અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની લીફ્ટ તૂટી: 8 શ્રમિકોનાં મોત, કોઈએ અધિકારીઓને જાણ ના કરી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

અમદવાદ શહેરમાં આજે સવારે મોટી દુર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણાધીન એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામમાં વપરાતી લિફ્ટ 13માં માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. જેના કારણે 8 શ્રમિકોના મોત નીપજ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના પર પડદો પાડી દેવાની કોશિશ કરવામાં આવી રહી હોય એવી જાણકારી મળી રહી છે. બાંધકામ સાથે જોડાયેલ કોઈ જવાબદાર વ્યક્તિએ અધિકારીઓને આ ઘટનાની જાણ કરી ન હતી. મીડિયાકર્મીઓ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.
મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સીટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં સવારે 9:30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. સમાનના હેરફેર માટે ઉપયોગમાં લેવાતી લીફ્ટ 13માં મળે હતી, શ્રમિકો સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક લીફ્ટ તૂટી પડી હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી 8 શ્રમિકોના મોત નીપજ્યા છે. જેમાંથી બે શ્રમિકો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. આસપાસના રહેવાસીઓ બચાવ માટે આવ્યા હતા. શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલેન્સમાં હોસ્પિટલ મોકલાયા હતા. ત્યાર બાદ અન્ય 4 શ્રમિકો બેઝમેન્ટમાં ફસાયા હોવાની જાણ થતા તેમને બહાર કઢાયા હતા અને તે બાદ પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કઢાતા વધુ 2 શ્રમિકો મળ્યા હતા.
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી મીડિયા મારફતે અને મિત્રો દ્વારા માહિતી મળી હતી. તે આધારે અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. સ્થળ તપાસ માટે આવ્યા છીએ પરંતુ કોઈપણ જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.