‘બિકિની કિલર’ ચાર્લ્સ શોભરાજની વણકહી વાતો!

ઉત્સવ

ત્રિકોણનો ચોથો ખૂણો-વિક્રમ વકીલ

મોનિકા બેદી નામની આકર્ષક અભિનેત્રી જ્યારે અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે પ્રેમમાં પડી ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. હત્યાઓ, ખંડણી, અપહરણ… જેવા ગુનાઓ માટે કુખ્યાત માફિયામાં એવું તે શું મોનિકાએ જોયું હશે? એ જ રીતે કાશ્મીરી આતંકવાદી યાસીન મલિકે મુશાલ મુલિક નામની અત્યંત ખૂબસૂરત પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કર્યાં ત્યારે પણ ઘણાને નવાઈ લાગી હતી.
કેટલાંક અસામાજિક તત્ત્વોમાં એવું તે કેવું ‘એક્સ ફેક્ટર’ હોતું હશે કે આકર્ષક અને બુદ્ધિશાળી સ્ત્રીઓ પણ એમની પાછળ લટ્ટુ થઈ જાય છે? ઉપરના બે સિવાય પણ બીજા આવા બે ડઝન જેટલા દાખલાઓ તરત જ યાદ આવી જાય એમ છે, પરંતુ બધામાં શિરમોર જેવો કિસ્સો ચાર્લ્સ શોભરાજનો છે.
આખા વિશ્ર્વમાં ‘બિકિની કિલર’ તરીકે કુખ્યાત થયેલા ચાર્લ્સ શોભરાજનો જન્મ ૧૯૪૪ના વર્ષમાં ફ્રાન્સ ખાતે થયો હતો. શોભરાજના પિતા મૂળ ભારતીય પંજાબી હતા અને માતા વિયેટનામીઝ હતી. શોભરાજે ૩૦થી વધુ યુવતીઓની હત્યા કરી હોવાનું કહેવાય છે. એણે હત્યા કરેલી યુવતીઓમાંથી મોટા ભાગનીનાં શબ, બિકિની પહેરેલી હાલતમાં મળ્યાં હોવાથી શોભરાજનું ઉપનામ ‘બિકિની કિલર’ પડી ગયું હતું. ચાર્લ્સ શોભરાજ અત્યંત ચતુર, મીઠાબોલો અને દેખાવમાં આકર્ષક હતો. એની સાથે સંપર્કમાં આવનાર મોટા ભાગની યુવતીઓ તરત જ એની તરફ આકર્ષાઇ જતી. એમ કહેવાતું કે બહુરૂપિયાની જેમ શોભરાજ એની ઓળખ બદલી શકતો અને ભલભલી છેતરપિંડી કરવામાં ઉસ્તાદ હતો. કેટલાકના મતે શોભરાજ સાઇકો હતો. એને હિપ્પીઓ માટે ખૂબ નફરત હતી. ૬૦ના અંતથી ૭૦ના દાયકા સુધી વિશ્ર્વના કેટલાક દેશોમાં હિપ્પી સંપ્રદાયની બોલબાલા હતી. ખાસ કરીને યુરોપ અને અમેરિકાના દેશમાંથી ગોરાં યુવાન-યુવતીઓ ઘરબાર છોડીને વિશ્ર્વઆખામાં ભટક્યાં કરતાં. તેઓ લઘરવઘર રહેતાં અને આખો વખત ગાંજો કે બીજા નશાકારક પદાર્થો ફૂંક્યા કરતા. આવા હિપ્પીઓ સાથે સમૂહમાં ભળી જઈ એમનો વિશ્ર્વાસ જીતીને શોભરાજ પછીથી એમની હત્યા કરી નાખતો હતો. જોકે શોભરાજે ગુનાખોરીની શરૂઆત બાળપણમાં જ કરી