‘યુઝ એન્ડ થ્રો’ કલ્ચર લગ્નજીવનને અસર કરી રહ્યું હોવાથી લિવ-ઈન-રિલેશનશિપના કેસ વધી રહ્યા છેઃ લગ્ન પર કેરળ હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

યુવાનોમાં લગ્ન પ્રત્યે વધતી અરુચિ અંગે શોક અને ચિંતા વ્યક્ત કરતા કેરળની હાઇ કોર્ટે જણાવ્યું હતું કે યુવા પેઢી લગ્નને દુષણ માની રહી છે અને મુક્ત જીવનનો આનંદ માણવા લગ્નને ટાળી રહી છે. આ ઉપરાંત કોર્ટે એ પણ નોંધ્યું છે કે લગ્નને લઈને યુવા પેઢીની વર્તમાન માનસિકતા પણ લિવ-ઈન સંબંધોમાં વધારા તરફ દોરી ગઈ છે અને કપલ્સ મોટી સંખ્યામાં અલગ થઈ રહ્યા છે. અંગ્રેજી શબ્દ વાઇફનો અર્થ “તેઓ ‘વાઈસ ઈન્વેસ્ટમેન્ટ ફોર એવર’ના જૂના ખ્યાલને બદલે ‘વરી ઈન્વાઈટેડ ફોર એવર’ કરી રહ્યા છે. કેરળ હાઇ કોર્ટની જસ્ટિસ એ. મોહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ સોફી થોમસની બેન્ચે લગ્નની સંસ્થાની પવિત્રતા પર સૂચક ટિપ્પણી કરી હતી.
ફેમિલી કોર્ટના છૂટાછેડાને ફગાવી દેવાના આદેશને પડકારતી અલપ્પુઝાના 34 વર્ષીય વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની કેરળની હાઇ કોર્ટમાં સુનાવણી હતી. દંપતી એક દાયકાથી સાઉદી અરેબિયામાં સ્થાયી થયું હતું. તેમણે 2009માં લગ્ન કર્યા હતા. 2018 માં પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તેણે ક્રૂરતાના આધારે તેની પત્ની સાથેના લગ્નને તોડી નાખવાની માંગ કરી હતી. અરજદારે જણાવ્યું હતું કે પત્નીએ પતિના અન્ય મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હોવાના આક્ષેપ સાથે નાની નાની બાબતો પર ઝઘડો કર્યો હતો. પતિએ આક્ષેપ કર્યો હતો કે તેની પત્નીના અસામાન્ય વર્તનને કારણે તે માનસિક રીતે તણાવમાં અને શારીરિક રીતે બીમાર બની ગયો હતો, તેથી તેણે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. આ દંપતીને ત્રણ પુત્રીઓ હતી અને તેમના લગ્ન ખ્રિસ્તી વિધિ મુજબ થયા હતા.
કોર્ટે કહ્યું કે જો પત્ની પાસે પતિની પવિત્રતા અથવા વફાદારી પર શંકા કરવા માટે કારણો હોય અને પત્ની પતિને પ્રશ્ન કરે અથવા ઊંડી પીડા વ્યક્ત કરે, તો આવા વર્તનને ‘અસામાન્ય વર્તણૂક’ તરીકે ઓળખાવી શકાય નહીં; બેન્ચે કહ્યું કે, “સામાન્ય પત્નીનું આ કુદરતી માનવીય વર્તન છે.” લગ્નસંબંધમાં સામાન્ય ઝઘડાઓ કે લાગણીઓના વિસ્ફોટને ક્રૂરતા ગણીને છૂટાછેડા આપી શકાય નહીં.

કોર્ટે કહ્યું કે આ કેસની હકીકતો પરથી સ્પષ્ટ થાય છે કે પતિના લગ્નેત્તર સંબંધને કારણે કૌટુંબિક જીવનમાં વિખવાદ સર્જાયો છે. ત્રણ પુત્રી સાથેનું તેમનું કૌટુંબિક જીવન સરળતાથી ચાલી રહ્યું હતું. પતિ અન્ય સ્ત્રી સાથે ગેરકાયદેસર સંબંધ ધરાવે છે, એ જાણતા પત્નીની સામાન્ય માનવીય પ્રતિક્રિયાઓ અથવા પ્રતિભાવોને પત્ની તરફથી ક્રૂરતા કહી શકાય નહીં. પતિના નજીકના સંબંધીઓ બધા સ્વીકારે છે કે તેની પત્ની એક સારા સ્વભાવની મહિલા છે, જે તેના પતિ અને પરિવારને પ્રેમ કરે છે.

કોર્ટે શખસની અપીલ ફગાવી દીધી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.