પક્ષીઓની સંભાળ લેવી, તેની સાથે મિત્રતા કરવી તે ગુનો ન જ હોઈ શકે, પરંતુ ઉત્તર પ્રદેશના એક યુવકને સારસ પક્ષીની સંભાળ રાખવા માટે વન વિભાગે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ હેઠળ નોટિસ પાઠવી છે. આ નોટિસ બાદ સમગ્ર વિષય રાજકીય બની ગયો છે કારણ કે આ સારસ પક્ષીની મુલાકાત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે લીધી હતી.
વાત જાણે એમ છે કે એકાદ વર્ષ પહેલા આરિફ ગુર્જર નામના એક યુવાનને ખેતરમાં સારસ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું હતું. તેણે આ પક્ષીની સંભાળ લીધી અને તેને સાજુ કર્યું. આરિફ અને તેના પરિવાર માટે આ પક્ષી પરિવારનો સભ્ય બની ગયું હતું અને તેની મિત્રતા ગાઢ થી ગઈ હતી. એકાદ અઠવાડિયા પહેલા વન વિભાગે આરિફને નોટિસ પાઠવી અને સારસ પક્ષી તેની પાસેથી લઈ લીધું અને તેને બરેલીના અભ્યારણમાં મૂકી દીધું. વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ અમુક પશુ-પક્ષીઓ ઘરે રાખી શકાતા નથી.
“आरिफ तो वोट दे सकता है मुझे, सारस तो नहीं देगा वोट। मैं सारस से मिलने क्यों चला गया, मैंने सारस के साथ तस्वीर क्यों खिंचवा ली, इस बात की तकलीफ उन्हे क्यों है ?”
-माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी pic.twitter.com/Ad8j9yZKpK
— Samajwadi Party (@samajwadiparty) March 26, 2023
“>
આ પક્ષીને જોવા અને આરિફને મળવા અખિલેશ યાદવ ગયા હતા અને તેણે આ યુવાનના વખાણ કર્યા હતા અને પક્ષી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. અમેઠીના માંડખા ગામના આરિફને નોટિસ મળતા અખિલેશે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને વન વિભાગના આ કામની ભારે ટીકા કરી હતી. આ સાથે તેમને આડકતરી રીતે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાનના નિવાસસ્થાનથી મોર પકડી પાડવાની કોઈના હિંમત હોય તો કરી બતાવે.
વન વિભાગે આરિફને ચોથી એપ્રિલે નિવેદન આપવા બોલાવ્યો છે. આરિફ અને તેનો પરિવાર ખૂબ દુખી છે અને સોશિયલ મીડિયા પર લોકો તેને મોટા પ્રમાણમાં સમર્થન આપી રહ્યા છે.
અમુક પ્રાણીઓ-પક્ષીઓ કાયદા હેઠળ પાળી શકાતા નથી, પરંતુ ઈજાગ્રસ્ત સારસને સાજો કરનાર, નવું જીવન આપનાર યુવકને નોટિસ આપવા કરતા વન વિભાગે સમજાવી, પ્રેમથી સારસ તેની પાસેથી લીધુ હોત તે વધારે યોગ્ય હતું.