અધિકારમુક્ત મૈત્રી – ભગવાનની સમીક્ષા

વીક એન્ડ

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

ભગવાન મહાવીર જન્મથી ભગવાન ન હતાં, કર્મ ક્ષયથી ભગવાન બન્યાં હતાં. જન્મથી તો તેઓ રાજકુમાર વર્ધમાન હતાં પણ આત્માને શુદ્ધ કરી, તેઓ ભગવાન બન્યાં. જન્મથી તો તેઓ આપણી જેમ નવ મહિના માતાની કુક્ષિમાં રહેવાવાળા એક મનુષ્ય હતાં, પણ સમાન મનુષ્યત્ત્વ હોવા છતાં એમણે અસમાન ભાવ વિશિુદ્ધ કરી હતી. જે પૌદ્ગલિક પદાર્થોથી બાકી બધાં મનુષ્યનો દેહ નિર્માણ થાય છે, એવા જ પૌદ્ગલિક પદાર્થોથી એમનો દેહ નિર્માણ પામ્યો હતો.
આ એક ખાસ સમજવાની વાત છે. જે આપણા જેવા હોવા છતાં આપણાથી અલગ કેમ થઈ જાય છે?
એ જ બતાવે છે કે દૈહિક સામ્યતાનું વધારે મહત્ત્વ નથી હોતું, મહત્ત્વ હોય છે આત્મિક વિશુદ્ધિનું!
આપણે જ્યારે કોઈને શ્રેષ્ઠ માનીએ છીએ, ત્યારે આપણે સ્વયંને બહુ સામાન્ય માનવા લાગીએ છીએ, પણ ભગવાન મહાવીરે કહ્યું છે, જે હું કરી શકું છું, તે તમે બધાં જ કરી શકો છો. જો આ મનુષ્ય દેહથી હું મારા આત્માની વિશુદ્ધિ કરીને અને કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠ બની શકું છું, તો તમે પણ શ્રેષ્ઠ બની શકો છો. એવું નહોતું કે ભગવાન મહાવીર જન્મથી જ એકાંત સાધના કરવા લાગ્યા હતાં. એમણે ૩૦-૩૦ વર્ષ સંસારના વ્યવહારમાં, સંસારના સંબંધોમાં અને સંસારની ચર્યામાં વિતાવ્યા હતાં. તેઓ સંસારના સંબંધોમાં રહેવા છતાં સંબંધોથી મુક્ત રહેતાં હતાં, કેમ કે, એમણે એના ઉપર ઘણી બધી સમીક્ષાઓ કરી હતી. સમીક્ષા એટલે સ્વયં થકી, સ્વયંની સમક્ષ આવવું.
ભગવાન મહાવીર હર એક સ્થિતિ અને હર એક સંયોગોની સમીક્ષા કરતાં હતાં.
ભગવાન મહાવીરને બાળપણમાં અનેક મિત્રો હતાં. એ બહારથી મિત્રો સાથે રહેતાં અને રમતાં પણ અંદરમાં એમના મનમાં, એમના વિચારોની સમીક્ષા ચાલુ રહેતી.
બાળ વર્ધમાન વિચારતા, જે આજે મિત્ર છે તે કાલે મિત્ર હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. બાળ મહાવીર મૈત્રીની સમીક્ષા કરતાં હતાં.
આજે પુણ્યના ઉદયે મનુષ્ય જન્મ મળ્યો છે એટલે મનુષ્ય રૂપ મિત્રો મળ્યાં છે. જો હાથીના રૂપમાં જન્મ લીધો હોય, તો મારી આસપાસ હાથી હોત. કીડી રૂપમાં જન્મ લીધો હોત, તો મારી આસપાસ કીડીઓ હોત!
માટે જ, તેઓ મિત્રો સાથે ન વધારે રાગભાવમાં રહેતાં, ન અધિકારભાવથી રહેતાં.
મૈત્રીની સમીક્ષા કરતાં-કરતાં વિચારતાં, અત્યારે મારો મિત્રો સાથે સદ્વ્યવહાર છે, વાત્સલ્યભાવ છે, પ્રેમ અને લાગણી છે, પણ શું મારો વ્યવહાર યોગ્ય નહીં હોય તો આ મૈત્રી ટકશે? અને ભગવાન એક નિર્ણય પર આવતાં.
મૈત્રી અરસ-પરસના સદ્વ્યવહારથી જ ટકે છે. મૈત્રીનો સંબંધ સહાય ઉપર જીવે છે. સહાય કરવાનું બંધ થઈ જાય તો, મૈત્રીનું મૃત્યુ થઈ જાય છે. માટે જ, મિત્રતામાં આત્મીયતા રાખવી જોઈએ, અધિકાર નહીં!
મિત્રતામાં હિતની ભાવના રાખવી જોઈએ, સ્વાર્થ નહીં! બાળ મહાવીરે મૈત્રીની સમીક્ષા શા માટે કરી?
એકવાર જ્યારે બધાં બાળ મિત્રો રમી રહ્યાં હતાં, ત્યારે ત્યાં એક મોટો સર્પ આવ્યો. સર્પને જોઈને બધાં જ મિત્રો પોતાની જાન બચાવવા ત્યાંથી ભાગી ગયાં, કોઈએ બીજાની ચિંતા પણ ન કરી. મહાવીર વિચારવા લાગ્યાં, હમણાં બધાં સાથે રમતાં હતાં અને એક તકલીફ આવી બધાં ભાગી ગયાં! એનો અર્થ એ જ થયો કે, મિત્રો માત્ર સુખના માર્ગ પર સાથ દે છે, દુ:ખના માર્ગ પર તેઓ છોડીને ચાલ્યા જાય છે. મહાવીરે મૈત્રીની ક્ષણભંગુરતાને નિહાળી. મહાવીરે મૈત્રીની પાછળના ઉદ્દેશ્યને જાણ્યો. મહાવીરે મૈત્રીની પાછળ રહેલા રહસ્યને ઓળખ્યું. માટે જ, મૈત્રીમાં આત્મીયતા રાખો, અધિકાર ન રાખો. મૈત્રીમાં અન્યના હિત, શ્રેય અને કલ્યાણની ભાવના રાખો, પણ અપેક્ષા ન રાખો.
સ્વાર્થના આધાર પર ટકેલી મૈત્રી ક્યારેય ચિરાયુષ્ય ન હોય. સ્વાર્થ પૂરો ન થાય એટલે ક્રોધ આવે, દુ:ખ થાય, negativity આવે.
મહાવીરના મિત્રો સર્પને જોઈને ભાગી ગયા.
મહાવીરે પણ સર્પને જોયો, પણ મહાવીર ભાગ્યાં નહીં કેમ કે, મહાવીર નિર્ભય હતાં, મહાવીર નિડર હતાં. મહાવીરના મનમાં એક જ ભાવ હતો કે,
‘મેં કોઈને દુ:ખ નથી આપ્યું, તો કોઈ મને દુ:ખ કેમ આપે?’
ન મહાવીરને સર્પનો ડર હતો અને ન મહાવીર ચાહતા હતા કે સર્પ મારાથી ડરે. મહાવીરમાં નિર્ભયતા અને અભયતા, બંને ગુણ હતાં.
બીજાથી ડરવું એ પણ ભય છે અને બીજાને ડરાવવું એ પણ ભય છે.
બીજાથી ન ડરવું, એ નિર્ભયતા છે અને બીજાને ન ડરાવવું એ અભયતાના ભાવ છે.
મહાવીરે મૈત્રીભાવથી સર્પની સામે જોવાનું શરૂ કર્યું. તમારી સામે પણ જ્યારે આવી સ્થિતિ આવે, તમારી સામે કોઈ જંગલી પ્રાણી કે ભસતો કૂતરો આવે, તમે અભયભાવની healing કરવાનું શરૂ કરી દો, અભયભાવના vibrations pass કરવાનું શરૂ કરી દો. કેમ કે, બને છે શું ખબર છે?
આપણે એનાથી ડરીએ છીએ અને એ આપણાથી ડરે છે, માટે, બે હાથ ઊંચા કરી, હાથમાંથી અભયભાવના ફિુત આપવાનું શરૂ કરી દો, ભાવ કરો.
હે જીવ! તું મારાથી ભયભીત ન થા, હું તારાથી ભયભીત નથી, તું મારી તરફથી અભય રહે. તમે તમારા માર્ગે પ્રયાણ કરો, હું મારા માર્ગ પર જાઉં છું, હું મારા ભાવમાં છું તમે તમારા ભાવમાં રહો.
