Homeઉત્સવહઝારા પર સાચા વિજય માટે શક્તિ સાથે સહાનુભૂતિનો ઉપયોગ

હઝારા પર સાચા વિજય માટે શક્તિ સાથે સહાનુભૂતિનો ઉપયોગ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૭)
કોઈ વ્યવસ્થિત સંશોધકે ઊંડાણપૂર્વક તપાસવાની જરૂર છે કે સરદાર હરિસિંહ નલવા જેવા અને જેટલા પડકારોનો અન્ય કોઈ યોદ્ધાએ સામનો કરવો પડ્યો હતો ખરો?
હઝારાનો પડકાર કોવિડ-૧૯ના વાઈરસ જેવો હતો. ભારે મથામણથી એકને નાથો ત્યાં થોડા સમયમાં કોરોના નવા સ્વરૂપે ફરી હાજર. એટલે ઇ. સ. ૧૮૨૨ની ૨૬મી ફેબ્રુઆરીએ બળવાખોરોનો કાયમી ઇલાજ કરવા માટે નલવા પહોંચી ગયા હઝારા.
સૌ પ્રથમ તો સરદાર અમરસિંહની હત્યાને જરાય હળવાશથી લેવામાં આવી નથી એ ભારપૂર્વક સાબિત કરવું હતું. એ સાબિતી પણ એવી કે લોકોને કાયમ યાદ રહી જાય. ભવિષ્યમાં આવા હત્યારાને કોઈ પનાહ ન આપે એવી જડબેસલાખ વ્યવસ્થા કરવી અનિવાર્ય હતી. સરદાર અમરસિંહના હત્યારાના કબીલાને એવો દંડ કર્યો કે ફરી કોઈ આવી ભૂલ ન કરે. બધાને થયું કે હાશ, એ રાજકીય હત્યાનો મામલો શાંત પડ્યો.
પરંતુ નલવાના મનમાં એ ચરૂ હજી ઉકળતો હતો. સરદાર અમરસિંહ મજીઠિયા સામે બળવાખોરીનું બ્યુગલ વગાડનાર કરાલ પ્રદેશના મુખી હસનઅલી ખાન હજી એમની નજરમાં હતો. એક દિવસ ઓચિંતા કરાલ પર નલવા-સેના તૂટી પડી. ગામને આગ ચાંપી દીધી અને ખાનને મુશ્કેટાટ બાંધીને ઢસડતા લઈ ગયા. હરિસિંહ સમક્ષ હસન અલી ખાન થરથર ધ્રૂજતો હતો. એને ખબર કે નલવા પોતાની સાથે શું કરી શકે છે, પરંતુ નલવાએ બે જ વિકલ્પો આપ્યા: સરદાર અમરસિંહ મજીઠિયાના ખૂનીના નામ જણાવ કાં તોપ પર બાંધીને ફૂંકી મારીશ. ખાને ‘અભયદાન અભયદાન’ના રોદણા સાથે હત્યારાઓને સોંપી દેવાની ખાતરી આપી અને સરદાર મજીઠિયાના હત્યારાઓને હાજર કરાયા તો કંઈ પૂછપરછ વગર સરદાર નલવાએ કરડાકીભર્યા અવાજમાં આદેશ આપ્યો, તોપથી ઉડાવી દો બધાને.
સરદાર હરિસિંહ નલવાની ધાક અગાઉથી જ બેસી ગઈ હતી. હવે હઝારા એ પ્રત્યક્ષ અનુભવવા માંડ્યા, પરંતુ હઝારાની પ્રજાને એક બહુ જૂની અને નાઇલાજ બીમારી હતી: લડવાની. ભવિષ્યમાં આ રોગ પાછો ઉપાડો લે ત્યારે સણસણતો જવાબ આપવાના ઉપાયો કરવા માંડ્યા નલવા એ. સૌ પ્રથમ તો પોતે કબજામાં લઈ લીધેલી જમીનના રક્ષણ માટે આસપાસ એક વિશાળ કિલ્લો બનાવી દીધો.
સૌએ આગ્રહ કરીને આ કિલ્લાનું નામ હઝારાને બદલે સરદાર હરિસિંહ નલવા પરથી હરિપુર રાખવામાં આવે. આમાં સરદારના સન્માન સાથે યુદ્ધ-પ્રેમી પ્રજા પર માનસિક દબાણ રાખવાની નેમ પણ ખરી. અને ૧૯૪૭માં ભારતના વિભાજન સુધી નલવાના સ્મારક તરીકે કિલ્લો ઊભો હતો. આજે ય કિલ્લા તો છે જ પણ ધર્મઝનૂની પાકિસ્તાનીઓ એનું નામ હરિપુર થોડા રહેવા દેવાના હતા? એને અત્યારે જવા દઈએ કારણ કે પાકિસ્તાન પોતાના પગ પર મોટા મોટા હથોડા ઝનૂનપૂર્વક મારી રહ્યું છે. ‘તેલ જોઈએ ને તેલની ધાર જોઈએ’ની માફક ખેલ જોઈએ અને પરિણામ જોઈએ. ખેલ ભલે જોઈએ અને પરિણામ જોઈએ. ખેલ ભલે લાંબો ચાલ્યો પણ કંગાલિસ્તાનનું માઠું પરિણામ હવે ઝાઝું દૂર નથી.
