ગુજરાતીઓ, મારવાડીઓ અંગેના રાજ્યપાલના નિવેદનથી હોબાળો

દેશ વિદેશ

મુંબઈ: મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને મારવાડીઓને કાઢી મુકાય તો પૈસો નહિ બચે એવું કહેતા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિવેદનને પગલે આખા રાજ્યમાં વિવાદ ઊભો થયો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યપાલના આ નિવેદન સાથે અસંમતિ દર્શાવી હતી અને વિપક્ષો પણ આ મુદ્દે જોરદાર વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, રાજ્યપાલે ખુલાસો કર્યો હતો કે મારા સંબંધિત નિવેદન અંગે ગેરસમજ
થઈ છે.
મુંબઈના અંધેરી પશ્ર્ચિમસ્થિત એક ચોકનું નામકરણ રાખવામાં આવ્યું હતું. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાગ લીધો
હતો.
કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એમાં પણ ખાસ કરીને મુંબઈ-થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મૂકશો તો તમારા અહીં કોઈ રૂપિયા બચશે જ નહિ અને મુંબઈ દેશની આર્થિક રાજધાની કહેવાશે જ નહિ.
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કરેલા નિવેદન અંગે રોષભરી પ્રતિક્રિયા આપતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે તો શું મરાઠીઓ ભિખારી છે? રાજ્યપાલનું આ નિવેદન મરાઠીઓનું અપમાન છે.
રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપનો ટેકો ધરાવતા મુખ્ય પ્રધાન આવતાની સાથે જ સ્થાનિક મરાઠીઓ અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થવાનું શરૂ થઈ ગયું છે. સ્વાભિમાન અને અભિમાનના નામે બનેલી શિવસેનામાંથી નીકળનારા લોકો આ સાંભળીને પણ ચુપ છે એમ જણાવતાં રાઉતે કહ્યું હતું કે રાજ્યપાલનું આ નિવેદન આઘાતજનક અને નિંદનીય છે. રાજ્યપાલ મહારાષ્ટ્રનો ઈતિહાસ નથી જાણતા એમ જણાવી રાઉતે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યપાલના આ નિવેદનને વખોડી કાઢવું જોઈએ અને કેન્દ્ર સરકારને રાજયપાલને હટાવવાની માગણી કરવી જોઈએ.
રાજ્યપાલના આ નિવેદનને કારણે આખું મહારાષ્ટ્ર રોષમાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યપાલના નિવેદનને શિંદે જૂથે પણ વખોડી કાઢ્યું હતું. શિંદે જૂથના પ્રવક્તા કેસરકરે કહ્યું હતું કે અમે રાજ્યપાલ વિરુદ્ધ કેન્દ્ર સરકારમાં ફરિયાદ નોંધાવીશું.
તેમણે કહ્યું હતું કે રાજ્યપાલના નિવેદનને કારણે આખા મહારાષ્ટ્રનું અપમાન થયું છે.
રાજ્યપાલ એક બંધારણીય પદ હોવાને કારણે કેન્દ્ર સરકારે આ મામલે દખલગીરી કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રના વિકાસમાં મરાઠીભાષીઓનો સિંહફાળો છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ મરાઠીભાષીઓનું વૈશ્ર્વિક સ્તરે અમૂલ્ય યોગદાન રહ્યું છે એમ જણાવતાં ફડણવીસે કહ્યું હતું કે રાજ્યપાલના નિવેદન સાથે અમે અસંમત છીએ.
રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ કહ્યું હતું કે રાજ્યપાલે આ મુદ્દે માફી માગવી જોઈએ.
રાજ્યપાલે માફી માગવી જોઈએ એવી એનસીપીએ પણ માગણી કરી હતી.
જોકે, ભાજપના સાંસદ નિતેશ રાણેએ એમ કહીને રાજ્યપાલના નિવેદનનું સમર્થન કર્યું હતું કે મહારાષ્ટ્રના વિકાસમાં પ્રત્યેક સમાજે આપેલા યોગદાનનો શ્રેય તેમને આપવો જોઈએ. રાજ્યપાલના નિવેદનથી કોઈનું અપમાન થયું નથી કેમ કે તેમણે મહારાષ્ટ્રના વિકાસમાં આપનાર જે તે સમાજને તેનો શ્રેય આપ્યો છે.
રાજ્યપાલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રનું સ્વાભિમાન તો છે જ. આ સાથે જ મુંબઈ દેશની આર્થિક રાજધાની પણ છે. છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠી માણસોની આ ભૂમિ પર રાજ્યપાલ તરીકે સેવા કરવાની મને તક મળી તેનો મને ગર્વ છે. આ કારણે જ અતિ અલ્પ સમયમાં મેં મરાઠી ભાષા શીખી લેવાનો પ્રયાસ કર્યો હતો.
શુક્રવારે રાજસ્થાની સમાજના કાર્યક્રમમાં મેં જે નિવેદન કર્યું હતું તેમાં મરાઠીભાષી માણસોને નીચા દર્શાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હું તો માત્ર ગુજરાતીઓ અને મારવાડીઓએ વેપારમાં આપેલા યોગદાન અંગે જ બોલ્યો હતો. મરાઠીભાષી લોકોએ ખૂબ જ કષ્ટ વેઠીને મહારાષ્ટ્રને ઊભું કર્યું અને એટલે જ આજે અનેક મરાઠી ઉદ્યોગપતિઓ સન્માનિત સ્થાન પર છે. આ લોકોએ માત્ર મહારાષ્ટ્રમાં જ નહિ, પરંતુ વિશ્ર્વભરમાં મરાઠીઓનો ઝંડો લહેરાવ્યો છે.
આ બાબત જ દર્શાવે છે કે મહારાષ્ટ્રના વિકાસમાં મરાઠીભાષી લોકોનું યોગદાન ઓછું લેખવાનો સવાલ જ ઊભો થતો નથી, એમ તેમણે કહ્યું હતું.
હંમેશાંની જેમ જ મારા નિવેદન અંગે ગેરસમજ કરવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રને બેઠું કરવામાં મરાઠીઓએ વેઠેલા કષ્ટનું યોગદાન સૌથી વધુ છે.
લોકોને દરેક બાબતને રાજકીય ચશ્માથી જોવાની આદત પડી ગઈ છે અને તે આપણે બદલવી પડશે, એમ રાજ્યપાલે કહ્યું હતું.
એક સમાજની પ્રશંસા એ બીજા સમાજનું અપમાન ક્યારેય નથી હોતું.
રાજકીય પક્ષો કારણ વિનાના વિવાદ ઊભા ન કરે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ઓછામાં ઓછું મારા હાથે તો મરાઠી લોકોનું અપમાન ક્યારેય નહિ થાય.
મહારાષ્ટ્રની પ્રગતિ, વિકાસમાં વિવિધ જાતિ અને સમુદાયનું યોગદાન રહ્યું છે અને તેમાં મરાઠીભાષી લોકોનું યોગદાન સૌથી વધુ છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.