Homeરોજ બરોજઉપહાર કાંડ હોય કે મોરબીનો ઝૂલતો પુલ: બોધપાઠ ક્યારે લઇશું?

ઉપહાર કાંડ હોય કે મોરબીનો ઝૂલતો પુલ: બોધપાઠ ક્યારે લઇશું?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

ભારતમાં બેદરકારીને કારણે ટ્રેન હોય કે ટ્રામ, માર્ગ હોય કે મસમોટી બિલ્ડિંગ ઝૂલતો પૂલ હોય ઓવરબ્રિજ દર વર્ષે હજજારો નિર્દોષ લોકોના મોત થાય છે પરંતુ તપાસ કમિટી અને હતભાગીને વળતર ચૂકવવાની જાહેરાત સાંભળીને પ્રજા દુર્ઘટના તો શું તેની ગંભીરતાને પણ વિસરી જાય છે. લોકો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના શોક સંદેશને ન્યાય સમજી બેસે છે અને પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનું શરૂ કરી દે છે. ફરી એક દુર્ઘટના અને સાવચેતી-બેદરકારીની બીબાઢાળ વાતો રજૂ કરતો ઘટનાક્રમ શરૂ થઈ જાય છે. મોરબીમાં ઝૂલતા પુલ કાંડના મુખ્ય આરોપી ન્યાયાલયમાં રજૂ થયા ત્યારે દિવંગતોના પરિવારજનોની ચીસોએ ન્યાયના મંદિર સમક્ષ એ પ્રશ્ર્ન કર્યો હતો કે શું તેમને ન્યાય મળશે?
મોરબીની ઘટનામાં આરોપીની અત્યારે તો ધરપકડ થઈ પછીથી એમની મુક્તિ થઈ જશે અને છેવટે એ સાબિત થશે કે જેને સત્તાધારી પક્ષની હૂંફ હોય છે એના વાળની એક લટ પણ વાંકી થતી નથી. આજ સુધીમાં આવાં અનેક દૃષ્ટાંતો સત્તાધારી પક્ષે પ્રજાને પૂરાં પાડયાં છે. મોરબી દુર્ઘટના એમાંનો જ એક નવો અધ્યાય બનવાની દહેશત છે. મોરબીની ઘટનામાં સૌથી ગંભીર વાત એ છે કે જો બચાવ કામગીરી ઝડપી બની હોત તો મૃત્યુ આંક બહુ જ ટૂંકો હોત અને મોટાભાગના લોકોની જિંદગી બચાવી શકાઈ હોત. અત્યારે તો રાજ્યભરમાં મોરબી પ્રકરણ પર ઓટલા પરિષદો અને બુદ્ધિજીવીઓના પરિસંવાદો ચાલે છે, પરંતુ આ જ બુદ્ધિજીવીઓ એમને જિંદગીમાં સરકારી તંત્રની, પોતાની નજરે ચડતી અરાજકતા માટે એક પોસ્ટકાર્ડ પણ લખવા તૈયાર હોતા નથી. એમનો પ્રમાદ પણ તંત્રની બેદરકારી માટે નૈતિક રીતે જવાબદાર છે. આવી જ એક ઘટના ૧૯૯૭માં દિલ્હીમાં બની હતી. એ સમયે પણ બેદરકારીને કારણે ૫૯ માસુમોના શ્ર્વાસ રુંધાઇ ગયા હતા. જ્યારે પણ આવી દુર્ઘટના બને છે, સરકાર મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર આપવાની કાર્યવાહીથી આગળ વધવાનું નામ જ લેતી નથી. પ્રત્યેક દુર્ઘટના બાદ વડા પ્રધાનથી માંડીને મુખ્ય પ્રધાન, પ્રધાનો, ઘટનાસ્થળનું નિરિક્ષણ કરવા પહોંચી ગયા. તેઓ પીડિતો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરવા ગયા હતા તે કબૂલ, પણ શું તેમની આ સાંત્વના મૃતકને જિંદગી પાછી અપાવી શકશે? તેમની યાતના તસવીરોમાં કેદ થઈ ગઈ અને ન્યાયના નામે શું મળ્યું? માત્ર એક વર્ષની કેદ. આ દુર્ઘટના હતી દિલ્હીના બહુચર્ચિત ઉપહાર સિનેમા કાંડની.
