અમેરિકા જવાનું તો દરેક ગુજરાતીઓનું સપનું હોય છે અને એ માટે તેઓ કંઇ પણ કરવા માટે તૈયાર હોય છે. ગુજરાતના પાટીદાર સમાજના લોકોમાં આ ક્રેઝ બહુ જોવા મળે છે. ગુજરાતીઓ ગમે એટલા પૈસા ખર્ચીને પણ અમેરિકા પહોંચવા તૈયાર હોય છે અને તેમને મદદ કરવા લેભાગુ એજન્ટો પણ જોઇએ તેટલા મળી આવે છે. હાલમાં અમેરિકા જવા માગતા લોકો માટે વેઇટિંગ પિરિયડ બહુ લાંબો છે. અમેરિકા જવા માગતા ભારતીયોએ હાલ વિઝા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ સમયગાળો ઘટાડવા માટે લાંબા સમયથી માગ થઇ રહી છે. હવે જે કાયદેસર રીતે નિયમોને આધિન જવા માગે છે એમના માટે એક ખુશખબર આવી છે. અમેરિકાએ વેઇટિંગ સમય એક હજારથી ઘટાડી ૫૮૦ દિવસ કરી નાખ્યો છે. કોરોનાકાળમાં બેકલોગ વધતા સમસ્યા નિવારવા શ્રેણીબદ્ધ પગલાં લેવા વિચારણા કરાઈ રહી છે, જે અંતર્ગત આ નિર્ણય લેવાયો છે. અમેરિકી સરકાર એમ્બેસી અને દૂતાવાસના સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવા જઈ રહી છે, જેને કારણે વિઝા પ્રોસેસ પણ જલદી બનશે. રિન્યુઅલ વિકલ્પો H-1B, હાલમાં વિઝા માટેની H-4, L-1 અને L-2 વિઝાધારકો માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં વિઝાની એપોઇન્ટમેન્ટ માટે દોઢથી બે વર્ષ રાહ જોવી પડે છે. જેના સમયગાળામાં સરકારે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લોકોના લોકો સાથેના સંબંધો જ ભારત-અમેરિકા સંબંધોનો આધાર છે. વિઝા પ્રોસેસમાં લાગતો સમય મહત્વનો છે અને અમે આ સમયગાળો ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમેરિકા વિઝા પ્રોસેસ સરળ બનાવશે અને ભારતીયોએ વધુ રાહ નહીં જોવી પડે. વિઝા માટેનો સમય ઘટાડવો અમારી પહેલી પ્રાથમિકતા છે. વિઝા માટે સમય ઘટાડવા અમેરિકાએ ઘણા પગલાં ભર્યા છે. ગુજરાતીઓ માટે આ સૌથી મોટી ખુશખબર છે કારણ કે ગુજરાતમાંથી અમેરિકા જવાનો ક્રેઝ એ સૌથી વધુ છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર બનવું એ દરેક ગુજરાતીનું સપનું હોય છે.