યુપીમાં ટ્રકે બસને ટક્કર મારતાં છનાં મોત
ગોરખપુર: જગદીશપુર નજીક હાઇવે પર એક ઝડપી ટ્રક રોડવેઝ બસ સાથે અથડાતાં છ જણના મોત થયા હતા અને પચીસથી વધુ ઘાયલ થયા હતા.
પોલીસ અધિક્ષક (શહેર) કૃષ્ણ કુમારે શુક્રવારે જણાવ્યું હતું કે, ગોરખપુરથી કુશીનગરના પદ્રૌના જઈ રહેલી બસમાં ૩૦થી વધુ મુસાફરો સવાર હતા. ગોરખપુર-કુશીનગર હાઈવે પર ગુરુવારે રાત્રે અકસ્માત થયો હતો.
બસમાં ખરાબી આવતા તે રોડને કિનારે ઊભી હતી. કેટલાક મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા, જ્યારે અન્ય લોકો અંદર બેઠા હતા.
અચાનક એક ટ્રકે આવીને બસને પાછળથી ટકકર મારી હતી, જેમાં બે જણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર નાસી ગયો હતો.
હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય ચારના મોત થયા હતાં.
એમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રકને જપ્ત કરવામાં આવી છે અને પોલીસ ડ્રાઇવરની શોધ કરી રહી છે.
મૃતકોમાંથી ચારની ઓળખ શૈલેષ પટેલ (૨૫), સુરેશ ચૌહાણ (૩૫), નિતેશ સિંહ (૨૫) અને હિમાંશુ યાદવ (૨૪) તરીકે કરવામાં આવી હતી.
તેઓ બધા જ કુશીનગરના રહેવાસી હતાં.