Homeદેશ વિદેશગુજરાતમાં કમોસમી વરસાદ: અનેક ઠેકાણે કરા પડ્યા

ગુજરાતમાં કમોસમી વરસાદ: અનેક ઠેકાણે કરા પડ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)ૉ
અમદાવાદ: ગુજરાતમાં ગત શનિવારથી પલટાયેલા વાતાવરણ બાદ રવિવારે અનેક ઠેકાણે માવઠું વરસ્યાં બાદ સોમવારે હોળીના દિવસે પણ સતત બીજા દિવસે વંટોળિયા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ઠેકાણે કરાનો વરસાદ થયો હતો. સતત બે દિવસના માવઠાથી શિયાળુ અને ઉનાળુ ખેતીને ભારે નુકશાન થયું છે. હોળી પ્રાગટ્ય ટાણે જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકોએ હોળી પ્રગટાવા માટે ભેગાં કરેલા લાકડાં પર તાડપત્રી ઢાંકવી પડી હતી. જ્યારે કેટલાંક ઠેકાણે પ્રગટાવેલી હોળી વરસાદને લીધે આપોઆપ બૂઝાઇ ગઇ હતી.
બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યમાં ૪૮ કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ૨૪ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદનું અનુમાન છે. આ સાથે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને દાહોદમાં પણ માવઠું સાથે ૪૦ કિમીથી ઓછી ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી હતી. બીજી બાજુ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગાંધીનગરના પાલજ ખાતે આવેલી હોળીની જાર ઉપરથી ચોમાસાનો વર્તારો કાઢ્યો છે. હોળી પ્રગટાવ્યા બાદ આ વખતનો પવન વાયવ્ય તરફનો હતો અને પવનનો ઝૂકાઓ પશ્ર્ચિમ તરફનો હતો જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ચોમાસું એકંદરે સારું રહેશે. તેમ જ વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતા રહે છે.બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી ભેજનું પ્રમાણ વધુ રહે. ઘણી વખત વાવાઝોડા સાથે વધુ વરસાદ થઈ જવાના કારણે વચ્ચે વરસાદની ખેંચ પડતી હોવાથી ત્યારે પિયર આપવું પડે. પરંતુ શુકન સારા થયા નથી પવનનું અથડાવું, પવનનું ચડવું, છાંટા પડવા, વીજળીનું ચમકવું, સુકનશાસ્ત્રની દૃષ્ટિએ આ નિશાની બરાબર નથી. આથી પૃથ્વી પર કંઈકને કંઈક કુદરતી ઘટના બની રહે અથવા તો ઉત્પાત રહ્યા કરે તેવું પુર્વાનુંમાન છે.
—————-
કચ્છમાં વંટોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છમાં સતત ત્રીજા દિવસે ફાગણમાં અષાઢી માહોલ બરકરાર રહેવા પામ્યો હતો અને ભુજ તાલુકાના આહીરપટ્ટી સહિતના વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
૩૯ ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયેલા ભુજ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે મેઘગર્જના અને મિની વાવાઝોડાં સાથે શહેરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવનના લીધે ધૂળની ડમરીઓ ઊડવા લાગતાં વાહનચાલકોએ હાલાકી વેઠી હતી. હોળીના મહાપર્વ ટાંકણે જ પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં હોલિકાદહનની તૈયારી કરનાર આયોજકોએ તૈયાર કરાયેલી હોળીને પ્લાસ્ટિકનાં આવરણથી ઢાંકવા દોડ લગાવવી પડી હતી.
ભુજ અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત લાખોંદ, ધાણેટી, કાળી તલાવડી, ત્રાયા, નાડાપા, મમુઆરા, લોડાઇ, માધાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પલટાયેલા હવામાનની અસર હેઠળ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે કમોસમી માવઠા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
છેવાડાના વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકાના અનેક ગામોમાં ભારે પવનના કારણે મિનિ વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને સતત ઉડી રહેલી ધૂળની ડમરીઓથી ખેતરોમાં ઊભા પાકને મોટી હાનિ પહોંચવાની સંભાવના દેખાઈ રહી છે તેમજ ભચાઉ તાલુકાના ખારોઇ વિસ્તારમાં વંટોળીયાથી દાડમ સહિતના પાકમાં મોટું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.
કચ્છમાં એક તરફ જૂનાગઢ અને વંથલી તરફથી કેસર કેરીના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે સતત રહેતાં ભેજવાળા હવામાનને કારણે ભારે નુકશાન થવાની ભીતિ ઊભી થવા પામી છે. આવી મોસમમાં ઝાડ પર રહેલી કેરીઓમાં કીડા પડવાની સંભાવના પણ ઊભી થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular