પ્રદૂષિત વાતાવરણમાં શરીરની અંદરના સંતુલનને સમજી તંદુરસ્ત જીવન જીવીએ

ઉત્સવ

ઓપન માઈન્ડ -નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો?
વર્ષાઋતુની મજા બધા જ માણી રહ્યા છો. ગરમ ગરમ કાંદાભજી, વડાપાંઉ, બટેટાની પૂરી, સૂરણ, કંદ, મરચાંનાં ભજિયાં, દાલવડાં, મેથીના ગોટા, મકાઇની ટિક્કી અને જાત જાતની નવી મોડર્ન વાનગીઓ પણ ખાતા જ હશો. સારું છે. મજા માણો, પણ જે કંઈ પણ ખાઓ એ વખતે આટલી વાતો યાદ રાખજો:
૧. ગરમ ખાજો.
૨. ચોખ્ખું ખાજો.
૩. સ્વચ્છ જગ્યાએથી ખાજો.
૪. શક્ય હોય તો ઘરે બનાવીને ખાજો.
૫. શક્ય હોય તો જેનું હું ખૂબ આગ્રહપૂર્વક જીવનમાં આચરણ કરું છું અને કરવાનું કહું છું તે… તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. ફરી પાછી બીમારીઓની આગાહી ચાલી રહી છે, જેમાં હવે આખા વિશ્ર્વમાં ‘મંકી પોક્સ’ નામની બીમારી ફેલાઇ રહી છે. તો મિત્રો સાવધાન.
દેશી ઓસડિયાં અને જૂના રસોડાના આપણા અજમાવેલા નુસખાઓને અમલમાં અચૂક મૂકજો, જેમ કે સવાર સવારમાં ગરમ ઉકાળો પીજો કે દૂધ વગરની ગરમ મસાલેદાર ચા પીજો. ગ્રીન ટી પણ કહેવાય, કાવા પણ કહેવાય, આપણે કાઢો કહીએ છીએ, ઉકાળો જેમાં આજકાલ મેં એક નવો સ્પેશિયલ ઉકાળો બનાવ્યો છે, જેની નાનકડી રેસિપી હું તમને કહું છું. તમને ચોક્કસ ભાવશે એવી ગેરંટી તો ન આપું, પણ ફાયદાકારક તો છે.
૧. આપણે લેમન ગ્રાસ લઈએ. એને ધોઈ નાખીએ અને એને ખૂબ પાણીમાં ઉકાળવા મૂકી દઈએ એમ ચાની પત્તી નહીં નાખવાની. ખાલી લેમન ગ્રાસની પત્તી નાની કાપીને પાણીમાં ઊકળવા નાખવાની. ત્રણ-ચાર ગ્લાસ પાણી લો. તેમાંથી બે મગ જેટલી બને. એમાં આદું ખમણીને ઉમેરો. એમાં થોડુંક લવિંગ, થોડુંક તજ, થોડીક સૂંઠ એડ કરો. એકાદ-બે દાણા કાળાં મરી ઉમેરો અને તેને ઉકળવા દો. પછી એમાં તુલસી નાખો. નહીં તો કપમાં પણ તુલસી ઉમેરી શકો છો. ગરમ પાણીમાં મધ ન નખાય માટે મધની જગ્યાએ થોડો ટુકડો ગોળ નાખો. જે હું નાખું છું. નહીં તો નહિવત પ્રમાણમાં ખાંડ નાખો. ખડી સાકરનો ભૂકો નાખી શકો, સુગર-ફ્રી ખાતા હોય છે બધા.
અને પછી મસ્ત લેમન ડ્રોપ્સ. અને તમે જે સવારમાં લઈને પીઓ, તમારું માથું, પેટ બધું એટલું સરસ થઈ જશે. તમે મને કહેશો કે વાહ નેહાબહેન વાહ. બાકી બધા આપણી મસ્ત દૂધવાળી કડક, મીઠી, મસાલેદાર ચા તો પીવાના જ છે.
બીજું, સવાર સવારમાં શક્ય હોય તો જે આપણી વૈદિક પદ્ધતિ પ્રમાણે આહાર છે એનું સેવન કરવાનો પ્રયોગ કરો.
તમને અચાનક લાગતું હશે કે આજે નેહાજી ઓસડિયાં ક્વીન બની ગયાં કે પછી કિચન ક્વીન! હાહાહા.
હું હંમેશાં પ્રયાસ કરતી રહું છું, કારણ કે મેં મારા પરિવારમાં નાની નાની વસ્તુઓનું ધ્યાન ન રાખવા માટે થઈને કે ન રાખી શકવા માટે થઈને ઘણા બધા ગુણીજનો, ભણેલા-ગણેલા લોકો માત્ર એમની અનઅવેરનેસ અને આળસના કારણે પૃથ્વી પર રહેવા જોઈએ એના કરતાં ઓછું રહી શક્યા અને જલદી જતા રહ્યા.
આગળ વધવું, જવું અને ગતિ પકડવી એ તો મને બહુ જ ગમે, કારણ કે મને તો સ્ટેગનેન્ટ રહેવું નથી ગમતું, પણ કેવી રીતે જવું, કઈ પરિસ્થિતિમાં જવું, સુખેથી જવું, શાંતિથી જવું કે પીડાઈને જવું, એ આપણા હાથમાં છે અને ન પણ હોય, પ્રયત્ન તો આપણા હાથમાં છે જ મિત્રો. જે કરવો જ રહ્યો.
ભાવાર્થ… માહોલ અત્યારે બગડી રહ્યો છે. આ સુંદર મજાની મોસમમાં આપણે જે નીચેથી પ્રદૂષિત વાતાવરણ કરી નાખ્યું છે. એની સામે ઉપરની શક્તિઓ પણ હવે હારી ગઈ છે કે અમે આ વસ્તુમાં જીતી નહિ શકીએ માણસોને. એટલે બીમારી વધી રહી છે. નીચેનો ઉકરડો, ગંદકી, શહેરમાં પાણી ભરાયેલા ખાડાના કારણે મચ્છર, પડેલી વસ્તુઓ, પ્લાસ્ટિક, ખાઈને ફેંકાતો આહાર. ઘણી બધી જગ્યાએ તો સેનિટરી નેપ્કિન. ઓકે પછી ખવાઈ જવાયેલી માંસાહારી વસ્તુઓની વેસ્ટ. આ બધું એટલું બધું ગંદકી કરી રહ્યું છે. ફૂલો… ફૂલો હજુ પણ પ્રકૃતિમાં સમાઈ જાય છે. આ બધી વસ્તુને આપણે કમ્પોઝ કરીને ખાતર કેમ નથી બનાવતા? કેમ આખી પૃથ્વી પર ધબાધબી કરી રહ્યા છીએ? કાંઈ સમજાતું નથી, પણ પ્રભુ એનો રસ્તો ચોક્કસ કાઢશે. જ્યારે એને કંટાળો આવશે. ત્યાં સુધી શક્ય હોય એટલું આપણો પ્રયાસ છેને કે કીચડમાં કમળની જેમ ખીલીને જીવવું. માટે હું તમને અત્યારે કહું છું કે આપણે આપણી ઉપર જરા નજર કરીએ. શરીરને સમજીને, શરીરની અંદરના સંતુલન સમજીને, એને આહાર, વિચાર, આચાર સાથે આકાર આપીએ, તો કદાચ જીવનની લડતમાં આપણે આગળ વધારે સારી ચુનૌતી આપી શકીશું.
તો ચાલો આ વખતે થોડી શરીરની અંદરની જીવનયાત્રાને, શરીરના અંદરના મિકેનિઝમને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. થોડા આહાર અને વ્યાયામ સાથે થોડીક પ્રતિક્રિયાઓ સાથે બાહરનું તો આપણે બહુ બધું સમજીએ છીએ. બાહ્ય રૂપ, રૂપરંગ, સોળ શણગાર, ચા-પાણી, સ્ટાઇલ, ફેશન, કપડાં એ બધું જ આપણે કરી શકીશું જો અંદરથી આપણું માળખું સરખું હશે તો. ચાલો આજે એક નવો પ્રયાસ કરીએ આંતરિક જીવન જીવવાનો અને એને અમલમાં મૂકવાનો પ્રયાસ કરજો. ઓકે.
આ બધા સદીઓ જૂના, સાદા અનુભૂત પ્રયોગો છે, જે મને મારાં બાએ જાણ કરી હતી અને તેઓ લોકોને આવી રીતે માર્ગદર્શન આપતાં. એમની પાસે મૂળ જ્ઞાન રસોડાની પદ્ધતિનું, આયુર્વેદનું દેશી પદ્ધતિનું જ્ઞાન અને જાણકારી હતી. જેને સામાન્ય બુદ્ધિ તરીકે પણ આપણે ઓળખતા. વડીલોના વડીલો સમયથી આપાયેલું જ્ઞાન. જાણીએ અમુક સામાન્ય જાણકારી શરીર માટે:
૧) ડાબે પડખે સૂઈ જનાર, બે સમય ભોજન કરનાર, છ-વાર મૂત્ર ત્યાગ કરનાર, બે વાર મળ ત્યાગ કરનાર અને મર્યાદિત મૈથુન કરનાર સો વર્ષનું દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે એવું મનાય છે.
૨) ડાબો સ્વર ચાલતો હોય ત્યારે પાણી પીવું શરીર માટે સારું.
૩) કફને દૂર કરવા દવા લેવા કરતાં ઊલટી એટલે કે ‘વમન’. વાયુનો પ્રકોપ દૂર કરવા તેલની માલિશ. પિત્તનો પ્રકોપ દૂર કરવા શાંતિથી સૂઈ જવું. તાવને મટાડવા ઉપવાસ કરવો. આ દરેક ઘરેલુ નુસખાઓ અજમાવેલા અને ઉત્તમ મનાયેલા છે.
૪) લઘુશંકા એટલે કે યુરિન અને દીર્ઘશંકા એટલે કે મળ વિસર્જન કરતી વખતે દાંત ભીંસેલા રાખવા. આમ કરવાથી દાંતની મજબૂતી વધે છે. (આપણને તો ખાલી સામેવાળા પર ગુસ્સો આવે ત્યારે દાંત ભીંસી દઈએ) હાહાહા…
છેને મિત્રો યુનિક વાતો. આપણે ઘણા વખતથી ન સાંભળેલી વાતો. આ વાતોનાં શબ્દો અને ભાષા કેટલી સુંદર અને પૌરાણિક છે. આ વસ્તુઓનો અનુભવ. આ વસ્તુઓના આચરણનો અનુભવ પણ એટલો જ પૌરાણિક અને બેજોડ છે. આ બધી વસ્તુઓને આપણે આ અઠવાડિયે, આ મોસમમાં આપણા જીવનમાં એનું આચરણ કરીએ. જોઈએ કે શરીરમાં શું ફરક આવે છે.
અને આવતા સપ્તાહે ઉત્સાહ સાથે મળી આપણે શારીરિક સામાન્ય જ્ઞાન અને ભોજન માટેના સુંદર સામાન્ય જ્ઞાન વિશે વાત કરીશું. જલદી મળીએ અને આપણી જાણકારી થકી આપણા પરિવારનું જીવન સુઘડ બનાવવાનો પ્રયાસ કરીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.