ચૂંટણી હાર્યા પછી તેજસ્વી યાદવે પહેલી વાર વિધાનસભામાં આપ્યું નિવેદન, જાણો સરકારને શું કરી અપીલ?

બિહારમાં 18મી વિધાનસભાનું પ્રથમ સત્ર તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીઓ બાદ શરૂ થઈ ચૂક્યું છે. આ સત્ર દરમિયાન તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધા હતા, અને ત્યારબાદ વિધાનસભાના નવા અધ્યક્ષની પણ સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. મંગળવારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રેમ કુમારની વિધાનસભાના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અનેક નેતાઓએ તેમને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે વિધાનસભામાં ચૂંટણી હાર્યા બાદ પ્રથમ નિવેદન આપ્યું હતું.
વિધાનસભાના સત્રમાં બોલતા તેજસ્વી યાદવે નવા અધ્યક્ષ પ્રેમ કુમારને લાલુ પ્રસાદ યાદવ, મહાગઠબંધન અને સમગ્ર બિહારવાસીઓ વતી અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. તેજસ્વીએ આશા વ્યક્ત કરી હતી કે, લાંબા રાજકીય અને સામાજિક જીવનનો અનુભવ ધરાવતા પ્રેમ કુમાર સત્તા પક્ષ અને વિપક્ષ બંનેને ગૃહમાં સમાન અવસર આપશે. તેમણે કહ્યું, “અધ્યક્ષ તરીકે તેમની પાસે એવી અપેક્ષા છે કે તેઓ નિયમ મુજબ સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.”
આ પણ વાંચો: રાઘોપુરની બેઠક પર તેજસ્વી યાદવે સતીશ કુમાર રાયને હરાવ્યાઃ ગઢ બચાવી લીધો પણ
તેજસ્વી યાદવે ગૃહના તમામ સભ્યોને સહયોગી બનીને કામ કરવા અને કોઈને નિરાશ ન કરવાની અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીમાં વિપક્ષ પણ સરકારનો મહત્વનો જ ભાગ છે. તેજસ્વીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે પણ જરૂર પડશે, ત્યારે વિપક્ષ વિધાનસભાના અધ્યક્ષની સાથે ઊભો રહેશે. તમામ પક્ષોનો ઉદ્દેશ્ય બિહારને એક અગ્રણી રાજ્ય બનાવવાનો છે. તેજસ્વી યાદવે આ અવસરે બેરોજગારી, ગરીબી અને પલાયન (સ્થળાંતર) જેવા પડકારોને દૂર કરીને નવા સંકલ્પ સાથે નવા બિહારનું નિર્માણ કરવાની વાત કરી હતી.
બિહાર વિધાનસભામાં પોતાના સંબોધનમાં તેજસ્વી યાદવે વિપક્ષની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, વિપક્ષનું કાર્ય સરકારની ભૂલોને દેખાડવાનું હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારની અંગત કડવાશ હોતી નથી. તેજસ્વીએ સત્તાધારી પક્ષને અપીલ કરી હતી કે તેઓ વિપક્ષના અવાજને પણ ગંભીરતાથી સાંભળે. આ સહયોગી પાર્ટીના વલણથી જ બિહારને સાચી દિશામાં આગળ વધારી શકાય છે.