॥ मित्ति मे सव्व भूएसु ॥
જગતના સર્વ જીવો પ્રત્યે મને મૈત્રીભાવ છે, તમારી સાથે પણ મૈત્રીભાવ છે.
જેવો તમે આવો મૈત્રીભાવ પ્રગટ કરશો, એટલે તમારી શુભ aura, તમારા મૈત્રીભાવના vibrations ના કારણે એનો ક્રોધ શાંત થઈ જશે.
મહાવીરે ધીમે-ધીમે સર્પની નજીક જતાં-જતાં મૈત્રી ભાવના પ્રગટ કરી. મહાવીરની આંખોમાં પ્રેમસભર મૈત્રી હતી. મહાવીરના હાથમાં મૈત્રીના vibrations હતાં. મહાવીરના અંગ-અંગમાંથી મૈત્રીભાવ નિતરતો હતો. મહાવીરે ખૂબ જ સહજતાથી સર્પને હાથમાં લીધો અને ખૂબ જ પ્રેમથી દૂર સુરક્ષિત સ્થાને ધીમેથી મૂકી દીધો.
મહાવીરના ભાગી ગયેલાં મિત્રો દૂરથી આ દૃશ્ય જોઈ રહ્યાં હતાં અને ત્યાંથી જ કહેતાં હતાં, વર્ધમાન… રાજકુમાર! તમે આ શું કરી રહ્યાં છો? પણ મહાવીર તો આરામથી મૈત્રીભાવની આરાધના કરતાં હતાં. સાથે-સાથે એમણે સમીક્ષા પણ કરી લીધી કે, જ્યાં સુધી રમતમાં ખુશીના નિમિત્તો હોય છે ત્યાં સુધી રમનારાઓ સાથે હોય છે પણ રમતમાં જ્યારે દુ:ખનું નિમિત્ત આવી જાય છે, ત્યારે રમનારાઓ રમત છોડીને જતાં રહે છે અને રમત પણ disturb થઈ જાય છે.
હર એક ‘સાથ’નો શ્ર્વાસ સુખ હોય છે, જેવો સુખનો શ્ર્વાસ જાય એટલે ‘સાથ’નું તરત જ મૃત્યુ થઈ જાય છે.
માટે જ, આજે જેમનો ‘સાથ’ છે, એને અખંડ મૈત્રીનો સાથ ન માનતા. કેમ કે, આત્મા જ તમારો સાચો મિત્ર છે અને આત્માનો સાથ જ અખંડ છે, શાશ્ર્વત છે.
ભગવાને કહ્યું છે, આ સંસાર પણ રમતનુંplay
ground છે. આ ભવમાં આપણે બધાં એplay groundનોplayers છીએ. રમત પૂરી થશે એટલે બધાં અલગ-અલગ ગતિમાં ચાલ્યા જશે.
ભેગા થવું, એ છૂટા પાડવા માટે જ હોય છે. સાથ કોઈનો પણ, ક્યારેય શાશ્ર્વત નથી હોતો.
સંસારની તમામ મૈત્રી અધિકાર અને મમત્ત્વથી દૂષિત હોય છે. અધિકાર મુક્ત મૈત્રી જ લાંબુ આયુષ્ય ભોગવે છે.
અધિકારવાળી મૈત્રી અલ્પાયુષ્ય જ હોય છે.
———
પર્યુષણમાં જીભને સુગર ફેકટરી અને મગજને આઇસ ફેકટરી બનાવો
– ધી રજમુનિ મ. સા.

‘સિતારે હજાર હોતે હૈ, ચાંદ જૈસા
કોઇ નહીં
પર્વ બાર બાર આતે હૈ, પર્યુષણ જૈસા
કોઇ નહીં’
જે આત્માને પવિત્ર બનાવે તે પર્વ. જૈન સંસ્કૃતિ પર્વને માને છે
‘ पुनाति ईति पर्व – ’
પર્યુષણના જુદા જુદા અર્થ છે. (૧)પરિવસન: એક સ્થળે સ્થિર થવું. (૨) પર્યવસન: તપોમય અધ્યાત્મ જીવનની વર્ષગાંઠ ઉજવવી. (૩) પર્યુશમન: આત્માને દૂષિત કરનારા કષાયોનું શમન કરવું.
