કવર સ્ટોરી -દર્શના વિસરીયા

બેરોજગારી… ભ્રષ્ટાચારની જેમ જ ભારતને ભરડામાં લઈ રહેલી આ સૌથી મોટી સમસ્યા છે અને તેમાં પણ છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો બેરોજગારીને કારણે લોકો બેહાલ થઈ ગયા છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે એપ્રિલ, ૨૦૧૪થી લઈને માર્ચ, ૨૦૨૨ એટલે કે આઠ વર્ષ દરમિયાન વિવિધ સરકારી વિભાગોમાં કાયમી નોકરી મેળવવા માટે આશરે બાવીસ કરોડ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. આ જ સમયગાળા દરમિયાન અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરી મેળવનારાઓની સંખ્યા આશરે ૭.૨૨ લાખ જેટલી હતી. જો આ બંનેની ટકાવારી કાઢીએ તો જેટલા લોકોએ અરજી કરતી હતી તેમાંથી ૦.૩૨ ટકા લોકોને જ નોકરી મળી છે. આ આંકડા તો ભારતમાં બેરોજગારીને કારણે નિર્માણ થયેલી પરિસ્થિતિનું એક નાનકડું ઉદાહરણ છે. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોના મહામારીને કારણે સેંકડો લોકોએ નોકરી ગુમાવી હતી અને આ મહામારીને કારણે જ મૂકવામાં આવેલા પ્રતિબંધોને લીધે સરકારી ભરતી પર પણ તેની અસર જોવા મળી હતી. આ બધાની જ એક કોમન અસર એવી થઈ કે દેશમાં બેરોજગારોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્ટર ફોર મોનિટરિંગ ઑફ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ)ના અહેવાલ પર જો ભરોસો કરીએ તો મહામારી અને લોકડાઉનને કારણે આશરે ૧૨ કરોડ લોકોની નોકરી ગઈ હતી એટલું જ નહીં, પણ આ સંશોધનમાં એવુંય જાણવા મળ્યું હતું કે ૨૦૨૧માં કોવિડ-૧૯ની બીજી લહેર દરમિયાન એક કરોડ ભારતીયોએ નોકરી ગુમાવી હતી. કરોડોની સંખ્યામાં લોકોની નોકરી ગઈ, પણ આખરે શહેરોમાં જ કેમ બેરોજગારી વધી રહી છે અને આ બેરોજગારીના ભોરિંગને નાથવાનો ઉપાય શું છે એની ચર્ચા પણ કરી જ લઈએ.
શહેરોમાં કેમ બેરોજગારી વધી રહી છે
અને શું છે ઉપાય?
ભારતમાં એક તરફ ગ્રામીણ બેરોજગારી ઘટી છે ત્યારે બીજી તરફ શહેરી બેરોજગારી વધતી જોવા મળી રહી છે અને નિષ્ણાતોનું એવું માનવું છે કે સરકારી ક્ષેત્રોમાં ભરવામાં આવી રહેલી સ્થાયી ખાલી જગ્યાઓની સંખ્યા ખૂબ ઓછી છે. જો તમારે આ બેરોજગારીની સમસ્યાથી છુટકારો મેળવવો છે તો દેશમાં નોકરીઓ વધારવા માટે સરકારની સમગ્ર રણનીતિ લેબર-ઇન્ટેન્સિવ કે શ્રમ-પ્રધાન હોવી જોઈએ.
