આગામી તારીખ 17થી 20 એપ્રિલ દરમિયાન સોમનાથમાં તમિલ સંગમ કાર્યક્રમ યોજાનાર છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનો એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાચા અર્થમાં સાર્થક થશે. આ કાર્યક્રમ દ્વારા તમિલનાડુમા વસેલા સૌરાષ્ટ્રવાસીઓને ફરીથી વર્તમાન ગુજરાત રાજ્ય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે રાજકોટ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વધુમાં વધુ લોકોને ભાગ લેવા સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરતા જણાવ્યું હતું કે, તામિલનાડુમાં 25 લાખથી વધુ સોરઠવાસીઓ છે,1200 વર્ષ પહેલા તેઓ હિજરત કરી ગયા ગયા હતા. ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’માં તેમનું માતૃભૂમિ સાથે મિલન થશે.
સૌરાષ્ટ્રવાસીએ દરિયાઈ માર્ગે હિજરત કરી હતી
સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આપણા ભારત વર્ષના તામિલનાડુ રાજ્યમાં 25 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમ જ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા તથા વારસાને અકબંધ રાખી સ્થાયી થયા છે. ભારત વર્ષના 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ પર વિદેશી આક્રમણખોર મહોમ્મ્દ ગજનીએ 1024ની સાલમાં આક્રમણ કર્યુ તે સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ વેરાવળ અને આજુબાજુના વિસ્તારમાંથી સામૂહિક સ્વરૂપે મોટી સંખ્યામાં ત્યાં વસતા સૌરાષ્ટ્રવાસી સમુદાયે દરિયાઈ માર્ગે હિજરત કરી હતી. એમ કહેવામાં આવે છે કે વિશ્વના ઇતિહાસની અંદર આ એક મોટામાં મોટી હિજરત હતી.
1000 વર્ષના ગાળા પછી ફરીથી જોડાયો
વધુમાં તેમણે કહ્યું કે, 1500ની સાલથી સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો હોય આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત સાથે જોડવાનો પ્રયત્ન વર્ષોથી થતો હતો. પરંતુ વર્ષ 2005 અને 2006ની સાલમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ અને ઉપકુલપતિ સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી આ સમુદાય સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવા પ્રેરિત કર્યા હતા. વિધિવત રીતે આ સૌરાષ્ટ્રવાસી સમુદાય ગુજરાત સાથે 1000 વર્ષના ગાળા પછી ફરીથી જોડાયો હતો. હાલ ગુજરાત રાજ્ય અને તામિલનાડુના આ સૌરાષ્ટ્રવાસી સમુદાય વચ્ચે અનેકવિધ અનેક ક્ષેત્રે આદાન-પ્રદાનના ખૂબ જ સરસ મજાના કાર્યક્રમો ચાલી રહ્યા છે.
50 હજારથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા
વધુમાં તેમણે કહ્યું કે, 2010ની સાલનાં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન થયું અને તેમાં 50,000 કરતાં વધારે સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ત્યારબાદ પણ વખતોવખત આ સમુદાય સાથે મુલાકાતો કરી અને ગુજરાત સાથે આદાન-પ્રદાનની પ્રવૃત્તિ માટેની પ્રેરણા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પનાને મૂર્તિમંત કરવાના ઉમદા હેતુ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમના અત્યંત ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકાત્મતા સંકલ્પનાને સાકાર કરતા અનોખા કાર્યક્રમની સંકલ્પના કરી હતી.
એપ્રિલ માસમાં વિશાળ સંમેલન
વધુમાં તેમણે કહ્યું કે, આજે એ વાતનો ઉલ્લેખ કરતા ગૌરવ અને રોમાંચની લાગણી થાય છે કે લગભગ 1200 વર્ષના સમયગાળા પછી આગામી એપ્રિલ માસની અંદર વિશાળ સ્વરૂપે તામિલનાડુમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાના મૂળ વતન, પોતાની મૂળ જન્મભૂમિ, માતૃભૂમિ એવા સોમનાથ ખાતે એકત્ર થશે આ એક ખૂબ જ ઐતિહાસિક મહત્વપૂર્ણ ઘટના બની રહેશે.
વિકાસ માટેના મૂળભૂત 3 કારણો છે
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રવાસીઓનું હજારો વર્ષો સુધી ટકી રહેવા અને વિકાસ માટેના મૂળભૂત 3 કારણો છે. જેમાં સૌરાષ્ટ્ર અને તમિલનાડુની એકસમાન આબોહવા, સંસ્કૃત અને તમિલ ભાષાની સમાનતા, ઘઉં અને તંબાકુ ઉગાડી શકાય તેવી જમીન, આ ત્રણેય કારણોને લઈને ખાસ સૌરાષ્ટ્રના લોકો તમિલનાડુમાં વસવાટ કરવા સાથે પ્રગતિ પણ કરી રહ્યા છે.આ કાર્યક્રમમાં કોરોનાનાં નિયમોનું પાલન કરવાની ખાતરી પણ તેમણે આપી હતી. કેન્દ્ર-રાજ્ય સરકારનાં સંયુક્ત પ્રયાસોથી યોજાનાર આ કાર્યક્રમની પત્રકાર પરિષદમાં મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ સાંસદ મોહન કુંડારિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.