(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના અમુક ભાગમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યના મરાઠવાડ જિલ્લાના અમુક વિસ્તારમાં આગામી ૪૮ કલાકમાં કમોસમી વરસાદ પડવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. તેમ જ તાપમાનનો પારો પણ બે થી ત્રણ ડિગ્રી નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે.
આગામી બે-ત્રણ દિવસ અહીં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાના કહેવા મુજબ ઉત્તર અને પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવનોનેે કારણે ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થયું છે. તેથી વરસાદ પડી શકે છે. આ અગાઉ બુધવારે અને ગુરુવારે અમુક જિલ્લામાં છૂટક વરસાદ પડ્યો હતો. ૨૯થી ૩૧ જાન્યુઆરી સુધી મધ્ય ભારતમાં છૂટોછવાયો વરસાદની શક્યતા છે. તો પશ્ર્ચિમ વિદર્ભમાં અમરાવતી, અકોલા, બુલઢાણા અને વાશીમમાં વરસાદ પડી શકે છે. તો ૨૯ જાન્યુઆરી બાદ મહારાષ્ટ્રમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે, જે બે ફેબ્રુઆરી સુધી રહેશે. ગુજરાત તરફથી આવનારા ઠંડા પવનોને કારણે પાલઘર, ઉત્તર મુંબઈ અને થાણેને વધુ અસર થશે.
આ દરમિયાન મુંબઈમાં બે દિવસથી ઠંડીમાં હળવો ઘટાડો જણાયો છે. સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૮.૯ ડિગ્રી તો મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૦ ડિગ્રી તો લઘુતમ ૧૮.૬ ડિગ્રી નોંધાયું હતું.
મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનું સંકટ
RELATED ARTICLES