સીએમઆઈએ દ્વારા કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા હતા અને આ આંકડા પ્રમાણે, જુલાઈ મહિનામાં ભારતનો બેરોજગારી દર ૬.૮૦ ટકા જેટલો નીચો થઈ ગયો જે છેલ્લા છ મહિનામાં સૌથી નીચલા સ્તરે હતો. જૂનમાં આ દર ૭.૮૦ ટકા હતો. ચોમાસા દરમિયાન વધતી કૃષિ ક્ષેત્રની ગતિવિધિઓને જુલાઈમાં બેરોજગારીનો દર ઘટવાનું એક મોટું કારણ માનવામાં આવ્યું. આ આંકડા પરથી જાણવા મળ્યું કે ભારતમાં એક તરફ ગ્રામીણ બેરોજગારી ઘટી છે ત્યારે બીજી તરફ શહેરી બેરોજગારી વધતી જોવા મળી હતી, જેનું મુખ્ય કારણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં નોકરીઓની ઘટતી સંખ્યાને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં બેરોજગારી સામે લડી રહેલા લોકો જ સમજી શકે છે કે રોજગાર શોધવો કેટલું મુશ્કેલ કામ હોઈ શકે છે.
જોકે આ બધા વચ્ચે સરકાર તો આ બધી વાતોથી પોતાનો હાથ ખંખેરી રહી છે. ટૂંકમાં કહીએ તો તે આ વાતનું ખંડન કરી રહી છે. સરકારે જણાવ્યું છે કે રોજગાર સૃજન સાથે રોજગાર ક્ષમતામાં સુધાર સરકારની પ્રાથમિકતા છે અને કેન્દ્ર સરકારે દેશમાં રોજગાર સૃજન માટે વિભિન્ન પગલાં ઉઠાવ્યાં છે અને ઘણી યોજનાઓ શરૂ કરી છે. હવે એવી કેટલીક યોજનાઓ પર નજર નાખીએ જે સરકારના કહેવા પ્રમાણે નોકરીના ઉમેદવારો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન ૧.૩૧ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. સરકારી આંકડા પ્રમાણે આ નાણાકીય વર્ષમાં મંજૂર કરવામાં આવેલી ૯૧,૧૧૫ કરોડ રૂપિયાની લોનમાંથી ૮૫,૮૧૭ કરોડ રૂપિયાની લોનનું વિતરણ થઈ ચૂક્યું છે.
ગયા જુલાઈ મહિનામાં સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ૧ માર્ચ, ૨૦૨૧ સુધી ૪૦.૩૫ લાખની સ્વીકૃત સંખ્યાની સરખામણીએ કેન્દ્ર સરકારના વિભાગોમાં આશરે ૯.૭૯ લાખ ખાલી જગ્યાઓ હતી. આ ખાલી જગ્યાઓ ગ્રુપ એ, બી અને સીનાં પદો માટે હતી.
હાલ જ સરકારે સંસદમાં જણાવ્યું કે ત્રણ સશસ્ત્ર દળોમાં દર વર્ષે સરેરાશ ૬૦ હજાર ખાલી પદ હોય છે, જેમાંથી આશરે ૫૦ હજાર ખાલી પદ થળસેનામાં હોય છે. સરકારે એમ પણ કહ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારીના કારણે ભરતીની પ્રક્રિયાઓ બંધ પડી હોવાના કારણે ભારતીય સેનામાં આશરે ૧ લાખ કરતાં વધારે જવાનોની ઘટ છે.
છેલ્લા કેટલાક મહિનામાં સેંકડો સરકારી ખાલી પદો પર ભરતી ન થવી એ મુદ્દો પણ ખાસા સમયથી ચર્ચામાં રહ્યો છે અને આ જ વર્ષે ફેબ્રુઆરીમાં રેલવે ભરતી બોર્ડની પસંદગી પ્રક્રિયાને લઈને હજારો યુવાનોએ હિંસક પ્રદર્શન કર્યું હતું. આ સિવાય જૂન મહિનામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો, જેમાં આંધ્ર પ્રદેશમાં ૧૯૯૮માં સરકારી શાળામાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ હતી તેના નિમણૂકપત્રો ૨૨ વર્ષ બાદ આ વર્ષે જૂન મહિનામાં અપાયા હતા. નિમણૂકપત્ર મેળવનારા ઘણા લોકો હવે રિટાયરમેન્ટની એકદમ નજીક છે.