૧૩ જૂન,૧૯૯૭ની સવારે પ્રભાત ખીલે એ પૂર્વે ઉપહાર સિનેમાગૃહમાં આગ ભભૂકી, ૯ વાગ્યે બોર્ડર ફિલ્મનો શો હતો. આગ બુઝાવવી આવશ્યક જ નહીં જરૂરી હતી. ચોકીદારે સત્તાધીશોનો સંપર્ક કર્યો અને તુરંત વીજળી વિભાગના કર્મચારીઓ આવી ગયા. પરંતુ ટાંચા સાધનોને કારણે રીપેરિંગ કરવું શક્ય ન હતું. બન્યું એવું કે બેઝમેન્ટમાં વીજળીના ટ્રાન્સફોર્મરમાં વાયરિંગ પીગળી જતા શોર્ટ સર્કિટ થયો અને ચિનગારી સળગી. આગ નાની હતી એટલે ઠરી ગઈ પરંતુ ટ્રાન્સફોર્મરમાં રીપેરિંગ કરવામાં ખાસ્સો સમય વ્યતીત થાય તેમ હતો ઉપરથી સાધનોનો અભાવ એટલે અડધો દિવસ માત્ર રીપેરિંગમાં જ જતો રહે, એક તરફ બોર્ડર ફિલ્મ ટંકશાળ પાડતી હતી. એક દિવસની નુકસાની ઉપહાર સિનેમાગૃહના માલિક સુશીલ અને ગોપાલ અંસલ ભોગવવા માંગતા ન હતા. તેમણે ફટાફ્ટ રીપેરિંગ કરવાની સૂચના આપી. ઉતાવળે આંબા ન પાકે તો આગનું ઉત્પત્તિ સ્થાન કઈ રીતે શમે? એટલે વીજકર્મીઓએ બળીને વિઘરાઈ ગયેલા તારને સેલોટેપના સહારે ચોંટાડીને ટ્રાન્સફોર્મર રીપેર કરી દીધું. બધા ખુશ થઈ ગયા પરંતુ આ ખુશી થોડી જ ક્ષણોમાં મોતના માતમમાં પરિવર્તિત થવાની હતી.
૩-૬નો મેટની શો યોજાયો. થિયેટર સની દેઓલના પંચ પર ચિચિયારીઓથી ગુંજી રહ્યું હતું અને ટ્રાન્સફોર્મર ગરમી પકડી રહ્યું હતું. સેલોટેપની શક્તિ કેટલી હોય? ફિલ્મમાં મધ્યાંતર આવ્યું ત્યાં સુધીમાં તો તાર છુટ્ટા થઈ ગયા અને ટ્રાન્સફોર્મરમાં ફરી આગ લાગી. સામાન્યરીતે ટ્રાન્સફોર્મરમાં આગ લાગે તો તેની પાછળની દીવાલ ટૂંકી હોવી જોઈએ અને તેમાં વેન્ટિલેશન પણ હોવું જોઈએ જેથી આગનો ધુમાડો બહાર નીકળે અને તેની જાણ થઈ શકે. આમ તો ફાયર એલાર્મ પણ હોવો જોઇએ પરંતુ મોરબીના ઝૂલતા પુલની જેમાં ઉપહાર સિનેમાગૃહ ભ્રષ્ટાચાર સિમેન્ટથી ચણાયેલું હતું. પાછળની દીવાલ ૧૦ ફૂટ ઊંચી હતી એટલે ધુમાડો સીધો પહેલા માળે પહોંચી ગયો અને આગ એટલી હદે પ્રસરી ગઈ કે પાર્કિંગમાં પાર્ક થયેલી ૨૮ ગાડીઓ સળગવા માંડી, પહેલા માળે ૭૦૦ પ્રેક્ષકો બોર્ડર ફિલ્મ નિહાળી રહ્યા હતા. ઝેરીલો ધુમાડો પ્રસરી જતા પ્રેક્ષકો સચેત થયા અને સફળતાપૂર્વક ત્યાંથી નાસી ગયા પરંતુ બાલ્કનીમાં તો યમરાજ ડેરા-તંબૂ બાંધીને બેઠા હતા. બાલ્કનીમાં ૩૦૨માં લોકો ફિલ્મ નિહાળી રહ્યા હતા અને અચાનક ઉધરસનો કલશોર શરૂ થઈ ગયો. ૭૦૦ લોકો ભાગ્યા ત્યારે તો થિયેટરમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી. બાલ્કનીમાં તો ચારેકોર અંધકાર છવાયો હતો. લોકો બહાર નીકળવા માંગતા હતા પરંતુ અંસલ બંધુઓએ નિયમ બનાવ્યો હતો કે જ્યાં સુધી ઈન્ટરવલ પડે નહીં ત્યાં સુધી કોઈને બાથરૂમ પણ નહીં જવા દેવા. જો ફિલ્મ બકવાસ હોય તો પણ અંદર આવેલા પ્રેક્ષકે ફિલ્મને ઈન્ટરવલ સુધી તો નિહાળવી જ પડે. એટલે બાલ્કની પરથી નીચે ઉતારવાની સીડી વચ્ચે પણ એક દરવાજો બનાવામાં આવ્યો હતો. જેથી મેટની શો શરૂ થયો ત્યારથી ચોકીદારે દરવાજા પર તાળું વાસી દીધું હતું. નિયમાનુસાર ચોકીદાર તો જતો રહ્યો પરંતુ ૩૦૨ લોકોને મોતના મુખમાં ધકેલતો ગયો. ઘણાં લોકોએ દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો તો ઘણાં અગાસી પર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ અગાસી તરફ જવાનો રસ્તો પણ બંધ હતો. એ ભાગમાં અંસલ બંધુઓએ પોતાની ઓફિસ બનાવી હતી.
