કચ્છમાં અવિરત મેઘકૃપા: ભુજ અને અંજારમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ: અન્યત્ર ઝાપટાં, હમીરસર તળાવમાં નવાં નીરની આવક

આપણું ગુજરાત

ભુજ: સરહદી જિલ્લા કચ્છના અબડાસા, માંડવી અને મુંદરા પંથકમાં નોંધપાત્ર વરસાદ પડી ચુક્યો છે ત્યારે કચ્છના રાજનગર ભુજને અત્યારસુધી માત્ર ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો હતો જો કે, ભુજમાં વહેલી સવારે વરસાદ વરસવો શરૂ થતાં લોકોની ભુજનું હમીરસર તળાવ છલકાવવાની આશા જીવંત રહેવા પામી છે અને માહોલ જોતાં હજુ વધુ વરસાદી ઝાપટાં ચાલુ રહે તેવી પૂરતી સંભાવનાઓ વર્તાઈ રહી છે.
ભુજમાં અગિયાર વાગ્યા બાદ વરસાદ ઘેરાયો હતો અને થોડીવારમાં વરસાદનું ભારે ઝાપટું વરસી પડતાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. જોરદાર વરસાદથી શહેરના હૃદયસમા હમીરસર તળાવમાં નવા નીર આવ્યા હતા અને પરંપરાગતરીતે શહેરીજનો વહેતાં થતાં પાલર પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા અને મીની સાતમ-આઠમના મેળા જેવો માહોલ સર્જાયો હતો.
શહેરમાં કાદવ-કીચડની સમસ્યા સર્જાઈ હતી અને સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. ભુજમાં અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ સાંજ સુધી થવા પામ્યો હતો. ભુજ ઉપરાંત કચ્છના રાપર, અંજાર બંદરીય શહેર માંડવીમાં પણ ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જયારે અન્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. લખપત તાલુકાના દયાપર, ઘડુલી, વિરાણી, દોલતપર, કોટડા મઢ, અબડાસા તાલુકાના લાખણિયા, તેરા, બારા સહિતના ગામો તેમજ પૂર્વ બાજુના ભચાઉ તાલુકાના કેટલાક ગામોમાં માત્ર વરસાદી ઝાપટાંથી મેઘરાજાએ હાજરી પુરાવી હતી. અત્યાર સુધી કચ્છમાં ૯૩ મીમી વરસાદ પડી ગયો છે. બીજી તરફ, મુન્દ્રામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા ઝાપટાં રૂપે વરસવાનું ચાલુ રહેતા એક ઇંચ પાણી વરસી ગયું હતું.
અબડાસા તાલુકામાં સારા વરસાદના પગલે મોથાળા, ભાચુંડા, કડુલી અને સુથરી ગામના તળાવો ઓગની જતાં ગ્રામજનોએ હરખભેર વધાવ્યા હતા. દરિયાકાંઠાના છેવાડાના સુથરીમાં કલાકોટ ડેમ, હાજીપીર તળાવ ઓગની ગયું હતું. સીમાવર્તી રાપર તાલુકામાં સતત બીજા દિવસે ઝાપટાંથી અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. રાપર શહેરમાં અડધો ઇંચ વરસાદ પડતાં શહેરના દેનાબેંક ચોક, માલિચોક, આઠમણા નાકા વિસ્તારમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પણ આજે દિવસ દરમિયાન ઝાપટાં પડ્યા હતા. જો કે, નોંધપાત્ર વરસાદ ન પડતાં ખેડૂતો નિરાશ થયા હતા. મેઘોત્સવ વચ્ચે નખત્રાણાની ઝીલ સોસાયટીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીમાં મહાકાય મગર ઘૂસી આવતા રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. વનવિભાગને જાણ કરાતા મગરને તાત્કાલિક પકડી લઇ, સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન આગામી સોમવાર સુધી કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરી દેવાઇ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.