બંગાળમાં ઘમાસાન: ભાજપના કાર્યકરોએ પોલીસ કારને આગ ચાંપી, પોલીસેનો લાઠીચાર્જ, સુવેન્દુ અધિકારી કસ્ટડીમાં

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતાઓએ ફરી એકવાર મમતા બેનર્જી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કોલકાતામાં મંગળવારે ભાજપે ભ્રષ્ટાચારના આરોપમાં મમતા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જેને સચિવાલય ચલો માર્ચ (‘નબન્ના ચલો માર્ચ’) નામ આપવામાં આવ્યું હતું. આ અભિયાન માટે ભાજપને પોલીસ પરવાનગી મળી ન હતી. પોલીસે ભાજપના કાર્યકરો સચિવાલય સુધી પહોંચે એ પહેલા જ અટકાવી દીધા હતા ત્યાર બાદ ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા જતા. પોલીસે ભાજપના નેતા શુભેન્દુ અધિકારી, લોકેટ ચેટર્જી સહિત ઘણા નેતાઓ અને કાર્યકરોને કસ્ટડીમાં લીધા છે.
પોલીસની કાર્યવાહી બાદ ભાજપના કાર્યકરો ગુસ્સે ભરાયા હતા. કોલકાતાના લાલબજાર વિસ્તારમાં દેખાવકારોએ પોલીસના વાહનને આગ ચાંપી હતી. બંગાળ પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ભાજપના કાર્યકરોને રોકવા માટે ટીયર ગેસના શેલ અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.


ભાજપ નેતા શુભેન્દુ અધિકારી, સાંસદ લોકેટ ચેટર્જી સહિત અનેક નેતાઓની પોલીસે સંતરાગાચી રેલવે સ્ટેશન નજીકથી અટકાયત કરી હતી. તેમની અટકાયત દરમિયાન ભાજપના નેતાએ કહ્યું હતું કે, “બંગાળના લોકો મમતા બેનર્જીની સાથે નથી, તેથી તે બંગાળમાં ઉત્તર કોરિયા જેવી તાનાશાહી કરી રહ્યા છે.” દિલીપ ઘોષે બંગાળ પોલીસ પર તૃણમૂલ કાર્યકર્તાઓની જેમ કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપના સેંકડો કાર્યકરો પણ ભાજપની કૂચમાં જોડાવા માટે ટ્રેનો દ્વારા કોલકાતા તરફ જઈ રહ્યા છે. પોલીસે રેલ્વે સ્ટેશનો પર પણ બેરીકેટ લગાવી દીધા છે.

બીજેપી નેતા અભિજીત દત્તાએ કહ્યું કે અમારા 20 કાર્યકર્તાઓને પોલીસે દુર્ગાપુર રેલવે સ્ટેશન પાસે રોક્યા છે. હું અન્ય માર્ગો દ્વારા અહીં પહોંચ્યો છું. આ સિવાય બોલપુર રેલ્વે સ્ટેશનની અંદર ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
ભાજપના નાબ્બન ચલો અભિયાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં પોલીસ બેરિકેડિંગના કારણે હાવડા બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.