સેન્સેક્સમાં એકાએક છલાંગ પાછળનું પાછળ કારણ શું?
નિલેશ વાઘેલા
મુંબઇ: સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૦૫૮ પોઇન્ટના જંગી ઉછાળા સાથે ૫૯,૯૬૭.૦૪ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૮૯૯.૬૨ પોઇન્ટ અથવા તો ૧.૫૩ ટકાના ઉછાળા સાથે ૫૯,૮૦૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. દેશનો વિકાસદર ધીમો પડી રહ્યો છે, જગતનું અર્થતંત્ર ફુગાવાના વધતા દબાણ અને ફેડરલ રિઝર્વ ફરી કોરડો વીંઝશે એવા ભયથી ફફડી રહ્યું છે, એવા સંજોગોમાં શેરબજારને લગભગ ૧૦૦૦ની છલાંગ માટે ક્યું કારણ મળી ગયું? આ સવાલના જવાબમાં બજારના અભ્યાસુઓ કેટલાક કારણ આપે છે, એ જોઇએે. બજારના સાધનો અનુસાર પહેલું મહત્વનું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ભારતીય શેરબજારમાં ફરી શરૂ થયેલી લેવાલીને ગણવામાં આવે છે. એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર એફઆઇઆઇએ ગુરુવારે ભારતીય શેરબજારમાં રૂ. ૧૨,૭૭૦.૮૧ કરોડની લેવાલી નોંધાવી હતી. બીજું તાત્કાલિક કારણોમાં અદાણી ઇફેકટ છે. યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ દ્વારા અદાણીના શેરોમાં કરવામાં આવેલા લગભગ બે અબજ ડોલરના ઇન્વેસ્ટમેન્ટને કારણે સેન્ટિમેન્ટમાં જબરો સુધારો આવ્યો છે. યુએસ બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GOG પાર્ટનર્સ ઇન્ક દ્વારા અદાણી જૂથની ચાર કંપનીઓમાં ૧.૮૭ બિલિયન ડોલર (અંદાજે રૂ. ૧૫,૪૪૬ કરોડ)ના શેર ખરીદ્યા હોવાના અહેવાલો બાદ અદાણીના તમામ શેરોમાં ઉછાળો આવ્યો હતો. સ્વાભાવિક રીતે અદાણીના શેર પાછળ બેન્ક શેરોમાં પણ ઉછાળો આવતા બેન્ચમાર્કને વધુ ટેકો મળ્યો હતો. આ ઉપરાંત અન્ય કારણોમાં વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયાની મજબૂતી, અમેરિકન બોન્ડની યિલ્ડમાં નોંધાયેલા ઘટાડા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો સમાવેશ છે.