દીધી હતી. ૧૮ વર્ષની ઉંમરે જ ચોરી કરવાના ગુના હેઠળ એને પેરિસની જેલમાં પૂરવામાં આવ્યો હતો. પોતાની મીઠી વાતોથી જેલના સુરક્ષા કર્મચારીઓને પણ આંજી નાખી જેલમાં તમામ સગવડો એ ભોગવતો. જેલમાંથી બહાર આવ્યા પછી વિવિધ કૌભાંડો અને છેતરપિંડી દ્વારા એણે ઘણા પૈસા બનાવ્યા. એ વખતે એની ઓળખાણ ચેન્ટલ નામની પૈસાદાર યુવતી સાથે થઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ લગ્ન કરવા માટે શોભરાજ કાર ચોરીને નીકળ્યો ત્યારે જ પોલીસે એની ધરપકડ કરી. જેલમાંથી છૂટ્યા બાદ ચેન્ટલ સાથે એણે લગ્ન કર્યાં. ધરપકડથી બચવા માટે ૧૯૭૦માં ચાર્લ્સ શોભરાજ એશિયા ભાગી ગયો. પૂર્વ યુરોપમાં બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી તે પ્રવાસ કરતો અને પ્રવાસીઓને લૂંટીને પૈસા ભેગા કર્યા પછી મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં કારચોરી અને દાણચોરી જેવા ધંધા કર્યા પછી જે પૈસા કમાતો એ જુગારમાં વેડફી નાખતો. દિલ્હીની મોંઘી હોટેલ ‘અશોકા’માં ઊતરીને એણે એનો પરિચય નેપાળના પ્રિન્સ તરીકે આપ્યો હતો. હોટેલમાં આવેલી જ્વેલરીની દુકાનમાંથી જ્વેલરી ખરીદવા માટેનું બહાનું કરી એણે પોતાના રૂમ પર જ્વેલરી મગાવી. જ્વેલરીની દુકાનમાં કામ કરનાર કર્મચારી જ્યારે કરોડો રૂપિયાની જ્વેલરી બતાવવા માટે શોભરાજના રૂમ પર ગયો ત્યારે એના પીણામાં કેફી દ્રવ્ય ભેળવી દઈ એને બેહોશ કરી શોભરાજ ભાગી ગયો. જોકે ઉતાવળમાં પોતાનો પાસપોર્ટ રૂમ પર જ ભૂલી જવાથી એરપોર્ટ પર જ પોલીસે એને પકડી લીધો. જામીન પર છૂટ્યા પછી શોભરાજ કાબૂલ ભાગી ગયો.
કાબુલમાં પણ પ્રવાસી યુવતીઓને ભોળવી એમને બેભાન કરી એમના પૈસા અને દાગીના લૂંટી લેતો. કાબુલમાં એની ધરપકડ થઈ હતી. એમ કહેવાય છે કે જેલના તમામ કર્મચારીઓને કોઈક પ્રકારે ભોજનમાં નશાકારક દવા ખવડાવીને એ જેલમાંથી ભાગી છૂટ્યો હતો. કાબુલથી ભાગીને શોભરાજ ઈરાન ગયો અને ત્યાંથી ચોરેલા પાસપોર્ટ મારફતે બે વર્ષ સુધી વિવિધ દેશોમાં ફરતો રહ્યો. ટર્કી, ગ્રીસ તેમ જ એથેન્સમાં પણ ચાર્લ્સ શોભરાજે ઠગાઈ, ચીટિંગ અને હત્યા દ્વારા ઘણા પૈસા ભેગા કર્યા હતા. જોકે છેવટે એથેન્સમાંથી તેની ધરપકડ થઈ હતી. એથેન્સની જેલમાંથી પણ તે ભાગી ગયો હતો.
