હાથમાં કામ અને પૈસા ન હોય ત્યારે નિરાશા જણાતી હોય છે અને ઘણીવાર આ નિરાશામાં જ ગુનો થઈ જતો હોય છે. ભુજ શહેરની ઓરિએન્ટ કોલોનીમાં એક ઘટના બની છે જેમાં મહાજન કોમના પરિવારના એક યુવાન પુત્રએ ખિસ્સાખર્ચીના રૂપિયા બાબતે પોતાના માતા પિતાને અપશબ્દો કહી, ઘરમાં પડેલા ચપ્પુ વડે ઇજા પહોંચાડી ફરાર થઇ જતાં ચકચાર પ્રસરી છે.
આજના ડિજિટલ સમાજ માટે લાલબત્તી સમાન ઘટના અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં દિલીપભાઈ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ધર્મેશ કામ-ધંધો કરતો ના હોવાથી અવારનવાર પૈસા માંગી પરેશાન કરતો રહે છે. ઘરે બે ટક માત્ર જમવા આવે છે અને બાકી આખો દિવસ તેના મિત્રો જોડે રખડ્યા કરે છે.
ગત રવિવારની રાત્રે અંગત ખર્ચ માટે પૈસા માંગતા માતા-પિતાએ મનાઈ ફરમાવી, કોઈ કામધંધો શોધવાનું કહેતાં પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને માવતર સાથે ઊંચા અવાજે ગાળાગાળી કરી ઘરમાં પડેલુ ચપ્પુ લઈ આવી બંને પર હુમલો કરતાં પિતાને જમણા હાથની હથેળીમાં ઇજા પહોંચાડી દીધી હતી.
ઘટનાને અંજામ આપી બેરોજગાર પુત્ર નાસી છૂટ્યો હતો. પુત્રના છૂટાછેડા થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસે પીડિત પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ફરાર પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.