કચ્છમાં અવિરત મેઘસવારી: માંડવીમાં બે દિવસમાં આઠ ઇંચ વરસાદ: ટોપણસર તળાવ ઓવરફ્લો

આપણું ગુજરાત

ભુજમાં સાડા ચાર ઇંચ, મુંદરામાં ચાર, લખપત અને નખત્રાણામાં ત્રણ ઇંચ મેઘમહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: માંડવી પર જાણે બારેય મેઘ ખાંગા થયા હોય તેમ અગાઉ થયેલા સાડા ત્રણ ઇંચ જેટલા નોંધપાત્ર વરસાદ બાદ, વધુ પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા આ પ્રાચીન નગરના સાંજીપડી અને ભીડ બજાર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં જળહોનારત જેવા દ્રશ્યો સર્જાયાં હતા. માંડવીની રૂકમાવતી નદી બારેય નાકામાંથી ધસમસતી વહી રહી હતી.
બે દિવસના ભારે વરસાદને પગલે માંડવીનું ઐતિહાસિક ટોપણસર તળાવ ઓગની જતાં તળાવને વધાવવા માંડવીના લોકો મોટી સંખ્યામાં કાંઠે ઉમટ્યા હતા.
માંડવી ઉપરાંત ભુજ અને મુંદરામાં ત્રણથી સાડા ચાર ઈંચ સુધી મેઘરાજાએ પાણી વરસાવ્યું છે.
જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત ભુજમાં ૮૬ મિ.મી., માંડવીમાં ૯૫ અને મુંદરામાં ૬૦ મિ.મી. વરસાદ
વરસ્યો છે.
ભુજમાં હમીરસર તળાવના કેચમેન્ટ સમા લક્કી ડુંગરો પરની હારમાળામાં નોંધપાત્ર વરસાદ થતાં ઐતિહાસિક હમીરસર તળાવમાં પાણી લઇ આવતા મોટાબંધમાં પાણીની ધોધમાર આવક શરૂ થતાં લોકો મોટી સંખ્યામાં મોટા બંધ અને હમીરસર તળાવ પાસેના કૃષ્ણાજી પુલ પાસે એકઠા થતાં સાતમ-આઠમના મેળા જેવો માહોલ સર્જાવા પામ્યો છે.લાંબા સમયથી અકળાવનારી ગરમી અને અછતના ડરથી ફફડી રહેલા જનજીવનને આ વરસાદથી રાહત મળવા પામી છે.
મુંદરા તાલુકાના ગ્રામીણ મથકોમાં પણ મેઘરાજાએ મહેર કરતાં અનેક ગામોના છેલા-તળાવો છલકાઈ ગયા છે,જયારે નદીઓ બે કાંઠે વહેવા લાગતાં અનેક પાપડી સહિત રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે.
બીજી તરફ, સીમાવર્તી લખપત અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘસવારી સતત બીજે દિવસે પણ ચાલુ રહી હતી અને અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડતાં તળિયા ઝાટક થયેલા નદી તળાવ નવા નીરથી છલકાઈ ગયા છે અને આંતરિક રસ્તાઓ અને પાપડીનું ધોવાણ થયું છે. કચ્છના અબડાસા અને નખત્રાણા તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નખત્રાણા તાલુકામાં અંદાજિત બેથી અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.રસલીયા ડેમ આ વખતના ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થતા લોકોમાં હર્ષ ફેલાયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.