Homeદેશ વિદેશઅમેરિકાના સેલ્સ ડેટાએ સેન્સેક્સને ૨૩૦ પોઇન્ટ નીચે ધકેલ્યો, નિફ્ટીએ ૧૮,૩૫૦ની સપાટી ગુમાવી

અમેરિકાના સેલ્સ ડેટાએ સેન્સેક્સને ૨૩૦ પોઇન્ટ નીચે ધકેલ્યો, નિફ્ટીએ ૧૮,૩૫૦ની સપાટી ગુમાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી બજારે પોલેન્ડ પર થયેલા મિસાઇલ હુમલાની ઘટના તો ખંખેરી નાંખી હતી, પરંતુ અમેરિકાના સેલ્સ ડેટા અપેક્ષાથી મજબૂત આવ્યા હોવાને પગલે ફેડરલ રિઝર્વ તેનું હોકીશ સ્ટાન્સ જાળવશે અને વધુ આક્રમક વ્યાજવૃદ્ધિ અમલી બનાવશે એવી અટકળો વચ્ચે વિશ્ર્વના મોટાભાગના શેરબજારોમાં નરમાઇ જોવા મળી હતી.
સત્ર દરમિયાન ૩૩૭.૪૫ પોઇન્ટ અથવા તો ૦.૫૪ ટકાના ઘટાડા સાથે ૬૧,૬૪૩.૨૭ પોઇન્ટની સપાટીએ અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૨૩૦.૧૨ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના ઘટાડા સાથે ૬૧,૭૫૦.૬૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે, જ્યારે એનએસઇનો નિફટી ૬૫.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૩૬ ટકાના ઘટાડા સાથે ૧૮,૩૪૩.૯૦ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના શેરોમાં ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, એચડીએફસી, ડો.રેડ્ડીઝ લેબ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ અને એચડીએફસી બેન્કમાં નોંધપાત્ર ધોવાણ જોવા મળ્યું હતું. ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં લાર્સન એન્ડ ટૂબ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ભારતી એરટેલનો સમાવેશ હતો.
ગુરુવારે વિશ્ર્વબજારમાં પોલેન્ડ પર રશિયાના કથિત મિસાલિ હુમલાની કોઇ અસર જોવા મળી નહોતી. એ નોંધવું રહ્યું કે હજું એક બુધવારે જ પોલેન્ડમાં થયેલા વિસ્ફોટો પછી વૈશ્ર્વિક બજારોમાં પીછેહઠમાં પીછેહઠ જોવા મળી હતી. નાટોના સભ્ય પોલેન્ડે જણાવ્યું હતું કે યુક્રેન નજીક પૂર્વ પોલેન્ડમાં રશિયન બનાવટના રોકેટ હુમલામાં બે લોકોના મોત થયા છે. મોસ્કોએ તે માટે જવાબદાર હોવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બિડેને કહ્યું કે વિસ્ફોટ રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઈલને કારણે થયો ન હોઈ શકે. જોકે મોડા નિવેદનમાં નાટોએ એ મિસાઇલ રશિયાના હોવાના અહેવાલ પ્રસારિત કર્યા હતાં.
આ સત્રમાં માત્ર યુેસ સેલ્સ ડેટા, યુએસ બોન્ડ યિલ્ડની મજબૂતી અને ફેડરલ રિઝર્વના સંભવિત વલણના ફફડાટને કારણે વૈશ્ર્વિક બજારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. બુધવારે વોલસ્ટ્રીટમાં નોંધાયેલી પીછેહઠ બાદ ગુરુવારે એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજારોમાં પીછેહઠ જોવા મળી હતી. એ જ રીતે, યુરોપના મોટાભાગના બજારોમાં મધ્યસત્ર સુધીમાં નરમાઇનો માહોલ રહ્યો હોવાના અહેવાલ રહ્યાં હતાં.
બજારમાં એકદંર વેચવાલી વ્યાપક રહી હતી અને મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પીછેહઠ જોવા મળી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૩૩ ટકાના મામૂલી ઘટાડાની સાથે બંધ થયો છે, જ્યારે નિફ્ટીનો મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૪૦ ટકાના નજીવો ઘટાડો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭ ટકા નબળાઈની સાથે બંધ થયો છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ ૦.૦૯-૧.૩૬ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી ૦.૧૮ ટકાના ઘટાડાની સાથે ૪૨,૪૫૮.૦૫ના સ્તર પર બંધ થયો છે. જ્યારે પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં વધારો જોવા મળ્યો છે.અગ્રણી શેરોમાં ટાઈટન, એમએન્ડએમ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, અપોલો હોસ્પિટલ, હિંદાલ્કો, મારૂતિ સુઝુકી અને ગ્રાસિમ ૧.૫૯-૨.૨૮ ટકા સુધી તૂટીને બંધ થયો છે. જ્યારે ટાટા કંઝ્યુમર, અદાણી એન્ટરપ્રાઈઝ, એલએન્ડટી, પાવર ગ્રિડ, એચડીએફસી લાઈફ અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૯-૧.૯૪ ટકા સુધી વધીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, એમફેસિસ, અજંતા ફાર્મા, ટ્યૂબ ઈનવેસ્ટમેન્ટ અને રાજેશ એક્સપોર્ટ્સ ૨.૬૧-૩.૮૨ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં યુનિયન બેન્ક, શ્રીરામ ટ્રાન્સફર, એબીબી ઈન્ડિયા, જીએમઆર એરપોર્ટ્સ અને પાવર ફાઈનાન્સ ૨.૨૦-૬.૯૦ ટકા સુધી ઉછળો છે.
સ્મોલકેપ શેરોમાં વેરાંદા લર્ન, નઝારા, સેશાયિ પેપર, ટ્રાંસફોર્મ્સ અને વાર્ડવિઝાડ ઈન્નો ૫.૩૧-૭.૬૨ ટકા સુધી લપસ્યા હતા. જોકે સ્મોલકેપ શેરોમાં ટિમકેન, આર સિસ્ટમ, એન્જીનયર ઈન્ડસ્ટ્રીઝ, કિર્લોસ્કર પેનેયમ અને કિર્લોસ્કર ઑયલમાં ૭.૬૬-૨૦.૦૦ ટકા સુધીના ઉછાળા જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

Most Popular