નાસભાગ કરતી પ્રજાને એક સિક્રેટ રૂમ પણ મળ્યો જેનું નિર્માણ અંસલ બ્રધર્સે પોતાના પરિવાર માટે કર્યું હતું. જ્યાં તેના પરિજનો ઇચ્છાનુસાર ફિલ્મ નિહાળી શકે અને તેને સીટ પણ ફાળવવી ન પડે. ધુમાડો પુરા સિનેમા ગૃહમાં ફેલાઈ ગયો હતો અને ૩૦૨ લોકોમાંથી એક બાદ એક વ્યક્તિઓનો શ્ર્વાસ રુંધાઇ રહ્યો હતો. ફાયરનો સ્ટાફ આવ્યો અને આગ બુઝાઈ ત્યાં સુધી તો બાલ્કનીનો દરવાજો તૂટી ગયો હતો અને લોકો ભાગવામાં સફળ રહ્યા પરંતુ ૫૯ લોકોનું શ્ર્વાસ રુંધાઇ જવાથી અકાળે અવસાન થયું. આ બેદરકારી માટે કોણ જવાબદાર છે? થિયેટરના માલિકો કે તેના સંચાલકો, ચોકીદાર કે ફિલ્મ નિહાળવા આવેલા પ્રેક્ષકો. દુર્ઘટના બાદ કોર્ટના ચક્કર શરૂ થયા. અંસલ બંધુઓ સહિત કુલ ૧૪ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા. જેમાંથી ૬ આરોપીઓનું કેસ ચાલતો હતો એ દરમિયાન મોત નીપજ્યું. એક આરોપીને ડીમેન્શિયા અર્થાત્ સ્મૃતિભ્રમની બીમારી લાગુ પડતા તેને માનવતાને નાતે મુક્ત કરવામાં આવ્યો. દિલ્હી વિદ્યુતબોર્ડના બે કર્મચારીઓ અને જે ચોકીદારે દરવાજાને તાળું માર્યું હતું એ ત્રણેયને હાઇ કોર્ટે બે વર્ષની સજા ફટકારી અને ત્રણેય ગુનેગારોએ બે વર્ષની સજા પૂર્ણ પણ કરી. જયારે અંસલ બંધુઓને વારો આવ્યો ત્યારે હાઇ કોર્ટે ૨ વર્ષની સજા અને ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો. બંને ભાઈઓએ માત્ર ૪ મહિનાની સજા ભોગવી ત્યાં તો તેમનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. જેમાં ન્યાયાધીશના મતે અંસલ બંધુઓને જેટલી સજા થવી જોઈએ તેટલી તેઓ ભોગવી ચુક્યા છે. તેમણે માત્ર એક જ વર્ષની સજા અને ૧૦૦ કરોડના સ્થાને ૬૦ કરોડ દિલ્હી સરકારને ચૂકવી આપવા જેથી દિલ્હીમાં ટ્રોમા સેન્ટર બની જાય. બાકીના ૪૦ કરોડ દિલ્હીના હતભાગીઓના પરિવારને ચૂકવી દેવા. આ તે કેવું? ચોકીદાર બે વર્ષ સજા ભોગવે અને માલિક ૧૨ મહિનામાં છુટ્ટા!
