Homeપુરુષસ્વસ્થ હૃદય માટે સલાડ તરીકે ઉપયોગમાં લેવાય છે

સ્વસ્થ હૃદય માટે સલાડ તરીકે ઉપયોગમાં લેવાય છે

‘કુસકુસ’

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

ભારતીય ભોજનની વિવિધતા માણવી હોય તો પ્રત્યેક રાજ્યનું આખું ભાણું એટલે કે જે તે રાજ્યમાં રોજબરોજ ખવાતી થાળીનો સ્વાદ માણવો જોઈએ. આપણાં ભોજનની શરૂઆત કચુંબર, સંભારો કે સલાડથી કરવામાં આવતી હોય છે. ધીમે ધીમે બધી જ વાનગીઓ થાળીમાં સજાવવામાં આવે છે. ભોજનના અંતમાં મોળી છાસ પીવાનો રીવાજ ગુજરાત-કચ્છ તથા સૌરાષ્ટ્રમાં અચૂક જોવા મળે છે.
વિદેશોમાં તેમાં પણ ખાસ કરીને નોર્થ આફ્રીકન દેશમાં તથા નોર્થ અમેરિકામાં મોટા પ્રમાણમાં સલાડ તરીકે ‘કુસકુસ’નો ઉપયોગ કરવામાં આવે છે. ‘કુસકુસ’ સૌ પ્રથમ ૧૩મી સદીમાં નોર્થ આફ્રિકન દેશોમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ધીમે ધીમે તેનો ઉપયોગ મધ્ય પૂર્વીય દેશોમાં તથા તુર્કીમાં થવા લાગ્યો.
અમેરીકા, બ્રિટેન તથા અન્ય દેશોમાં તો ‘કુસકુસ’ સુપર માર્કેટમાં અડધા બાફીને સૂકવેલાં મળતાં હોય છે. જેથી તે ઝડપથી બનાવી શકાય તેવા હોય છે. વળી કુસકુસની સુગંધ પાક્યા બાદ પણ ઘઉંમાંથી બનાવેલી વાનગી જેવી જ હોય છે. સામાન્ય રીતે બ્રેડની સુગંધ જેવી જ આવે છે.
ભોજનમાં સલાડની માત્રા સૌથી મુખ્ય જોવા મળે છે. વળી સલાડમાં મળતી વિવિધતા અનેક જોવા મળે છે. સલાડમાં મોટા પ્રમાણમાં ‘કુસકુસ’નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ‘કુસકુસ’ ઝીણા દાણાના સ્વરૂપમાં જોવા મળે છે. રાઈના દાણા જેવો દેખાવ ધરાવતાં ‘કુસકુસ’ ‘ડ્યૂમર ઘઉંથી’ બનાવવામાં આવેલાં પાસ્તાનો પ્રકાર છે. ક્યારેક તેને રવામાંથી બનાવવામાં આવે છે. ‘કુસકુસ’માં મુખ્યત્વે ૩ વિવિધતા જોવા મળે છે. ‘મોરક્કો કુસકુસ,’ ‘લેબનીઝ કુસકુસ’ તથા ‘ઈઝરાયેલ કુસકુસ’.
લેબનીઝ કુસકુસના દાણા સામાન્ય રીતે મોટા હોય છે. વળી તે ઝડપથી પાકે છે. વળી લેબનીઝ કુસકુસ સલાડમાં વપરાતાં વિવિધ ફળ-કાચા શાકભાજી સાથે સરળતાથી મિક્સ કરી શકાય છે.
કુસકુસ હૃદયરોગના દર્દીઓ માટે લાભકારક ગણવામાં આવે છે. શાકાહારી ભોજનનો આગ્રહ રાખતાં વ્યક્તિ માટે કુસકુસ પ્રોટીનનો ભંડાર ગણાય છે. તેમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ જો તેનો આહારમાં ઉપયોગ કરે તો તેમના લોહીમાં શર્કરાની માત્રા જળવાઈ રહે છે. લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વજન નિયંત્રણમાં રાખવા માંગતી વ્યક્તિ તથા ડાયાબિટીસના દર્દીઓ માટે કુસકુસનો ઉપયોગ ગુણકારી ગણાય છે.
ફાઈબરની માત્રા સારી હોવાને કારણે કબજિયાતની તકલીફથી બચી શકાય છે. ફાઈબરથી ભરપૂર ભોજન હોવાને કારણે પાચનક્રિયાને સુધારવાની સાથે બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીથી પણ રાહત આપે છે. આયર્ન, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ તથા વિટામિન બીની માત્રા પણ ડ્યૂમર ઘઉંમાંથી તૈયાર કરવામાં આવેલાં કુસકુસમાં વધુ પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે.
————————
મસાલા કુસકુસ
સામગ્રી: ૪૦૦ ગ્રામ કુસકુસ, ૧ નંગ કાંદો, ૧ નાની ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, ૧ નંગ નાનું ગાજર ઝીણું સમારેલું, ૧ નાની વાટકી વટાણા, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૧ નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ, ૧ નાની ચમચી મકાઈના દાણા, ૧ નાની વાટકી ફૂદીનાના પાન સમારેલાં, ૧ નાનો ટુકડો તજ-૧નંગ તમાલ પત્ર, ૧ ચમચી શુદ્ધ ઘી, ૧ ચમચી તલનું તેલ, સ્વાદ પ્રમાણે મીઠું
બનાવવાની રીત: સૌ પ્રથમ કુસકુસને પાણીથી બરાબર ધોઈને અડધો કલાક પલાળી રાખો. એક કડાઈમાં તલનું તેલ લઈને તેમાં તમાલપત્ર-તજ સાંતળી લો. હવે તેમાં ઝીણો સમારેલો કાંદો, ગાજર, વટાણા મકાઈ, કેપ્સિકમ ભેળવીને સાંતળો. બરાબર સંતળાઈ જાય એટલે આદુ-મરચાં-લસણની પેસ્ટ ભેળવી દો. ગરમ મસાલો ભેળવીને બરાબર સાંતળી લો. પાણીમાં મીઠું ભેળવીને મિશ્રણમાં ૨ ગ્લાસ પાણી મૂકીને ઉકાળવા મૂકો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં કુસકુસ ભેળવીને ફૂદીનાના પાન ભેળવીને મિક્સ કરી દો. દાણા છુટ્ટા દેખાય એટલે તેમાં ઘી ગરમ કરીને ભેળવી દો. ગરમાગરમ કુસકુસ દહીં સાથે પીરસો.
————————–
વારંવાર બોલવાનું ગમે તેવી ઓળખ ધરાવતાં કુસકુસના લાભ વિશે જાણી લઈએ :

હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં લાભકારક: કુસકુસ માટે એવું કહેવાય છે કે તેમાં સેલેનિયમ નામક શરીર માટે અત્યંત ઉપયોગી તેવું સત્ત્વ સમાયેલું છે. જે એક મિનરલ્સ પણ ગણાય છે. એક બાઉલ કુસકુસમાં ૬૦ ટકા સેલેનિયમની માત્રા સમાયેલી છે. તેથી જ અન્ય ભોજનની સામગ્રી કરતાં સૌથી વધુ સેલેનિયમની માત્રા ધરાવતો આહાર ગણાય છે. વળી તેની ગણના પાવરફૂલ ઍન્ટિ -ઓક્સિડન્ટની માત્રા ધરાવતાં સલાડ કરવામાં આવે છે.વળી તેની ખાસ વાત એ પણ છે કે તેને પકાવવા માટે ફક્ત તેમાં ગરમ પાણી ભેળવીને થોડો સમય બંધ ઢાંકણે રાખવાનું હોય છે. તેને ગેસ ઉપર પકાવવાની આવશ્યક્તા નથી.
કુસકુસમાં પોટેશિયમની માત્રા પણ સારા પ્રમાણમાં સમાયેલી છે. પોટશિયમની માત્રાને કારણે રક્તવાહિનીમાં રક્ત સરળતાથી ફેલાય છે. તે માટે તેમને વધુ મહેનત કરવી પડતી નથી. તેથી હૃદયરોગ જેવી વિવિધ કાર્ડિયોવસ્ક્યુલર બીમારીથી બચી શકાય છે. હૃદયના ધબકારાને પણ સુચારૂ ચાલવામાં પોટેશ્યિમ મદદ કરે છે.
કૅન્સરથી બચાવમાં મદદરૂપ
આપણે ઉપર જોયું તેમ કુસકુસમાં સેલેનિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જે સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ આપવામાં મદદ કરે છે. તાજેતરમાં કરવામાં આવેલાં એક અભ્યાસ મુજબ શરીરમાં સેલેનિયમની ઊણપને કારણે કૅન્સર થવાની શક્યતા વધી જાય છે. ફેફસાં કે પ્રોસ્ટેટ કૅન્સરની શક્યતાથી બચવામાં શરીરમાં વિટામિન સી, વિટામિન ઈ તથા સેલેનિયમની માત્રા પૂરતાં પ્રમાણમાં જળવાય તે જરૂરી છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી : કુસકુસમાં ફાઈબર તથા પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. તેથી આહારમાં તેનો ઉપયોગ કરવાથી લોહીમાં શર્કરાની માત્રા જાળવવામાં મદદ મળે છે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીની ભોજન બાદ તથા ભોજન પહેલાં શર્કરાની માત્રામાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. જેને કારણે તેમને અનેક વખત શરીરમાં સુસ્તીનો અનુભવ થવો કે ભોજન બાદ થોડી વારમાં પાછી ભૂખ લાગવી જેવી ઘટના બનતી હોય છે. કુસકુસમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોવાથી તે લોહીમાં શર્કરાની માત્રા નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પ્રોટિનની માત્રા પાચનશક્તિને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. જેથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. કુસકુસમાં કાર્બ્સની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. તેથી પ્રમાણભાન રાખીને તેનો આહારમાં ઉપયોગ કરવો હિતાવહ ગણવામાં આવે છે.
પ્લાન્ટ પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં : શાકાહારી તથા વેગન આહાર લેતી વ્યક્તિ માટે કુસકુસ ઉત્તમ આહાર ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે તેમાં પ્લાન્ટ પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જે શરીરમાં એમિનો એસિડની માત્રા જાળવવામાં મદદ કરે છે. શરીર માટે જે આવશ્યક ગણાય છે. પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનનો આહારમાં ઉપયોગ કરવાથી કૅન્સર જેવી વ્યાધિ, હૃદયરોગ કે અચાનક હૃદય બંધ પડીને મૃત્યુના ડરથી બચી શકાય છે.
કુસકુસમાં ગ્લુટેનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોવાથી ગ્લુટેન ફ્રી કે ગ્લુટેનની એલર્જી ધરાવતી વ્યક્તિએ તેનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો હિતાવહ છે.
વજન નિયંત્રણમાં રાખવામાં લાભકારી : કુસકુસ ભાતની સરખામણીમાં કૅલરીની માત્રા ઓછી ધરાવે છે. વળી કુસકુસમાં પ્રોટિનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. તેથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. વારંવાર ભૂખ લાગતી નથી. ફાઈબર તથા પ્રોટીનની માત્રાને કારણે કુસકુસનો સમાવેશ આહારમાં કરવાથી વજન વધતું અટકાવવામાં મદદ મળે છે.

RELATED ARTICLES

Most Popular