અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બુધવારે રાત્રે જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવી પહોંચ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ અને રશિયા-ચીન ગઠબંધનના કારણે તણાવની પૃષ્ઠભૂમિ વચ્ચે આ બેઠક થઈ રહી છે. એન્ટની બ્લિંકન G20 બેઠકમાં ભાગ લેવા સિવાય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે.
બ્લિંકન શુક્રવારે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ હાજરી આપી શકે છે.બ્લિંકને ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં કહ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણથી સમગ્ર વિસ્તારમાં ઊંડી ચિંતા છે.
“જો કોઈ શક્તિશાળી દેશ સાર્વભૌમ પાડોશીની સરહદોને ભૂંસી નાખવા માટે બળનો ઉપયોગ કરે છે, તો તેને અન્ય લોકો સાથે આવું કરવાથી કેવી રીતે રોકી શકાય છે એ અંગે ચર્ચા કરવી જરૂરી છે.
અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન ઉપરાંત UAE ના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન G20 વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવી પહોંચ્યા છે.
એન્ટોની બ્લિંકન ઉપરાંત રશિયાના સર્ગેઈ લવરોવ, ફ્રાન્સના કેથરીન કોલોના, ચીનના કિન ગેંગ, જર્મનીના અન્નાલેના બિઅરબોક અને બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી પણ જી20ની વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.