રાજ્યમાં કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે એવામાં આજે રાજ્યના વિવિધ જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે સવારથી જ રાજ્યના મોટાભાગના જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદવાદ,વડોદરા, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું. જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, ઊભા પાકમાં નુકસાન થાવથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
હવામાન વિભાગે હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ શહેરમાં સવારથી ધૂમ્મસભર્યું અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સવારે શહેરના નારોલ, અસલાલી, લાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા ઈસનપુરમાં ચાલી રહેલા આદિવાસી ભીલ સમાજના સમૂહલગ્નમાં દોડધામ મચી ગઈ હતી.
મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. સુરત, ભાવનગર, ભરૂચમાં મોડીરાત્રે માવઠું થયું હતું. સાથે જ આ સવારે વડોદરાના કેટલાક વિસ્તારો, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખેતરમાં ઉભા ચણા, જીરું, ડાંગર, બાજરી સહિત અનેક પાકોને નુકસાન થવાની શક્યતા છે. બેવડી ઋતુને કારણે શહેરી વિસ્તારમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે.