સિયાવર રામચંદ્ર કી જય! આ વર્ષે અયોધ્યામાં બિરાજમાન થશે રામલલ્લા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ પુરપાટ ગતિથી થઈ રહ્યું છે. મંદિરનું નિર્માણકાર્ય આવતા વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં પૂરું થાય તેવી અપેક્ષા છે. જો નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ થાય તો 2024ના જાન્યુઆરીમાં આવતી મકરસંક્રાંતિ સુધીમાં રામલલ્લાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તેવી શક્યતાઓ હોવાનું મંદિર નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું.
રામમંદિરનું નિર્માણ કાર્ય પૂરું થતાની સાથે લાખો ભક્તો અયોધ્યા પહોંચશે તે માટે વહીવટીતંત્રએ અત્યારમાં જ તૈયારીઓ શરૂ કરી નાંખી છે. પ્રવાસીઓ માટે એરપોર્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે કનેક્ટિવિટીને મજબૂત કરવા ડબલ લાઈનનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. વાહનો પાર્ક કર્યા પછી, શ્રદ્ધાળુઓ ઇલેક્ટ્રિક વાહન દ્વારા જ અયોધ્યામાં પ્રવેશ કરશે.
રામ મંદિરના નિર્માણ માટે રચવામાં આવેલા ટ્રસ્ટના મહાસચિવે જણાવ્યું હતું કે બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી મહાન હસ્તીઓ અને સંતોની પ્રતિમાઓને પણ રામ જન્મભૂમિ પરિસરમાં સ્થાન આપવામાં આવશે. મંદિરના નિર્માણ પર 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.