(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગણવેશ સહાય સંદર્ભે પુછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ગણવેશ સહાય મેળવવા માટે કુલ ૭૫,૧૯૮ જેટલી અરજીઓ મળી હતી. જેમાંથી ૭૫,૧૯૮ એટલે કે, તમામ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ગણવેશ આપવા માટે છેલ્લા એક વર્ષમાં રૂ.૬,૬૪,૦૦,૮૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.
આ યોજનાના માપદંડ વિશે પૂછવામાં આવેલા પેટા પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં પરમારે જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના હોવા જોઈએ, વિદ્યાર્થી ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી. ગણવેશ સહાય યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને ત્રણ જોડી ગણવેશ આપવામાં આવે છે. ગણવેશ માટે વિદ્યાર્થી દીઠ રૂ. ૯૦૦ની સહાય ચૂકવવામાં આવે છે તેમ તેમણે
ઉમેર્યું હતું.