હરિસિંહ નલવા હઝારામાં પૂરેપૂરી વ્યવસ્થા અને એ ય સજડબમ કરવા માગતા હતા. એટલે કિલ્લા પાસે એક નગર વસાવાયું. જેની ફરતે મજબૂત દીવાલ અને એમાં ચાર દિશામાં ચાર દરવાજા બનાવાયા. આ તો બાંધકામ, વિકાસ અને વ્યવસ્થા થઈ પણ એનાથી વધુ મહત્ત્વનું કામ હતું પ્રજાનો પ્રેમ સંપાદન કરવાનો.
નલવાની ટીમે પ્રજાની સમસ્યા, અપેક્ષા અને આકાંક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. સુરદારને ય દેખાઈ આવે એવી મુશ્કેલી હતી પાણીની. એના ઉકેલ માટે સૌથી નજીરની દોડ નામની નદીમાં નહેર બનાવીને પાણી લાવવાની વ્યવસ્થા કરાઈ. પાણી ઉપલબ્ધ થયા બાદ નગરની સુંદરતા માટે ઠેર ઠેર બગીચા બનાવાયા. રહેવાસીઓના લાભાર્થે એક-એક મંદિર, ગુરુદ્વારા અને મસ્જિદ બનાવાયા.
નલવાના પ્લાનનો પહેલો તબક્કો પૂરો થયો. અર્થાત્ તટ પ્રદેશમાં સુખ-શાંતિ સ્થાપિત થઇ ગયા. હવે બળવાખોર જલ્દી ઊભા ન થાય અને થાય તો અમન-શાંતિમાં જીવતી પ્રજા ઝાઝો ટેકો ન આપે એવી જોગવાઈ થઈ ચુકી હતી. લોકોએ પણ ખાલસા શાસકનો હૃદયમાં ક્ધિનાખોરી કે વેરવૃત્તિ નહીં પણ સમભાવ હોવાની અનુભૂતિ કરી.
નલવાના પ્લાનના બીજા ભાગમાં પર્વતીય વિસ્તારો હતા. અહીં સોવાતી, તિનાવલી અને જદૂન પ્રજા વસતિ હતી. જેમને એકાદ વર્ષ અગાઉ નલવાની શક્તિનો પરચો મળી ચુક્યો હતો. આ યોદ્ધો કેટલો કાબેલ અને શૂરવીર હતો એનો પરચો હોવાથી કોઈએ વધુ ઉપાડો ન લીધો. એટલે આ બધાને પ્રમાણમાં ઓછી માથાકૂટ સાથે નિયંત્રણમાં લઈ લેવાયા. સદ્ભાગ્યે એમાં વધારે લોહી વહાવાની જરૂર ન પડી.
તટ પ્રદેશની માફક પર્વતીય વિસ્તારો પર પણ જ્યાં શક્ય અને અનિવાર્ય લાગ્યું ત્યાં કિલ્લા બાંધીને એમાં લશ્કરી ટુકડીઓ ગોઠવી દેવાઈ. એ જમાનામાં સંશાધનોના અભાવમાં પર્વત પર કિલ્લા બાંધવાનું ભગીરથ કાર્ય પણ નલવાના દૃઢનિશ્ર્ચયથી થઈને રહ્યું. આટલેથી જ અટકવાને બદલે સૈનિકોના અવરજવર માટે પર્વત પર રસ્તા બાંધવામાં આવ્યા. સ્વાભાવિક છે કે આ માર્ગોએ પ્રજાની હાલાકી ય ઓછી કરી જ.
કહી શકાય કે તટ પ્રદેશ બાદ પર્વતીય પ્રદેશમાં હવે શાંતિ હતી, નિરાંત હતી. લાગતું હતું કે મહારાજા રણજીતસિંહે સોંપેલી વધુ એક વિકટ કામગીરીને સરદાર હરિસિંહ નલવાએ આદત-પરંપરા મુજબ સફળતાપૂર્વક પાર પાડી હતી. અલબત્ત, એમાં સફળતા વિશે રણજીતસિંહ, નલવા કે અન્ય કોઈને શંકા નહોતી. એ ધારણા અને આશાને નલવાએ હકીકતનું રૂપ આપ્યું.
હજી સરદાર હરિસિંહ નલવા નિરાંતનો શ્ર્વાસ લે એ અગાઉ મહારાજાના એક દૂતે આવીને આપેલો પત્ર વાચીને તેઓ ઊભા થઈ ગયા. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular