ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં મંગળવારે ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં આગ લાગતા એક જ પરિવારના 6 લોકો બળીને ભડથું થઇ ગયા હતા. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 4 બાળકો પણ સામેલ છે. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનમાં લાગેલી આગની જ્વાળાઓએ આખી ઈમારતને લપેટમાં લીધી હતી. આ ભયાનક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવાર આ જ બિલ્ડિંગમાં રહેતો હતો.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી હતી. આ અંગેની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
દરમિયાનમાં ફિરોઝાબાદ દુર્ઘટના પર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.