આપણે તો મનફાવે ત્યારે આપણી બાજુમાં રહેતા પાડોશીઓને ઘરે પહોંચી જઈએ છીએ પણ દુનિયામાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં લોકોને પડોશીઓના ઘરે જવા માટે પણ પાસપોર્ટ દેખાડવો પડે છે. આવો જોઈએ, કઈ છે આ જગ્યા અને શું કારણ છે આ વિચિત્ર નિયમ પાછળ… અહીં વાત થઈ રહી છે અમેરિકા અને કેનેડાના સીમા વિસ્તારની.
યુએસ અને કેનેડા વચ્ચે લગભગ 9000 કિમી લાંબી સરહદ છે અને આ સરહદને દુનિયાની લાંબી સરહદ માનવામાં આવે છે. આ સરહદ પર 100થી વધુ ક્રોસિંગ પોઇન્ટ છે અને એમાં પણ યુએસ રાજ્ય વર્મોન્ટ અને કેનેડામાં ક્વિબેક વચ્ચે સૌથી વધુ ચેક પોઇન્ટ છે. બે રાજ્યો વચ્ચે સૌથી વધુ ટ્રાફિક યુ.એસ. માં ડર્બી લાઇન અને કેનેડાના સ્ટેનસ્ટેડ શહેર વચ્ચે છે.
તમે અત્યાર સુધી જોઈ હશે એ કરતાં આ સરહદ સાવ જ અનોખી છે અને એનું કારણ એવું છે કે અહીં સરહદો ઘરોની વચ્ચેથી પસાર થાય છે. અમુક કિલોમીટર લાંબા રસ્તાઓ બંને દેશોને વિભાજિત કરે છે. અહીં એક શેરીનું નામ કેનુસા સ્ટ્રીટ છે જે યુએસ અને કેનેડાના પહેલાં અક્ષરોને ભેગા કરીને આ નામ શેરીને આપવામાં આવ્યું છે એવું કહેવાય છે. પરિણામે અહીં પડોશીઓ હોવા છતાં પડોશી વિદેશી કહેવાય છે.
સ્થાનિક ઇતિહાસકારો અને કેનુસા સ્ટ્રીટના રહેવાસીઓ આ વિશે વાત કરતાં જણાવે છે કે અહીં અમેરિકા અને કેનેડાના લોકો દાયકાઓથી શાંતિથી જીવે છે. લોકો અહીં આરામથી સરહદ પાર કરી રહ્યા હતા, એટલું જ નહીં કેનેડાનું સ્ટેનસ્ટેડ અમેરિકન વિસ્તારોને પાણી અને ગટરની સુવિધાઓ પૂરી પાડે છે. બંને બાજુના ફાયર વિભાગના અધિકારીઓ સાથે મળીને કામ કરે છે. બાળકો પણ શાળાએ જવા માટે સરહદ પાર કરે છે.
શરૂઆતના દિવસોમાં આ બધું ખૂબ જ સરળ હતું, પણ 9/11 ના થયેલા આતંકવાદી હુમલા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે એક બાજુથી બીજી તરફ જવા માટે, તમારે સરહદ ક્રોસિંગ ક્રોસ કરવી પડે છે અને તમારે પડોશી ઘરે જવા માટે પણ પાસપોર્ટ બતાવવો પડે છે. જો પાસપોર્ટ દર્શાવ્યા વિના સરહદ પાર કરતાં કોઈ પણ દેશનો નાગરિક પકડાય તો તેને પાંચ હજાર ડોલરનો ફાઈન અને બે વર્ષની જેલની સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.