વિશ્ર્વના ડઝન કરતાં વધુ દેશોની જેલમાંથી ભાગી જવાનો રેકોર્ડ કદાચ ચાર્લ્સ શોભરાજના નામે હશે. ચાર્લ્સ શોભરાજની જ્યારે ધરપકડ થતી ત્યારે મોટા ભાગે એ હંમેશાં મોંઘાં રત્નો પોતાના શરીરમાં સંતાડીને જેલમાં લઈ જતો અને જેલના સત્તાધીશોને મોંઘાં રત્નો ભેટ આપીને તમામ સગવડો ભોગવતો હતો. સારામાં સારા વકીલો રોકીને પોતાનો કેસ ઢીલો કરી નાખતો હતો. વખત આવે ત્યારે જેલમાં ભૂખ હડતાળ પર પણ ઊતરી જઈ પોતાનું ધાર્યું કરાવતો. દિલ્હીની તિહાર જેલમાં હતો ત્યારે પણ તિહાર જેલના સુરક્ષા કર્મચારીઓને વારંવાર લાંચ આપતો અને કેટલીય વાર એના પર જેલમાં લાંચ આપવાના ગુના દાખલ થયા હતા. જેલમાં ટીવીથી માંડીને ખાવા-પીવાની તમામ સગવડ એ ભોગવી લેતો. જેલમાં બેઠાં બેઠાં એ પશ્ર્ચિમના પત્રકારો અને લેખકોને બિનધાસ્ત મુલાકાત આપતો અને મુલાકાત આપવાના વળતર રૂપે મોટી રકમ પણ મેળવતો. તે હંમેશાં એવો દેખાવ કરતો કે એણે કરેલા ગુના પશ્ર્ચિમના દેશોએ એશિયા સાથે કરેલા ભેદભાવનો બદલો લેવા માટે હતા. ૧૯૮૬માં જેલમાંથી છૂટ્યા બાદ એને થાઇલેન્ડ ઓથોરિટીને સોંપવાનો હતો. પોતાના સાથી કેદીઓ અને જેલના સુરક્ષા કર્મચારીઓ માટે એણે મોટી પાર્ટીનું આયોજન કર્યું અને ખોરાકમાં ઊંઘની ગોળીઓનો જથ્થો ભેળવી દીધો. તમામ કેદીઓ અને સુરક્ષાકર્મીઓ બેહોશ થઈ ગયા એટલે શોભરાજ બેફિકરાઈથી જેલની બહાર ચાલતો ચાલતો ફરાર થઈ ગયો. મુંબઈના પોલીસ વડા મધુકર ઝેન્ડેએ શોભરાજને ગોવામાંથી પકડી પાડ્યો અને ફરીથી જેલમાં નાખ્યો. જોકે એની વિરુદ્ધ કોઈ સાક્ષી કે પુરાવા ન મળતાં ૧૯૯૭માં એને છોડી દેવો પડ્યો અને ભારતના સત્તાધીશોએ એને ફ્રાન્સ રવાના કરી દીધો.
શોભરાજની જિંદગી એટલી રસિક હતી કે તેના પરથી ફિલ્મ પણ બની ચૂકી છે. નવાઈની વાત એ હતી કે એની બોલવાની ચતુરાઈને કારણે ફ્રાન્સની પોલીસ પણ મદદ માટે શોભરાજ પાસે જતી હતી. એક વખત બે ફ્રેન્ચ પોલીસના પાસપોર્ટ ખોવાઈ ગયા હતા ત્યારે મદદ માટે શોભરાજ પાસે ગયા. ગણતરીના કલાકોમાં જ શોભરાજે એમના ખોવાયેલા પાસપોર્ટ પરત ‘શોધી’ આપ્યા હતા. હકીકત એ હતી કે શોભરાજે જ આ પાસપોર્ટ ચોર્યા હતા!
થોડાં વર્ષો સુધી ફ્રાન્સમાં રહ્યા પછી ચાર્લ્સ શોભરાજ નેપાળ ગયો. નેપાળમાં કરેલી હત્યા માટે પણ પોલીસ શોભરાજને શોધતી હતી અને શોભરાજ નેપાળમાં પકડાઈ ગયો. એ નેપાળની જેલમાં હતો ત્યારે એણે એક મહિલા વકીલ રોકી જે દેખાવમાં અત્યંત સુંદર હતી. આ મહિલા વકીલ નિથિતા બિશ્ર્વાસ પણ ચાર્લ્સ શોભરાજના પ્રેમમાં પડી ગઈ અને જેલમાં જ બંનેએ લગ્ન કરી લીધાં. નેપાળની કોર્ટે ચાર્લ્સ શોભરાજને આજીવન કેદની સજા કરી છે. છેલ્લા સમાચાર પ્રમાણે નેપાળના ખટમંડુની જેલમાં ૭૮ વર્ષના ચોર્લ્સ શોભરાજની તબિયાત ખૂબ નાજુક છે અને એણે હૃદયનું ઓપરેશન પણ કરાવવું પડ્યું છે. ભલભલાને છેતરવાની કુશળ કળા ધરાવતો ચાર્લ્સ શોભરાજ કદાચ યમરાજને પણ હાથતાળી આપી જાય તો નવાઈ નહીં!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.