ઉત્તરપ્રદેશમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં ગઈ કાલે ગુરુવારે સાંજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન હોબાળો મચી ગયો. જાણીતા ગાયક કૈલાશ ખેરે લખનઉમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આયોજકો પર જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો હતો.
આયોજનમાં ગેરવ્યવસ્થાને લઈને કૈલાશ ખેરે કડક શબ્દોમાં કહ્યું કે, ‘તમે હોશિયારી બતાવો રહ્યા છો, થોડો શિષ્ટાચાર શીખો, મને એક કલાક માટે રાહ જોવડાવી, શું છે આ ખેલો ઇન્ડિયા? આવું હોય, કામ તો આવડતું નથી. ખેલો ઈન્ડિયા ત્યારે જ છે જ્યારે આપણે ખુશ હોઈએ, જ્યારે આપણા પરિવારના સભ્યો ખુશ હશે તો બહારના લોકો ખુશ થશે.’ કૈલાશ ખેરનો ગુસ્સો જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા. આ બાદ સોશિયલ મીડિયા પર તેમનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
Singer Kailash Kher lost his cool over alleged mismanagement during the inauguration ceremony of Khelo India University games at BBD University, Lucknow. pic.twitter.com/BmLsEU46zY
— Piyush Rai (@Benarasiyaa) May 26, 2023
“>
જોકે ત્યાર બાદ કૈલાશ ખેરે પોતાનો ગુસ્સો બાજુ પર મૂકીને સ્ટેજ પર પહોંચ્યા અને ગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ દરમિયાન યુપીના એડિશનલ ચીફ સેક્રેટરી નવનીત સહગલે સાથે તેમણે ડાન્સ પણ કર્યો હતો. કૈલાશ ખેરે ટ્વિટ કર્યું અને લખ્યું, ‘રમત અને સંગીતને એકસાથે જોડવાની પહેલ કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીજીનો આભાર, દેશમાં યુગોથી બંને કળાઓને હળવાશથી લેવામાં આવી રહી છે.’
આ પહેલા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં દેશભરના ખેલાડીઓનું સ્વાગત કરતાં યજમાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે કહ્યું હતું કે આ ખેલાડીઓ ભારતની નવી ઊર્જાનું પ્રતિબિંબ છે. આદિત્યનાથે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવાની જવાબદારી આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. એમ પણ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ખેલો ઈન્ડિયા ખેલો કાર્યક્રમ હોય કે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હોય, એમપી સ્પોર્ટ્સ કોમ્પિટિશન હોય કે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી સ્પોર્ટ્સ ઈવેન્ટ હોય, રમતગમતની પ્રવૃત્તિઓ દરેક ગામ સુધી પહોંચી છે.
સીએમ યોગીએ કહ્યું કે ઉત્તર પ્રદેશે રાજ્ય સરકારની સેવાઓમાં ખેલાડીઓ માટે બે ટકા અનામતની વ્યવસ્થા કરી છે અને ખૂબ જ ટૂંક સમયમાં ઓલિમ્પિક, એશિયાડ, કોમનવેલ્થ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતનાર ખેલાડીઓને રાજ્ય સરકારની નોકરીમાં નિયુક્તિ આપવામાં આવશે.
આ પ્રસંગે ભારત સરકારના માહિતી અને પ્રસારણ અને રમતગમત મંત્રાલયના પ્રધાન અનુરાગ સિંહ ઠાકુર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા.