મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં મહિલા બોડીબિલ્ડિંગ ઈવેન્ટ (13મી મિસ્ટર જૂનિયર બોડીબિલ્ડિંગ કોમ્પિટિશન)ને લઈને હોબાળો થયો છે જે પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલો ભાજપ શાસિત રાજ્યમાંથી બહાર આવ્યો હોવાથી વિરોધ પક્ષો સમગ્ર મામલાને રાજકીય રંગ આપી રહ્યા છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રતલામમાં એક ઈવેન્ટમાં મહિલા બોડી બિલ્ડર્સ ભગવાન હનુમાનની તસવીર સામે પોઝ આપતી જોવા મળી હતી. જેને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ વધતા કોંગ્રેસે રતલામમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. બરબઢ સ્થિત ધારાસભ્ય સભાગૃહમાં યોજાયેલી નેશનલ બોડી બિલ્ડીંગ સ્પર્ધાને લઈને શહેરનું રાજકારણ ગરમાયું છે. સ્પર્ધામાં અશ્લીલ અને અભદ્ર પ્રદર્શનનો આરોપ છે.
તે દરમિયાન સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે એક વીડિયો ટ્વિટ કરીને ભાજપ પર હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને લખ્યું હતું – “ભાજપે ધાર્મિક મૂર્તિઓનું અપમાન ન કરવું જોઈએ.”
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા બોડીબિલ્ડર્સ પોઝ આપતી જોઈ શકાય છે. હનુમાનજીની પ્રતિમા સામે પોઝ આપતી મહિલા બોડી બિલ્ડરો પર કોંગ્રેસના નેતાઓએ અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આ માટે રતલામના ભાજપના ધારાસભ્યને જવાબદાર ઠેરવ્યા હતા. સ્પર્ધા પૂરી થતાની સાથે જ કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓએ કાર્યક્રમ સ્થળ પર ‘ગંગાજળ’ છાંટ્યું હતું અને ‘હનુમાન ચાલીસા’નો પાઠ કર્યો હતો.
તેના પર વળતો પ્રહાર કરતા રાજ્ય ભાજપના પ્રવક્તા હિતેશ બાજપાઈએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ મહિલાઓને રમતગમતમાં મજબૂત પ્રદર્શન કરતી જોવા માંગતી નથી. કાર્યક્રમના કેટલાક આયોજકોએ પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કરીને કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
નોંધનીય છે કે 13મી મિસ્ટર જુનિયર બોડી બિલ્ડીંગ કોમ્પિટિશન 4 અને 5 માર્ચે યોજાઈ હતી અને આમાં મહિલા બોડી બિલ્ડર્સે હનુમાનજીની મૂર્તિ સામે પોઝ આપ્યો હતો.
भाजपाई धार्मिक मूर्तियों का अपमान न करें। pic.twitter.com/65MlHVQkb0
— Akhilesh Yadav (@yadavakhilesh) March 6, 2023