જીવનમાં વેર-ઝેરની ગાંઠો પડી ગઇ હોય, તેને છોડવાની છે. અબોલા, શત્રુતા હશે ત્યાં સુધી આત્માની શુદ્ધિ નહીં થાય.
સીડીનું કામ શરીરને ઉપર ચડાવે. સંપત્તિનું કામ દિમાગને ઉપર ચડાવે તેમ સદ્ગુણોનું કામ આત્માને ઊંચે ચડાવે છે.
બોલીને બગાડો નહીં, સમતા ધારણ કરો, થોડું સહન કરવું એમ જે સમજે છે તે સદ્ગુણોનું ઉપાર્જન કરી શકે છે.
વર્ષોના સંંબંધોને કડવી ભાષા બોલવાથી તૂટતા વાર લાગતી નથી માટે ક્રોધમાં ક્યારેય બોલવું નહીં. મૌન રાખવું. નિરાશામાં કયારેય નિર્ણય કરવો નહીં.
ચપટી નમકથી રસોઇ સ્વાદિષ્ટ બને, ચમચી મેળવણથી દહીં જામી જાય, તેમ મીઠી ભાષા બોલવાથી ઘર નંદનવન બની જાય.
પર્યુષણમાં જીભને સુગર ફેકટરી અને મગજને આઇસ ફેકટરી બનાવો.
આપણે જીભનો વ્યાપાર ઘણો કર્યો, હવે જિગરનો વ્યાપાર કરશો તો જગદીશ મળ્યા વિના રહેશે નહીં.
પતિએ પત્નીને ફરિયાદી સૂરમાં કહ્યું કે-બા જેવી રોટલી આવડતી નથી. પત્નીએ કહ્યું, બા જેવી રોટલી ખાવી હોય તો બાપુજી જેવો લોટ બાંધતા શીખી જાઓ!!! પતિએ એ જ દિવસે ગુરુદેવ પાસે જઇને યાવત્જીવન જમતી વખતે ન બોલવાની પ્રતિજ્ઞા અંગીકાર લીધી!
જીવનમાં જીભનો વ્યાપાર એવો કરો કે બોલ્યા પછી પસ્તાવુંં ન પડે! માટે એકબીજાના રિપોર્ટર નહીં પણ સપોર્ટર બનજો!!!
———
પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા

આશા દીપ ચેરિટેબલ ટ્રસ્ટ: ૨૭મી ઑગસ્ટના નેહલબહેન ગઢવીનું માનવતા સાથે મૈત્રી વિષય પર વ્યાખ્યાન અને ઝરણા વ્યાસ સંગાથે ભક્તિભાવનાનું નાણાવટી ઓડિટોરિયમ, નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભકિતભાવના રાતે આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી પ્રસિદ્ધ વક્તાઓનું વક્તવ્ય.
શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળા: શ્રી ગુજરાતી કેળવણી મંડળ, માટુંગા, શ્રી માનવ સેવા સંઘ-સાયન, જૈન સોશિયલ ગ્રુપ-માટુંગા, જે.જે.સી. સાયન-માટુંગા અને જૈન સોશિયલ ગ્રુપ સાયનના સંયુક્ત ઉપક્રમે પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે મનીષાબહેન શાહ પર તા. ૨૭મી ઑગસ્ટના નેહલબહેન ગઢવીનું પ્રવચન, શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી અહેમદ કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ ખાતે પ્રવચન પહેલાં દરરોજ ૮.૪૦ કલાકે ભક્તિભાવના અને નવ વાગ્યે પ્રવચન.
ત્રિ-દિવસીય અમૃત પ્રવચનધારા: જૈન જાગૃતિ સેન્ટર્સ અને જૈન સોશિયલ ગ્રુપ્સના ઉપક્રમે તા. ૨૭મી ઑગસ્ટ, ૨૦૨૨ના રાજયોગિની બ્રહ્મકુમારી યોગિનીબહેન અને બ્રહ્મકુમારી નમ્રતાબહેનનું જીવદયા અને અહિંસા વિષય પર પ્રવચન. ભક્તિગીત રૂપાબહેન ડગલી. વિશ્ર્વકર્મા હોલ, બજાજ રોડ, વિલે પાર્લે (વેસ્ટ). ભક્તિભાવના રાતે ૮.૩૦ કલાકે અને પ્રવચન રાતે ૯ કલાકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.