૧૪ જૂનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી કે તેમની સરકાર આગામી ૧૮ મહિનાની અંદર ‘મિશન મોડ’માં ૧૦ લાખ કર્મચારીઓની ભરતી કરશે. પ્રોફેસર રવિ શ્રીવાસ્તવ કે જેઓ દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન ડેવલપમેન્ટના સેન્ટર ફોર એમ્પ્લોયમેન્ટ સ્ટડીઝના ડિરેક્ટર છે તેમનું એવું માનવું છે કે સરકારી નોકરીઓમાં ખાલી પદોને ભરવા મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વાતો તો મોટી મોટી કરે છે, પણ જ્યારે વાત નક્કર પરિણામની આવે તો તેમાં કંઈ જ સુધારો જોવા મળતો નથી. આવું થવાનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે સરકાર બધા જ લેવલ પર કોન્ટ્રાક્ટ પર નોકરી આપી રહી છે અને લાંબા સમયથી કાયમી ધોરણે નોકરી નથી આપવામાં આવી રહી.
કેન્દ્ર સરકાર સમયાંતરે કૌશલ વિકાસ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓની વાતો કરે છે, પરંતુ શું કૌશલ વિકાસથી સરળતાથી નોકરીઓ મળી રહી છે? તો આ સવાલનો જવાબ એવો છે કે વસ્ત્રો બનાવતી કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે કૌશલ વિકાસની યોજનાઓ ચલાવી રહી છે અને સરકાર દ્વારા આપવામાં આવતી કેટલીક સબસિડીનો લાભ લઈ રહી છે. પછી તે લોકોને પોતાની પરિધાન કંપનીઓમાં રોજગાર આપે છે, પરંતુ તેમના દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી નોકરીઓની ગુણવત્તા બહુ સારી નથી.
પ્રોફેસર શ્રીવાસ્તવનું એવું પણ માનવું છે કે નોકરીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે એમએસએમઈ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ) ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને એ સુનિશ્ર્ચિત કરવું પડશે કે તેમના વિકાસને સુવિધાજનક બનાવવામાં આવે. તેમના કહેવા પ્રમાણે સરકારે એ જાણવું પડશે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોને આગળ વધવામાં શું મુશ્કેલીઓ છે અને એ અવરોધોને દૂર કરવામાં તેમની મદદ કરવી પડશે.
તેઓ કહે છે, ‘જો તમે ખૂબ નાના ઉત્પાદકોની ઉત્પાદકતા વધારો છો તો તે ન માત્ર રોજગાર વધારે છે, પરંતુ આવક પણ વધારે છે. ભારતમાં કામ કરનારા ઘણા લોકો પર્યાપ્ત કમાણી કરતા નથી. તમારી પાસે એક એવી રણનીતિ હોવી જોઈએ જે નાના ઉદ્યોગને નાપસંદ ન કરે અને તેમને વિકસવામાં મદદ કરે.
પ્રોફેસર શ્રીવાસ્તવનું કહેવું છે કે ડિમોનેટાઇઝેશન, જીએસટી અને મહામારીની અસર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર નકારાત્મક અને સંગઠિત ક્ષેત્રની મોટી કંપનીઓ માટે સકારાત્મક રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આશરે ૨૦ ટકા નોકરીઓ જ સંગઠિત ક્ષેત્રમાંથી આવે છે, જ્યારે ૮૦ ટકા નોકરીઓ અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે.
શ્રીવાસ્તવ પ્રમાણે છેલ્લાં ૭-૮ વર્ષમાં ઉત્પાદન અને લાભ આ ખૂબ મોટી કંપનીઓના પક્ષમાં જતાં રહ્યાં છે, પરંતુ આ કંપનીઓ પાસે એ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સરખામણીએ રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા ખૂબ ઓછી છે જેમણે બજારમાં પોતાનો હિસ્સો ગુમાવી દીધો છે. આ જ મુખ્ય કારણ છે કે જોબ સ્પેસનો વિસ્તાર નથી થઈ રહ્યો…

Google search engine