કરણી અને કથનીની એકરૂપતા એટલે અધ્યાત્મસાધના

ધર્મતેજ

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

કથની એવી કરણી જોઈએ. જેની પાસે માત્ર વાતો હોય અને વર્તન ન હોય એવા માણસ પાસે હૃદયની વાતો કે જ્ઞાનભક્તિની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જેનું વર્તન સારું હોય તેનું તેજ અછતું રહેતું નથી. દીવા વિનાનું મંદિર કેવું? વાંસની ઝૂંપડીને તાળું કેવું? જે યોગની ક્રિયા જાણતો નથી તે યોગી શેનો? એ તો ખારા જળ જેવો નકામો છે. તેનાથી આત્માની તરસ છીપતી નથી. જેમ કાચી માટીના ઘડામાં પાણી રહે નહીં, કાગળમાં પારો રહે નહીં તેમ પાત્ર વિના, લાયકાત વિના સિદ્ધિ મળતી નથી.
મોતીની કિંમત હંસલો જ જાણી-પ્રમાણી શકે. બગલો મોતીડાંને શું કરે? આંધળો અરીસાને શું કરે? એ પ્રમાણે જેના ઘટડામાં ઘોર અંધકાર છે તે જ્ઞાનરૂપી પ્રકાશને ઝીલી શકશે નહીં. પારેખ વિના હીરો પથ્થરાને તોલે પડ્યો છે. અમૂલખ માનવ અવતાર મળ્યો છે ને તેમાં માનવી આતમ તેજને જાણે નહીં તો જીવનનો કોઈ અર્થ નથી. સંતાન વિના મા બની શકાય નહીં અને ક્ધિનરને કોઈ દિવસ છાતીમાં દૂધનો પાનો ચડે નહીં. તેમ સત્ગુરુ સાચા મળે તો આ આત્મતેજ ઓળખાવી આપે. આ માટે કરણી કરવી પડે. કરણી વિના માત્ર કથની સારહીન છે. એટલે તો ડુંગરપૂરી મહારાજે ગાયું છે:
વરતન જોઈ વસ્તુ વોરીએ,
એમાં અવગુણ નાવે નાથ જી.
દીપક વિનાના મંદિર કૈસા? કૈસે ત્રાટીકું તાળાં?
કિરિયા વિનાના જોગી કૈસા? જૈસે નીર ભરિયલ ખારાં – વરતન…
કાચે ઘડે મેં નીર ક્યું રેવે? ક્યું રેવે કાગઝ મેં પારા?
બગલે મોતીડું ક્યા કરે? મોતી હંસ કેરા ચારા – વરતન…
અંધલે અરીસે કું ક્યા કરે? ક્યા કરે મૂરખ કું માળા?
કાફર તસ્બી કું ક્યા કરે? ઘટડે મેં ઘોર અંધેરા – વરતન…
વિના રે ફરજંદ કૈસી માવડી? કૈસે પાવૈ હું પાના?
દાસ ડુંગરપરી બોલિયા,
સતગુરુ સાચા પરવાના
વરતન જોઈ વસ્તુ વોરીએ.
મધ્યકાળના દરેક સંત-ભક્ત કવિએ પોતાની વાણીમાં માનવજાતને ઉપદેશ આપી મોહમાયાના ફંદામાંથી બચાવી લેવા અવશ્ય પ્રયત્ન કર્યા છે. ક્યારેક મીઠો ઠપકો આપી, ક્યારેક સ્નેહની શીખ આપી, ક્યારેક ભાવિનો ભય બતાવી તો ક્યારેક કરડાકીભર્યા જુસ્સાથી ચાબખા સમા શબ્દના માર દ્વારા પણ પોતાની એ ફરજ સંત-કવિઓએ ભજવી અને આત્મસંતોષ્ા માન્યો છે. માણસનો ગર્વ નકામો છે. એ કહેતો ફરે છે કે હું કાળને બાંધી લઉં, પણ કાળથી તો આ ત્રણેય લોક કંપે છે. માનવીની શું વિસાત એક પળમાં જ અભિમાનના ચૂરા થઈ જાય… માટે ભાઈ, હરિનું શરણું ગોતી લે…
રાજ ભયો કહાં કાજ સર્યો મહારાજ ભયો કહાં લાજ બઢાઈ
શાહ ભયો કહાં વાત બડી પતશાહ ભયો કહાં આન ફિરાઈ
દેવ ભયો તો ઉ કાહુ ભયો અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ
બ્રહ્મમુનિ સતસંગ વિના સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ…
પણ આવી વાતો કોની સામે રજૂ કરવી? જે સમજુ હોય, પૂરા હોય, સત્સંગી હોય એની સામે, એટલે તો સંત કવયિત્રી લીરલબાઈએ ગાયું છે:
અધૂરિયા સે નો હોય દલડાંની વાતું,
મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે,
ઈ શું જાણે સમંદરિયાની લ્હેરું,
મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે,
વળતી-ઢળતી કોઈને ન આવે એની છાંય,
મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
દૂધ ને સાબુએ રે ધોયા ઓલ્યા કોયલા રે,
ઈ કોયલા કોઈ દી ઊજળા નો થાય,
મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
એવાં દૂધડાં પાઈને રે વસિયર સેવયો રે,
મૂકે નહીં ઈ મુખડાં કેરાં ઝેર,
મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
દુરજનિયાની રે આડા મોટા ડુંગરા રે,
એ જી મારા હરિજનિયાની હાલું મોઢામોઢ,
મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
ગુરુના પ્રતાપે રે લીરલબાઈ બોલિયાં રે,
એ જી મારા સાધુડાંનો બેડલો સવાયો,
મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
ૄૄૄ
ગોધન, ગજધન, વાજિધન ઔર રતનધન ખાન,
જબ આવે સંતોષધન, સબ ધન ધૂરિ સમાન.
પાની બાઢે નાવ મેં, ઘર મેં બાઢે દામ,
દોનું હાથ ઉલેચિયે, યહી સજ્જન કો કામ
સાયર લ્હેરું થોડિયું, મુંજા ઘટમાં ઘણેરિયું,
હકડી તડ ના પોગિયું, ત્યાં દૂજી ઊપડિયું.
ગાલડિયું ગુઢેરથ થિયું, વધીને વડ થિયું,
ચંગા માડુએ ન પૂછિયું, પછી દલજી દલ મેં રિયું…
મનવેધુ કોઈ મસ્ળયા નહીં, મળ્યા એટલા ગરજી,
દલની ભીતર જામા ફાડ્યા, કેમ સીવે દરજી?
ઉદયપુર (રાજસ્થાન)ના મહારાણા રાજસિંઘજીએ કવિવંદનાનો એક છપ્પય લખ્યો છે. શા માટે આ જગતમાં કવિની જરૂર છે?
કહાં રામ, કહાં લખણ, નામ રહિયા રામાયણ,
કહાં કૃષ્ણ બલદેવ, પ્રગટ ભાગવત પુરાયણ,
વાલ્મીક શુક વ્યાસ, કથા કવિતા ન કરંતા,
કુણ સ્વરૂપ સેવતા, ધ્યાન મન ક્વણ ધરંતા,
જગ અમર નામ ચાહો, જિકૈ સૂણો સજીવણ અખ્ખરાં,
રાજશી કહે જગ રાણરો, પૂજો પાંવ ક્વેસરાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.