વિશ્વના સુપર પાવર ગણાતા અમેરિકાએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર અમેરિકના રાષ્ટ્રપતિ જો બાયડેન આ વર્ષે જૂનમાં સ્ટેટ ડિનર માટે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવા માંગે છે.
સ્ટેટ ડિનર બાબતે સૂત્રો દ્વારા એવું કહેવાઈ રહ્યું છે કે આ માટે વ્હાઇટ હાઉસમાં એક પ્લાન ફાઇનલ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સ્ટેટ ડિનરના સમયમાં કદાચ થોડો ફેરફાર થઈ શકે છે. જો કે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ આ અંગે સત્તાવાર કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત દ્વારા દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં ચર્ચાનો મુખ્ય વિષય રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલો હુમલો જ હશે. જોકે, હજી એ વાતની સ્પષ્ટતા થઈ શકી નથી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ બેઠકમાં ભાગ લેશે કે નહીં. બીજી બાજું જો બાયડેન મે મહિનામાં યોજાનારી ક્વાડ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે અને આ બેઠક ઓસ્ટ્રેલિયા ખાતે યોજાવાની છે.
પીએમ મોદી સાથે યુએસ પ્રેસિડેન્ટની ડિનર પાર્ટી એ ત્રીજી સત્તાવાર મુલાકાત અને સ્ટેટ ડિનર હશે. આ અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને એપ્રિલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલ સાથે રાજ્ય રાત્રિ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. ગયા મહિને અમેરિકા અને ભારતે ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજી પર પહેલ કરી હતી. જેમાં જનરલ ઈલેક્ટ્રીક કંપનીના એરક્રાફ્ટ એન્જીન સાથે અદ્યતન સંરક્ષણ અને કોમ્પ્યુટર ટેક્નોલોજીની આપ-લે થશે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી.
યુક્રેન પર રશિયાના હુમલાને લઈને ભારતે વ્લાદિમીર પુતિન સામે એટલો અવાજ ઉઠાવ્યો નથી જેટલો અમેરિકા અને તેના સહયોગીઓ ઈચ્છે છે. એવું માનવામાં આવે છે કે આ આવશ્યક તકનીકોની વહેંચણી ભારતમાં રશિયાના પ્રભાવનો સામનો કરવા સાથે લશ્કરી હાર્ડવેર માટે મોસ્કો પર નવી દિલ્હીની ઐતિહાસિક નિર્ભરતા ઘટાડવા અને ચીનની વધતી જતી દૃઢતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અમેરિકાના બંને રાજકીય પક્ષોના નેતાઓની માગ છે કે પીએમ મોદી સાથેના સંબંધો વધુ મજબૂત બને.