાસેથી ૧૦૦૦ જેટલા બનાવટી સીમ કાર્ડ અને ૫૩૦ મોબાઈલ હેન્ડસેટ પકડી પાડ્યા હતા. આ ખોટા નામે બનાવેલા સીમ કાર્ડ અને હેન્ડસેટની મદદથી આખો કારસો ચાલી રહ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે આ આખું કૌભાંડનું આયોજન અને પાર પાડવાનું કાર્ય એટલું જબરદસ્ત રીતે અને બુદ્ધિપૂર્વક કરવામાં આવ્યું હતું કે કોઈને જરાય જેટલી શંકા ન આવે. એ ઉપરાંત જો પોલીસ કે એનફોર્સમેન્ટ એજન્સીઓના ધ્યાનમાં આવે તો તેઓ કેવાં પગલાં લઈ શકે અને તો એમાંથી કઈ રીતે છટકવું એની પણ તકેદારી રાખવામાં આવી હતી.
આ કૌભાંડ આચરવા માટે તેઓ મોટા ભાગે બનાવટી નામના સીમ કાર્ડ પરથી વ્હોટ્સ અપ કોલ જ કરતા હતા. જેથી ટ્રુ કોલર જે એપની મદદથી કોનો ફોન છે એ ખબર પણ ન પડી શકે. તેઓ ફોન નંબર પણ ભારતીય જન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, ગ્રામીણ સમાજ મહાસ્વાસ્થ્ય સેવા એવા નામથી જ સેવ કરતા હતા. જેથી સામેની વ્યક્તિના ફોન પર જ્યારે કોલ લાગે ત્યારે આ જ નામ ફ્લેશ થાય. જેને કારણે નોકરી ઇચ્છતા ઉમેદવારને એવું જ લાગે કે આ ફેક નહીં પણ સરકારી વિભાગમાંથી જ ફોન આવ્યો છે. આ કૌભાંડકારો ભૂલેચૂકે પણ પોતાના અંગત ફોનનો વપરાશ નહોતા કરતા. એક વાર અમુક લોકો પાસેથી પૈસા આવી ગયા પછી જોખમ લાગતા જ તેઓ સીમ કાર્ડ બંધ કરાવી નાખતા અને મોબાઈલ ફોન નજીકની નદીમાં ફગાવી દેતા જેથી કોઈ જ પુરાવા ન રહે. ઉત્તર પ્રદેશના ઇકોનોમિક વીંગ પાસે આ સ્કેમ સંબંધિત ફરિયાદ આવી એટલે પોલીસે પોતાના જ એક ઑફિસરને ઉમેદવાર તરીકે આ વેબસાઇટ પર રજિસ્ટર કરાવ્યો અને પછી એ વેબસાઇટ જેમ-જેમ કરવાનું કહેતી ગઈ એટલે કે ઇન્ટરવ્યૂ માટે આટલા પૈસા ભરો, ટ્રેનિંગ માટે પૈસા ભરો, ઓરિયેન્ટેશન માટે પૈસા ભરો એ બધા જ પૈસા ભરીને પછી કૌભાંડકારો સુધી પહોંચી હતી.
આ આખું કૌભાંડ ઉઘાડું પાડવામાં ઉત્તર પ્રદેશની ઇકોનોમિક ઓફેન્સ વિંગને લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. તેમને પકડવા અને તેમની મોડસ ઓપરેન્ડી જાણવા માટે પોલીસને નવ નેજાં પાણી આવ્યા હતા એટલું જડબેસલાક પ્લાનિંગ આ કૌભાંડકારોએ કર્યું હતું. જો આખું કૌભાંડ પોલીસ સુધી પહોંચે તો કઈ રીતે તેનું ફીંડલું વાળી લેવું એની વ્યવસ્થા પણ કૌભાંડકારોએ કરી હતી. પોલીસે ટેકનિકલ સ્ટાફ અને પોલીસ ઑફિસરોને કામે લગાડ્યા પછી ત્રણ મહિને તેઓ આ સ્કેમનો પર્દાફાશ કરી શક્યા હતા.
ફક્ત ઓડિશામાં જ ૬૦૦૦ નોકરી ઇચ્છુક ઉમેદવારોને આ કૌભાંડકારીઓએ છેતર્યા હતા. પાંચ રાજ્યોમાં કુલ મળીને તેમણે પચાસ હજાર કરતાં પણ વધુ નોકરી ઇચ્છતા ઉમેદવારોને છેતરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. પોલીસે બધી વેબસાઇટનું વિશ્ર્લેષણ કર્યા પછી આ બધી વિગતો મેળવી હતી.
આ આખું કૌભાંડ ૨૦૨૦ એટલે કે બે વર્ષથી ચાલતું હતું. કૌભાંડકારોએ લોકોને છેતરીને મેળવેલા કરોડો
રૂપિયા અલીગઢમાં અનેક પ્રોપર્ટી લઈને સાચવ્યા હતા.