મુંબઇ, થાણે સહિત આખા રાજ્યમાં મંગળવારે વહેલી સવારે કમોસમી વરસાદને કારણે નોકરીયાત વર્ગ હેરાન થયો હતો. હજી પણ કેટલાંક સ્થળોએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે એક તરફ માર્ચની ગરમીથી લોકોને થોડી રાહત મળી છે પણ બીજી બાજુ આ કમોસમી વરસાદે ખેડૂતોની ઉંઘ ઉડાડી છે. એટલું જ નહીં કામ પર જનારા લોકો પણ આ વરસાદ ને કારણે હેરાન થયા છે. આ કમોસમી વરસાદને પગલે માર્ચ મહિનામાં મુંબઇગરાને સવારે સવારે છત્રી લઇને ઓફિસ પહોંચવું પડ્યું.
માત્ર મુંબઇ અને થાણે નહીં પણ કલ્યાણમાં પણ વરસાદ વરસ્યો. અંધેરીમાં મૂસળધાર વરસાદ થયો. સાથે સાથે જોગેશ્વરી, ગોરેગાવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર આ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત દિવા, ડોંબિવલી, કલ્યાણ, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપૂર આ ઉપનગરોમાં પણ વરસાદ થઇ રહ્યો છે. થોડો સમય વરસાદે ભલે વિશ્રાંતિ લીધી હોય પણ ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નૂકસાન થયું છે.
કલ્યાણ – ડોંબિવલીમાં વહેલી સવારે સાડાપાંચ વાગ્યાથી વરસાદ શરુ થયો હતો. લગભગ છ વાગે વિજળીના કડકડાટ સાથે વરસાદે જોર પકડ્યો હતો. જોકે આ વરસાદને પગલે સવારે નોકરીએ જનાર લોકો, પેપર નાંખવા જતાં લોકો તથા વિદ્યાર્થીઓને મૂશ્કેલી થઇ હતી. કલ્યાણ કૃષિ ઉત્પન બજાર સમિતિના પરિસરમાં વેપારીઓ, ગ્રાહકો અને વાહનચાલકોની દોડભાગ થઇ હતી. ખૂલ્લામાં પડેલ શાક-ભાજી ફળ, ફૂલ ઢાંકવા માટે નાસ-ભાગ થઇ હતી. સવારે ચ્હા-નાસ્તો વેચનારા લોકોને ઇમારતો અને શેડ શોધવાની ફરજ પડી હતી.
માત્ર મુંબઇ અને થાણે જ નહીં પણ પાલઘર અને ડાહણૂમાં પણ વિજળીના કડકડાટ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. આ અગાઉ આવેલ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારે મંગળવારે આવેલ કમોસમી વરસાદને કરાણે પાકને ફરી એકવાર મોટું નુકસાન થયું છે.
બુલઢાણા, પરભણી, સતારા, ધુલીયા, વર્ધા, અમરાવતી આ જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદે હાજરી પૂરાવી હતી.