અમેરિકામાં અવારનવાર બનતી ફાયરીંગની ઘટનામાં નિર્દોષ લોકો ગુમાવે છે. અમેરિકન ગન કલ્ચર પર લગામ લગાવવા બાઈડેન સરકારે તૈયારી શરુ કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે બંદૂકના દુરુપયોગને રોકવા માટે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઓર્ડર બંદૂકના વેચાણ દરમિયાન ખરીદારનું બેકગ્રાઉન્ડ તપાસવા ઓથોરીટીને વધુ સત્તા આપે છે.
આ અંગે પત્રકારોને માહિતી આપતા બાઈડેને કહ્યું, આજે હું વધુ એક એક્ઝિક્યુટિવ ઓર્ડરની જાહેરાત કરી રહ્યો છું. જે લોકોના જીવન બચાવવાના કાર્યને વેગ આપશે. તેમણે કહ્યું કે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર હથિયારોને અયોગ્ય હાથથી દૂર રાખવામાં મદદ કરશે. આ એક્ઝિક્યુટિવ ઓર્ડર એટર્ની જનરલને નવા કાયદા વિના હથિયાર ખરીદનારની શક્ય તેટલી સાર્વત્રિક પૃષ્ઠભૂમિ તપાસવા અને કાનૂની પગલાં લેવા મદદ કરશે છે.
વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર, આ એક્ઝિક્યુટિવ ઓર્ડર “રેડ ફ્લેગ” કાયદાના અસરકારક ઉપયોગને વધારીને બંદૂક ઉદ્યોગને જવાબદાર બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારની અનેક ઘટનાઓ બાદ હથિયારોના દુરુપયોગ પર અંકુશ લગાવવાની માંગે જોર પકડ્યું છે. જાન્યુઆરીમાં લોસ એન્જલસ નજીક ગોળીબારમાં 11 લોકો માર્યા ગયા હતા.