બોમ્બ સાયક્લોને દુનિયાના સૌથી શક્તિશાળી દેશને થીજાવી નાખ્યો છે. અમેરિકામાં શ્વાસ રૂંધીનાખે એવી ઠંડી વચ્ચે લોકોનું જીવન મુશ્કેલ થઇ ગયું છે. યુએસમાં લાખો લોકો કોલ્ડ વેવ ઝપેટમાં છે. અત્યંત ઠંડીને કારણે વ્યવસાયોને પણ ગંભીર અસર થઈ છે. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ છે. આગામી થોડા દિવસો સુધી આ આફતમાંથી રાહત મળવાની કોઈ આશા નથી.
યુનાઇટેડ સ્ટેટ્સમાં 10 લાખથી વધુ લોકો હાલમાં બ્લેકઆઉટ અને પાવર આઉટેજ હેઠળ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં1.4 મિલિયનથી વધુ ઘરોમાં પાવર અને પાણીનો પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. 3,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
અમેરિકાના પશ્ચિમી રાજ્ય મોન્ટાનામાં શુક્રવારે તાપમાનનો પારો ઘટીને -45 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો હતો. બોમ્બ સાયક્લોને કારણે શુક્રવારે મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે. અગાઉ, હવામાન સંબંધિત ઘટનાઓમાં નવ લોકોના મોત થયા હતા અને હવે ઓહાયોમાં કાર અકસ્માતમાં વધુ ચાર લોકોના મોત થયા છે. રાજ્યના ગવર્નરના જણાવ્યા અનુસાર, ઓહાયોના લોકો માટે રસ્તાની હાલની સ્થિતિ જોખમી છે. તેમણે લોકોને ઘરની અંદર રહેવા અને સતર્ક રહેવા વિનંતી કરી છે.
ન્યૂયોર્કના ગવર્નરે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેમણે કહ્યું કે વાવાઝોડાને કારણે રાજ્યમાં તાપમાન અસહ્ય થઈ ગયું છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, “અમે પૂર અને બરફ બંનેનો સામનો કરી રહ્યા છીએ. એક તરફ થીજાવી દે એવું તાપમાન છે. ત્યારે બીજી તરફ રાજ્યના કેટલાલ ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે તાપમાન વધુ ઝડપથી ઘટી રહ્યું છે. ખૂબ જ ભયંકર પરિસ્થિતિ.”