અલબત્ત અદાલતે સ્વીકાર્યું કે અંસલ બંધુઓએ દરેક સ્તરે નિયમ ભંગ કર્યો છે. ઉપહાર સિનેમાનું નિર્માણ ગેરકાયદેસરરીતે થયું હતું. તેની નોંધણીનું સર્ટિફેક્ટ પણ નકલી હતું, બાલ્કનીમાં ઓછામાં ઓછા ૨૫૦ પ્રેક્ષકો બેસી શકે એટલી જ જગ્યા હતી છતાં ૩૦૨ સીટ બનાવી દીઘી. આ દુર્ઘટના ઘટી તેના ૫ વર્ષ પૂર્વે પણ બાલ્કનીમાં આગ લાગી હતી પરંતુ થિયેટર બંધ હોવાને કારણે કોઈ જાનહાની ન થઈ હતી. મોરબી કાંડની જેમ સંપૂર્ણ માનવસર્જિત આ દુર્ઘટનામાં નીલમ અને શેખર કૃષ્ણમૂર્તિના બે સંતાનોનું મોત નીપજ્યું હતું. તેમણે પોતાની જેવા અન્ય કુટુંબને એકત્ર કર્યા અને ૧૮ વર્ષ સુધી ન્યાયની લડત ચલાવી હતી. પોતાના સંઘર્ષ પર તેમણે ‘ટ્રાયલ બાય ફાયર’ના નામે પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. જેમાં તેમણે વળતર સ્વરૂપે પૈસાની નહીં ન્યાયની માંગ કરી છે. અદાલતમાં એક વાક્ય વારંવાર ગુંજે છે કે માત્ર સજા દેવાથી કંઈ નથી થતું સજાની અસર સમાજ પર પણ પાડવી જોઈએ અને લોકોને એ વાત સમજાય કે સાર્વજનિક સ્થળો પર આ પ્રકારનો નિયમ ભંગ ઘાતકી નીવડે છે. છતાં દાખલો બેસે એવી સજા મળી? શું અગ્નિકાંડ અટક્યા? આ દુર્ઘટના બાદ પણ ભારતમાં એવા ૨૪ બનાવ બન્યા જેણે માનવતાનું ચિરહરણ અને બેદરકારીનો બળાપો રજૂ કર્યો. જેમાંથી ગુજરાતની ૩ ઘટના તો આજે પણ ચર્ચાઈ છે. પ્રથમ સુરતનો તક્ષશિલા કાંડ અને બીજો રાજકોટની ખાનગી હૉસ્પિટલનો અગ્નિકાંડ અને હવે મોરબીનો ઝૂલતો પુલ.
ભારતમાં ચીજવસ્તુઓના ભાવ ભલે રોજબરોજ ઊંચા ચઢી રહ્યા હોય, પણ માનવજિંદગીનું મૂલ્ય કોડીનું પણ રહ્યું ન હોય તેવું લાગે છે. સંભવત: આ જ કારણસર શાસકોમાં માનવીના જીવન માટે રતીભાર પણ ચિંતા દેખાતી નથી. જો ચિંતા હોત તો દુર્ઘટનાનું પુનરાવર્તન ન થયા. શાસકોને મન લોકોના જીવનની કિંમત હોત તો, એક નહીં તો બીજી સરકારે, કેન્દ્ર સરકારે નહીં તો રાજ્ય સરકારે સામાન્ય માનવીના જીવનની પરવા કરીને સેંકડોની ભીડને અંકુશમાં રાખવા આવશ્યક આગોતરાં પગલાં અવશ્ય લીધા હોત. આ જો અને તો વચ્ચે ઘણું બધું આવી જાય છે
આવી દુર્ઘટનાઓમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનેક વખત ઝાટકી છે, પરંતુ શાસકોનું રુંવાડું પણ ફરક્યું નથી તેનો પુરાવો મોરબીની દુર્ઘટના છે. દેશની સર્વોચ્ચ અદાલત સાર્વજનિક સ્થળો પર બની રહેલી આવી દુર્ઘટનાઓને અટકાવવા માટે દેશભરમાં સમાન નીતિ ઘડવા, તેને લાગુ કરવા સરકારોને જણાવતી રહી છે, પરંતુ તેની વાત બહેરા કાને અથડાઇને પાછી પડી છે. અસરગ્રસ્તોના પરિવારજનો માટે આ દુર્ઘટના જેટલી પીડાદાયક છે એટલી જ તકલીફદાયક સરકારી તંત્રની આ નિંભરતા છે.
જડ અને કૃત્રિમ લોકોની ફોજ સરકારી તંત્રમાં ઘર કરી ગઈ છે અને એની સંવેદનશૂન્યતા કાન ફાડી નાખે એવી છે. આ દુર્ઘટનાએ જાણે લોકોના માનસપટ પર કારમો ઘા કર્યો છે. અહીં પ્રશ્ર્ન થાય કે ઉપહાર કાંડની જેમ મોરબીમાં આવી જ બેદરકારીએ ખુશીની પળને માતમમાં પરિવર્તિત કરી હતી. અંસલ બંધુઓની જેમ મોરબી કાંડના આરોપી પર સુનાવણીની સોય ચાલી રહી છે તો શું મોરબીના હતભાગીઓને પણ ‘ટ્રાયલ બાય ફાયર’ની જેમ ન્યાય માટે ઝૂરવું પડશે! મોરબી કાંડની તપાસ કમિટીઓ ફાઇલને માળિયે ચઢાવીને ફરી કુંભકર્ણ નિંદ્રામાં સરી પડશે, અને ફરી કોઇ નવી દુર્ઘટના સર્જાશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular