ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભાજપના નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના નેતા ગુરવિંદર સિંહ ઉર્ફે વિકી છાબરા અને તેની પત્નીએ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દંપતીએ જંતુનાશક પ્રવાહી પી લીધું હતું. આ ઘટના કાનપુરના ફાજલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર, ઘર કંકાસને કારણે દંપતીએ આ પગલું ભર્યું હતું. જોકે, પોલીસ હજુ સુધી તેની પાછળના કારણો સ્પષ્ટ કરી શકી નથી. ગુરવિંદર સિંહ છાબરા અને તેની પત્નીને ગંભીર હાલતમાં રિજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિકી છાબરા યુપી પંજાબી એકેડમીના વાઇસ ચેરમેન છે. વિકી છાબરા રાજ્ય પ્રધાન પણ રહી ચુક્યા છે.
પોલીસે આપેલી માહિતી મુંજબ ઘટના દરમિયાન તેમનો પુત્ર અંગદ અને પુત્રી સાક્ષી ઘરમાં હાજર હતા તેમણે સ્થાનિકો અને સંબંધીઓની મદદથી બંનેને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેને રેજેન્સી હોસ્પિટલના સઘન ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલા અંગે ફાજલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણકારી મળતા વિધાનસભાના સ્પીકર સતીશ મહાના અને અન્ય વરિષ્ઠ બીજેપી નેતાઓ ગુરવિંદર અને તેની પત્નીની તબિયત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.